IPL 2021 KKR vs SRH: કોલકત્તાનો વિજય સાથે પ્રારંભ, હૈદરાબાદને રોમાંચક મેચમાં 10 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની ત્રીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સને 10 રને હરાવી વિજય સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. 

Updated By: Apr 11, 2021, 11:08 PM IST
IPL 2021 KKR vs SRH: કોલકત્તાનો વિજય સાથે પ્રારંભ, હૈદરાબાદને રોમાંચક મેચમાં 10 રને હરાવ્યું
ફોટો સાભાર (@IPL)

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ની ત્રીજી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 10 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી છે. કોલકત્તા તરફથી નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ અડધી સદી ફટકારી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 177 રન બનાવી શકી હતી.  

હૈદરાબાદની ખરાબ શરૂઆત
કોલકત્તાએ આપેલા 188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે માત્ર 10 રનની અંદર પોતાના બન્ને ઓપનર ગુમાવી દીધા હતા. ડેવિડ વોર્નર (3) રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. રિદ્ધિમાન સાહા (7)ને શાકિબે બોલ્ડ કર્યો હતો. હૈદરાબાદે પ્રથમ છ ઓવરમાં 2 વિકેટે 35 રન બનાવ્યા હતા. 

મનીષ પાંડે અને બેયરસ્ટોએ સંભાળી ઈનિંગ
શરૂઆતી ઝટકા લાગ્યા બાદ મનીષ પાંડે અને જોની બેયરસ્ટોએ ટીમને સંભાળી હતી. બન્નેએ ત્રીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટો આજે ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 40 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 55 રન બનાવ્યા હતા. બેયરસ્ટોને પેટ કમિન્સે આઉટ કરી કોલકત્તાને મોટી સફળતા અપાવી હતી. મનીષ પાંડેએ 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

મોહમ્મદ નબી 14 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. વિજય શંકર 7વ બોલમાં 11 રન બનાવી રસેલની ઓવરમાં આઉટ થયો હતો. મનીષ પાંડે 44 બોલમાં 2 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 61 રન બનાવી અને અબ્દુલ સમદ 19 રન બનાવી અણનમ રહ્યાં હતા. કોલકત્તા તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ ઝડપી હતી. આ સિવાય શાકિબ, રસેલ અને કમિન્સને એક-એક સફળતા મળી હતી. 

કોલકત્તાની મજબૂત શરૂઆત
ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે શુભમન ગિલ અને નીતીશ રાણાએ ઈનિંગની શરૂઆત કરી હતી. રાણાએ શરૂઆતથી આક્રમક વલણ અપનાવ્યું હતું. બન્નેએ પારવપ્લેમાં વિના વિકેટે 50 રન જોડી દીધા હતા. હૈદરાબાદને પ્રથમ સફળતા સાતમી ઓવરમાં રાશિદ ખાને અપાવી હતી. શુભમન ગિલ (15) રાશિદની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠીની વિસ્ફોટક બેટિંગ
પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ રાહુલ ત્રિપાઠી ક્રિઝ પર આવ્યો હતો. તેણે નીતીશ રાણાવ સાથે મળી આક્રમક અંદાજમાં હૈદરાબાદના બોલરોનો સામનો કર્યો હતો. બન્નેએ બીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન બન્નેએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. રાહુલ ત્રિપાઠી 53 રન બનાવી ટી નટરાજનનો શિકાર બન્યો હતો. ત્રિપાઠીએ 29 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. રાણાએ 56 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 80 રન બનાવી નબીનો શિકાર બન્યો હતો.

આંદ્રે રસેલ (5)ને રાશિદ ખાને મનીષ પાંડેના હાથે કેચ કરાવી કોલક્તાને મોટો ઝટકો આપ્યો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન માત્ર બે રન બનાવી નબીનો શિકાર બન્યો હતો. અંતમાં દિનેશ કાર્તિકે 9 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે આક્રમક 22 રન બનાવી ટીમનો સ્કોર 185ને પાર કરાવ્યો હતો. 

હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 4 ઓવરમાં 24 રન આપી બે સફળતા મેળવી હતી. આ સિવાય મોહમ્મદ નબીએ 32 રન આપી બે વિકેટ ઝડપી હતી. ટી નટરાજન અને ભુવીને પણ એક-એક વિકેટ મળી હતી. 

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube