IPL 2022: બુમરાહની 5 વિકેટ પાણીમાં, મુંબઈ 113 રન બનાવી ઓલઆઉટ, કોલકત્તાનો 52 રને વિજય

પેટ કમિન્સ અને આંદ્રે રસેલની શાનદાર બોલિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા મુંબઈ ઈન્ડિયન્સને 52 રને પરાજય આપ્યો છે. 

IPL 2022: બુમરાહની 5 વિકેટ પાણીમાં, મુંબઈ 113 રન બનાવી ઓલઆઉટ, કોલકત્તાનો 52 રને વિજય

મુંબઈઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે પ્લેઓફની આશા જીવંત રાખતા આઈપીએલ-2022ની 56મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 52 રને પરાજય આપ્યો છે. કોલકત્તાની 12 મેચમાં આ પાંચમી જીત છે અને તેના 14 પોઈન્ટ છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 165 રન બનાવી શકી હતી. જેના જવાબમાં મુંબઈની ટીમ 17.3 ઓવરમાં 113 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ઈશાન કિશન સિવાય મુંબઈના તમામ બેટર ફેલ
મુંબઈ માટે આ સીઝનમાં રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય રહ્યુ છે. આજે પણ રોહિત શર્મા પ્રથમ ઓવરમાં માત્ર 2 રન બનાવી સાઉદીનો શિકાર બન્યો હતો. તિલક વર્મા 6 રન બનાવી આઉટ થયો હતો. રમણદીપ સિંહ 12 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો. મુંબઈ તરફથી ઈશાન કિશને 43 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 51 રન બનાવ્યા હતા. 

કમિન્સે એક ઓવરમાં ઝડપી ત્રણ વિકેટ
પેટ કમિન્સે એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધુ હતું. કમિન્સે ઈશાન કિશન, ડેનિયલ સેમ્સ અને મુરૂગન અશ્વિનને આઉટ કર્યા હતા. પોલાર્ડ પણ માત્ર 15 રન બનાવી રનઆઉટ થયો હતો. મુંબઈના કુલ ત્રણ બેટર આજે રનઆઉટ થયા હતા. કોલકત્તા તરફથી કમિન્સે ત્રણ વિકેટ ઝડપી હતી. રસેલને બે, સાઉદી અને ચક્રવર્તીને એક-એક સફળતા મળી હતી. 

કોલકત્તાની ધમાકેદાર શરૂઆત
સતત હારનો સામનો કરી રહેલી કોલકત્તાની ટીમ આજે નવી ઓપનિંગ જોડી સાથે ઉતરી હતી. વેંકટેશ અય્યર અને અજ્કિંય રહાણેએ ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 60 રન જોડ્યા હતા. વેંકટેશ અય્યર પ્રથમ બોલથી આક્રમક જોવા મળ્યો હતો. તેણે 24 બોલમાં ચાર સિક્સ અને 3 ફોર સાથે 43 રન બનાવ્યા હતા. પાવરપ્લેમાં કોલકત્તાએ 1 વિકેટે 64 રન બનાવ્યા હતા. 

રહાણે 25 રન બનાવી આઉટ થયો હતો. રહાણેએ 24 બોલનો સામનો કરતા ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. નીતિશ રાણા 26 બોલમાં ચાર સિક્સ અને ત્રણ ફોર સાથે 43 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. કેપ્ટન શ્રેયસ અય્યર 6 રન બનાવી મુરુગન અશ્વિનનો શિકાર બન્યો હતો. 

બુમરાહનો ઘાતક સ્પેલ
આ સીઝનમાં અત્યાર સુધી પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે પ્રદર્શન ન કરી શકનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આજે ઘાતક સ્પેલ ફેંક્યો હતો. બુમરાહે નીતિશ રાણા, આંદ્રે રસેલ, શેલ્ડન જેક્સન, પેટ કમિન્સ અને સુનિલ નારાયણને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. બુમરાહે 4 ઓવરમાં 1 મેડન સાથે 10 રન આપી 5 વિકેટ ઝડપી હતી. બુમરાહે આઈપીએલમાં પ્રથમવાર પાંચ વિકેટ ઝડપી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news