KXIPvsSRH: પંજાબનું દમદાર પ્રદર્શન, લો-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદને 12 રને હરાવ્યું

કિંગ્સ ઇલેવન પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને પરાજય આપી સતત ચોથી જીત મેળવી છે. આ જીત સાથે પંજાબની ટીમ 10 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. 
 

KXIPvsSRH: પંજાબનું દમદાર પ્રદર્શન, લો-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદને 12 રને હરાવ્યું

દુબઈઃ  ક્રિસ જોર્ડન (17/3) અને યુવા અર્શદીપ સિંહ (23/3)ની દમદાર બોલિંગની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે લો-સ્કોરિંગ રોમાંચક મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત ચોથી અને ઓવરઓલ પાંચમી જીત મેળવી છે. આ જીત સાથે પંજાબના 10 પોઈન્ટ થઈ ગયા છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. તો પરાજય સાથે સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની આશાને ઝટકો લાગ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 126 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 19.5 ઓવરમાં 114 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

બેયરસ્ટો અને વોર્નર વચ્ચે અડધી સદીની ભાગીદારી
પંજાબે આપેલા 127 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદને બંન્ને ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. વોર્નર અને બેયરસ્ટોએ પાવરપ્લેમાં 52 રન જોડ્યા હતા. ટીમને પ્રથમ ઝટકો સાતમી ઓવરમાં 56 રનના સ્કોરે ડેવિડ વોર્નર (35)ના રૂપમાં લાગ્યો હતો. વોર્નર 20 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકારી રવિ બિશ્નોઈનો શિકાર બન્યો હતો. 

ત્યારબાદ ટીમનો સ્કોર 58 રન હતો ત્યારે જોની બેયરસ્ટો (19)ને મુરૂગન અશ્વિને બોલ્ડ કર્યો હતો. બેયરસ્ટોએ 20 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ અબ્દુલ સમદ 7 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. મનીષ પાંડે (15)ને ક્રિસ જોર્ડને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મનીષ પાંડેએ 29 બોલનો સામનો કર્યો હતો. 

વિજય શંકર  27 બોલમાં 4 ચોગ્ગા સાથે અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. જેસન હોલ્ડર (5) અને રાશિદ ખાન (0)ને ઈનિંગની ઓવરમાં ક્રિસ જોર્ડને આઉટ કરીને પંજાબની મેચમાં વાપસી કરાવી હતી. સંદીપ શર્મા (0) અર્શદીપ સિંહનો શિકાર બન્યો હતો. 

પંજાબ તરફથી ક્રિસ જોર્ડને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. યુવા અર્શદીપ સિંહને પણ ત્રણ સફળતા મળી હતી. આ સિવાય મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ અને મુરૂગન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી. 

પંજાબની ઈનિંગ, ટોમ ઓર્ડરનો ધબડકો
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ માટે ઓપનિંગની જવાબદારી કેએલ રાહુલ અને મનદીપ સિંહે ઉઠાવી હતી. બંન્નેએ પહેલા 4 ઓવરમાં 24 રન જોડ્યા હતા. પરંતુ પાંચમી ઓવરના છેલ્લા બોલ પર મનદીપ 14 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. તેને સંદીપ શર્માએ રાશિદ ખાનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ક્રિસ ગેલના રૂપમાં પંજાબને બીજો ઝટકો લાગ્યો જે 20 બોલમાં 20 રન બનાવી જેસન હોલ્ડરને શિકાર બન્યો હતો. 

પંજાબને ત્રીજો ઝટકો કેપ્ટન કેએલ રાહુલના રૂપમાં લાગ્યો જે રાશિદ ખાનની ગુગલી પર 27 બોલમાં 27 રન બનાવી બોલ્ડ થયો હતો. પંજાબને ચોથો ઝટકો લ્ગેન મેક્સવેલના રૂપમાં સંદીપ શર્માએ આપ્યો હતો. સંદીપ શર્માએ મેક્સવેલને 12 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. પાંચમી સફળતા હૈદરાબાદને રાશિદ ખાને અપાવી હતી. તેણે દીપક હુડ્ડાને શૂન્ય રને સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. 

પંજાબની છઠ્ઠી વિકેટ ક્રિસ જોર્ડનના રૂપમાં પડી જે 7 રન બનાવી હોલ્ડરની ઓવરમાં આઉટ થયો હતો. સાતમી વિકેટના રૂપમાં મુરૂગન અશ્વિન 4 રન બનાવી આઉટ થયો હતો. પંજાબ તરફથી નિકોલસ પૂરને અણનમ 32 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી સંદીપ શર્મા, જેસન હોલ્ડર અને રાશિદ ખાને બે-બે વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news