KKR vs CSK: કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ધોનીની સેના

IPL 2023: ડેવોન કોનવે, અજિંક્ય રહાણે અને શિવમ દુબેની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે કોલકત્તાને હરાવી આઈપીએલ-2023માં પોતાની પાંચમી જીત મેળવી છે. 

KKR vs CSK: કોલક્તામાં ચાલ્યો ચેન્નઈનો જાદૂ, KKRને 49 રને હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ધોનીની સેના

કોલકત્તાઃ કોલકત્તાના ઈડન ગાર્ડન પર આઈપીએલ (IPL 2023) 2023ની 33મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ને 49 રને પરાજય આપી સીઝનમાં પાંચમી જીત મેળવી છે. આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન ફટકારી દીધા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 186 રન બનાવી શકી હતી. 

ગાયકવાડ-કોનવોએ અપાવી સારી શરૂઆત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને બંને ઓપનર ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડે મજબૂત શરૂઆત અપાવી હતી. પાવરપ્લેમાં ચેન્નઈએ વિના વિકેટે 59 રન બનાવી લીધા હતા. ટીમનો સ્કોર 73 રન હતો ત્યારે ગાયકવાડ 35 રન બનાવી આઉટ થયો હતો. ડેવોન કોનવેએ સતત ચોથી અડધી સદી ફટકારી હતી. કોનવે 40 બોલમાં ત્રણ સિક્સ અને ચાર ચોગ્ગા ફટકારી આઉટ થયો હતો.

ઈડન ગાર્ડનમાં રહાણે અને શિવમ દુબેનું વાવાઝોડું
ચેન્નઈએ 109 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રહાણે અને શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ 32 બોલમાં 85 રનની ભાગીદારી કરી હતી. શિવમ દુબે 21 બોલમાં પાંચ સિક્સ અને બે ચોગ્ગા સાથે 50 રન બનાવી આઉટ થયો હતો. રહાણેએ અવિશ્વસનીય બેટિંગ કરતા 29 બોલમાં 5 સિક્સ અને 6 ફોર સાથે અણનમ 71 રન બનાવ્યા હતા. જાડેજા 8 બોલમાં બે સિક્સ સાથે 18 રન બનાવી આઉટ થયો હતો. 

કોલકત્તાના બંને ઓપનર સસ્તામાં આઉટ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. સુનીલ નારાયણ (0) રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ એન જગદીશન 1 રન બનાવી તુષાર દેશપાંડેનો શિકાર બન્યો હતો. વેંકટેશ અય્યર 20 બોલમાં 20 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન નીતિશ રાણા 27 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો. 

જેસન રોયે ફટકારી અડધી સદી
કોલકત્તા તરફથી સૌથી વધુ રન જેસન રોયે ફટકાર્યા હતા. રોયે 26 બોલમાં પાંચ ફોર અને પાંચ સિક્સ સાથે 61 રન બનાવ્યા હતા. તે મહેશ તીક્ષ્ણાનો શિકાર બન્યો હતો. આંદ્રે રસેલ 9, ડેવિડ વીઝા 1 અને ઉમેશ યાદવ 4 રન બનાવી આઉટ થયા હતા. રિંકૂ સિંહ 33 બોલમાં 53 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ચેન્નઈ તરફતી તુષાર દેશપાંડે અને મહેશ તીક્ષ્ણાએ બે-બે, આકાશ સિંહ, મોઈન અલી, જાડેજા અને તથિરાનાએ એક-એક વિકેટ લીધી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news