ક્રિકેટર મોહંમદ કૈફે ટીમ ઈન્ડિયાના યો-યો ટેસ્ટ પર ઉઠાવ્યો મોટો સવાલ

યો-યો ટેસ્ટને લઈને પહેલા પણ અનેકવાર વિવાદ થઈ ચૂક્યા છે. બીસીસીઆઈ અને સીઓઓ પણ આ ટેસ્ટને લઈને ક્યારેય એકમત થયા નથી. અંબાતી રાયડુના યો-યો ટેસ્ટમાં ફેલ થયા બાદ તેને ઈંગ્લેન્ડ ટુરમાંથી બહાર કરી દેવાયો હતો

ક્રિકેટર મોહંમદ કૈફે ટીમ ઈન્ડિયાના યો-યો ટેસ્ટ પર ઉઠાવ્યો મોટો સવાલ

ભુવનેશ્વર : પૂર્વ ભારતીય ક્રિકેટર મોહંમદ કૈફનું કહેવું છે કે, ટીમમાં જગ્યા બનાવવા માટે માત્ર યો-યો ફીટનેસ ટેસ્ટને બદલે વધુ સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. ગત કેટલાક વર્ષોથી યો-યો ટેસ્ટમાં 16.1 અંક મેળવનાર પ્લેયર્સનું ભારતીય ટેસ્ટમાં સિલેક્શન થાય છે. મોહંમદ કૈફે એકમરા ખેલ સાહિત્ય મહોત્સવના પ્રસંગે કહ્યું કે, ફીટનેસ બહુ જ મહત્વની છે. કેમ કે, તેનાથી આપણા ફિલ્ડીંગના લેવલમાં સુધારો થયો છે. પરંતુ તેમાં વધુ સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. પોતાના સમયમાં ભારતીય ટીમના સૌથી ફીટ પ્લેયર રહી ચૂકેલા કૈફે કહ્યું કે, જો પ્લેયર રન બનાવી રહ્યો છે, અને વિકેટ લઈ રહ્યો છે, તો માત્ર યો-યો ટેસ્ટ અસફળ થવાને કારણે તેને ટીમમાંથી બહાર ન કરી શકાય.

અંબાતી રાયડુ તેનું સૌથી તાજું ઉદાહરણ છે. જેણે આઈપીએલાં 600થી વધુ રન બનાવ્યાના બે વર્ષ બાદ નેશનલ ટીમમાં જગ્યા મળી. પરંતુ યો-યો ટેસ્ટમાં અસફળ થવાને કારણે તેને ટીમમાઁથી બહાર થવું પડ્યું હતું. આ ફીટનેસ ટેસ્ટમાં સક્સેસ મેળવ્યા બાદ જ તેનું એશિયા કપ માટે સિલેક્શન કરાયું હતું. 

કૈફે કહ્યું કે, અમારા સમયમાં બીપ નામનો ફીટનેસ ટેસ્ટ કરાતો હતો. જેમાં માલૂમ કરી શકાય કે, ટીમમાં કયો પ્લેયર સૌથી વધુ ફીટ છે. પરંતુ આ ટેસ્ટ યોગ્ય રીતે ન કરી શકનાર પ્લેયર્સને ક્યારેય ટીમમાંથી બહાર કરાયા નથી. આવા પ્લેયર્સને જણાવવામાં આવતું હતું કે, તેમની ફીટનેસનું સ્તર સારું નથી, અને આગામી મહિનામાં તેમને સુધારો કરવાની જરૂર છે. 

ઉલ્લેખનીય છે કે, યો-યો ટેસ્ટને લઈને પહેલા પણ અનેકવાર વિવાદ થઈ ચૂક્યા છે. બીસીસીઆઈ અને સીઓઓ પણ આ ટેસ્ટને લઈને ક્યારેય એકમત થયા નથી. અંબાતી રાયડુના યો-યો ટેસ્ટમાં ફેલ થયા બાદ તેને ઈંગ્લેન્ડ ટુરમાંથી બહાર કરી દેવાયો હતો. તેના બાદ બીસીસીઆઈ ટ્રેઝરર અનિરુદ્ધ ચૌધરીએ પણ 6 પાનાનો સીઓએને પત્ર લખ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે યો-યો ટેસ્ટ ક્યારે અને કેવી રીતે સિલેક્શન માટે એકમાત્ર ફીટનેસ માપદંડ બની ગયું છે. 

કોચ શાસ્ત્રી અને કોહલી ટેસ્ટના પક્ષમાં
ભારતીય ટીમમાં જગ્યા બનાવનાર યો-યો ટેસ્ટને બેન્ચમાર્ક માનનારા મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે, તમે ટેસ્ટ પાસ કરો અને ભારત માટે રમો. શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું કે, યો-યો ટેસ્ટ યથાવત રહેશે અને કોહલીએ પણ કહ્યું કે, આ મામલે ભાવુક થવાના બદલે કડક નિર્ણયના રૂપમાં જોવું જોઈએ, તેનાથી ટીમને ફાયદો થશે. 

યો-યો ટેસ્ટના આધારે સિલેક્શન
ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન માટે જે ક્રાઈટેરિયા છે, તેમાં યો-યો ટેસ્ટ મુખ્ય છે. જો પ્લેયર આ ટેસ્ટ ક્લિયર નથી કરી શક્તો, તો તેને ટીમ ઈન્ડિયાથી દૂર કરાય છે. હાલમાં જ આવા પ્લેયર્સનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જે 16.1ના માપદંડને પૂરું નથી કરી શક્યા. આ પ્લેયર્સને અનફિટ જાહેર કરાયા છે. તેમનું ટીમમાં સિલેક્શન નહિ થાય. 

શું છે યો-યો ટેસ્ટ
યો યો ટેસ્ટના જન્મદાતા ડો.જેન બૈંગ્સબો સાકર છે, જેઓ ફિઝીયોલોજિસ્ટ છે. તેમણે 1991માં તેને ફુટબોલમાં લાગુ કર્યો હતો. જેનો હેતુ તમામ ગેમ્સમાં ફિટનેસનું મહત્વ સાબિત કરવાનો હતો. જ્યારે તેમને આ પૂછવામાં આવ્યું કે, શું આ ટેસ્ટ એથ્લીટ્સનું મેદાનમાં પરફોર્મન્સ સાબિત કરે છે, તો તેમણે જવાબ આપ્યો હતો કે, તે એકદમ સ્પષ્ટ છે કે, પ્લેયર્સનું સિલેક્શન માત્ર આ આધાર પર ન કરી શકાય. તેમણે કહ્યું કે, આ ટેસ્ટનો જન્મ 1991માં થયો, જ્યારે કે મને લાગ્યું હતું કે, ગેમ્સમાં ફીટનેસ કેટલી મહત્વની છે. આ ટેસ્ટને ટેમ્પર ન કરી શકાય. આ ટેસ્ટમાં પ્લેયર્સના પરફોર્મન્સને દૂરથી આંકવામાં આવે છે. તે માત્ર ફીટનેસના હેતુથી બેસ્ટ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news