US OPEN: વર્લ્ડ નંબર-1 જોકોવિચ ઈજાને કારણે બહાર, ફેડરર જીત્યો, સેરેના 16મી વખત અંતિમ-8મા

જોકોવિચે છેલ્લા પાંચ ગ્રાન્ડસ્લેમમાંથી ચાર પર કબજો કર્યો હતો. તેના નામે કુલ 16 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આ વર્ષે જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ તેના નામે કર્યું હતું.

US OPEN: વર્લ્ડ નંબર-1 જોકોવિચ ઈજાને કારણે બહાર, ફેડરર જીત્યો, સેરેના 16મી વખત અંતિમ-8મા

ન્યૂયોર્કઃ અમેરિકામાં ચાલી રહેલા યૂએસ ઓપનમાં રવિવારે વિશ્વનો નંબર વન ખેલાડી સર્બિયાનો નોવાક જોકોવિચ ખભાની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. સ્વિટ્ઝર્લેન્ડના સ્ટેન વાવરિંકા વિરુદ્ધ પ્રી-ક્વાર્ટરફાઇનલમાં જોકોવિચ બે સેટ હાર્યા બાદ ત્રીજા સેટમાં પાછળ ચાલી રહ્યો હતો, ત્યારે તેણે ગેમ છોડવાનો નિર્ણય લીધો હતો. બીજીતરફ વર્લ્ડ નંબર-3 સ્વિટ્ઝર્લેન્ડનો રોજર ફેડરર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે બેલ્જિયમના ડેવિડ ગોફિનને 6-2, 6-2, 6-0થી હરાવ્યો હતો. તો મહિલા સિંગલ્સમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ પણ અંતિમ-8મા પહોંચી ગઈ છે. તેણે પેત્રા માર્તિચને  6-3, 6-4થી પરાજય આપ્યો હતો. 

આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો જોકોવિચ
જોકોવિચે છેલ્લા પાંચ ગ્રાન્ડસ્લેમમાંથી ચાર પર કબજો કર્યો હતો. તેના નામે કુલ 16 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે. આ વર્ષે જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ તેના નામે કર્યું હતું. તે યૂએસ ઓપનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હતો. તો 2016નો ચેમ્પિયન વાવરિંકા ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ગયો છે. તેનો આગામી મુકાબલો રૂસના દાનિલ મેદવેદેવ સામે થશે. 

ફેડરર 13મી વખત ક્વાર્ટરફાઇનલમાં પહોંચ્યો
20 વખત ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન ફેડરર 13મી વખત આ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે 15મી સીડ ગોફિનને 79 મિનિટમાં હરાવી દીધો હતો. ફેડરરનો આગામી મુકાબલો બુલ્ગારિયાના ગ્રેગર દિમિત્રોવ સામે થશે. દિમિત્રોવ વિરુદ્ધ ફેડરર અત્યાર સુધી 7 મેચમાં ક્યારેય હાર્યો નથી. વર્લ્ડ નંબર-78 દિમિત્રોવે ઓસ્ટ્રેલિયાના એલેક્સ ડી મિનોરને 7-5, 6-3, 6-4થી પરાજય આપ્યો હતો. 

ક્વાર્ટરફાઇનલમાં સેરેનાનો મુકાબલો ચીનની વાંગ કિયાંગ સામે
સેરેનાએ 22મી ક્રમાંકિત પેત્રાને હરાવ્યા બાદ 16મી વખત ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તે છ વખત ચેમ્પિયન બની ચુકી છે. તે 2017 બાદ કોઈ ગ્રાન્ડસ્લેમ જીતી શકી નથી. છેલ્લે તેણે ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ કબજે કર્યું હતું. તે 2014મા યૂએસ ઓપનમાં ચેમ્પિયન બની હતી. અંતિમ-8મા સેરેનાનો મુકાબલો ચીનની વાંગ કિયાંગ સામે થશે. 

વર્લ્ડ નંબર-2 એશ્લે બાર્ટી અપસેટનો શિકાર
વુમન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર-2 ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી અપસેટનો શિકાર થઈ ગયો હતો. તેને 18મી રેન્ક ધરાવતી વાંગ કિયાંગે હરાવી હતી. બાર્ટી આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની હતી. વાંગે તેને  6-2, 6-4થી હરાવી હતી. વાંગ પ્રથમવાર કોઈ ગ્રાન્ડસ્લેમના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તે આ ટૂર્નામેન્ટના અંતિમ-8મા પહોંચનારી પાછલા પાંચ વર્ષમાં પ્રથમ ચીની મહિલા છે. છેલ્લે 2014મા પેંગ શુઆઈ અંતિમ-8મા પહોંચી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news