IND vs NZ: ભારતે ન્યૂઝીલેન્ડને કર્યું 3-0થી ક્લીન સ્વીપ, હર્ષલ પટેલ સહિત આ 4 ખેલાડી બન્યા જીતના હીરો
ભારતે ન્યૂઝીલેન્ડને ઘર આંગણે 3-0થી હરાવીને ટી20 મેચોની સિરીઝ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ઘર આંગણે કિવી ટીમને ક્લીન સ્વીપ કરી છે. આ સિરીઝમાં ભારતના બોલરો અને બેટરોએ શાનદાર ખેલનું પ્રદર્શન કર્યું.
Trending Photos
નવી દિલ્હી: ભારતે ન્યૂઝીલેન્ડને ઘર આંગણે 3-0થી હરાવીને ટી20 મેચોની સિરીઝ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ઘર આંગણે કિવી ટીમને ક્લીન સ્વીપ કરી છે. આ સિરીઝમાં ભારતના બોલરો અને બેટરોએ શાનદાર ખેલનું પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માએ જબરદસ્ત કેપ્ટનશીપ કરીને ટીમને જીત અપાવી. ભારતીય ટીમે આ સિરીઝ દિગ્ગજ બેટર વિરાટ કોહલી, સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ વગર હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયામાં અનેક ખેલાડીઓ એવા રહ્યા જેમના કારણે ભારત સિરીઝ જીતી શક્યું. આવો જાણીએ જીતના હીરો એવા આ ખેલાડીઓ વિશે...
1 રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના ઓપનર અને કેપ્ટન રોહિત શર્માએ સિરીઝ જીતાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો. રોહિતે આખી સિરીઝમાં ધાકડ બેટિંગ કરી અને આક્રમક અંદાજમાં બેટિંગ કરતા તાબડતોડ રન કર્યા. હિટમેને પોતાની બેટિંગથી ન્યૂઝીલેન્ડના બોલરોમાં ડર પેદા કર્યો હતો. તેના લાંબા છગ્ગા મારવાની કલાથી દર્શકો ખુબ રોમાંચિત થયા. રોહિતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સિરીઝની 3 મેચોમાં 159 રન કર્યા. તેનું બેટ જાણે આગ ઓકી રહ્યું હતું. તેણે કેપ્ટનશીપમાં પણ યોગ્ય નિર્ણય લીધા. પછી ભલે તે બેટિંગમાં ફેરફાર હોય કે પછી ફિલ્ડિંગ સેટ કરવાની હોય. દરેક બાબતે તે નંબર વન સાબિત થયો. રોહિતના ખતરનાક પ્રદર્શનના કારણે તેને 'મેન ઓફ ધ સિરીઝ' એવોર્ડ મળ્યો.
2. હર્ષલ પટેલ
આ ખેલાડી આ સિરીઝની મોટી શોધ સાબિત થયો. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં હર્ષલે પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું અને આ મેચમાં તેણે કાતિલ બોલિંગથી કીવી ટીમની બેટિંગની કમર તોડી નાખી હતી. તેણે આ મેચમાં ચાર ઓવરના કોટામાં 25 રન આપીને 3 વિકેટ લીધી. તેના આ પ્રદર્શનના કારણે જ તેને બીજી ટી20 મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. છેલ્લે તેણે તોફાની બેટિંગ કરીને 11 બોલમાં 18 રન પણ જોડ્યા હતા. તેની ધીમી ગતિથી નખાતા બોલમાં વિકેટ લેવાની કળાથી તો બધા જ માહિતગાર છે.
3. રવિચંદ્રન અશ્વિન
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને ચાર વર્ષ બાદ ટી20 ક્રિકેટમાં ધમાકેદાર વાપસી કરી છે. અશ્વિનને ન્યૂઝીલેન્ડ સિરીઝની પહેલી બંને મેચમાં રમવાની તક મળી હતી. જેમાં તેણે ઘાતક બોલિંગ કરી હતી. અશ્વિનની બોલિંગમાં ન્યૂઝીલેન્ડના બેટરો માટે રમવું બિલકુલ સરળ નહતું. ભારતીય પીચો હંમેશાથી સ્પિનરો માટે મદદગાર સાબિત થઈ છે. આ દિગ્ગજ સ્પિનરે કન્ડીશનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. અશ્વિનના ખતરનાક ફોર્મનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે તે છેલ્લી 5 ટી20 મેચોમાં 9 વિકેટ લઈ ચૂક્યો છે.
4 કે એલ રાહુલ
ભારતના સ્ટાર બેટર કે એલ રાહુલે આ સિરીઝમાં ખુબ ફટકાબાજી કરી. તેણે 2 મેચમાં 40ની સરેરાશથી 80 રન કર્યા. રાહુલે રાંચીમાં રમાયેલી બીજી ટી20 મેચમાં 49 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી. તેણે સમગ્ર સિરીઝમાં ખુબ જ ક્લાસિક બેટિંગનો નજારો રજુ કર્યો હતો. કવર પરથી ચોગ્ગો ફટકારવાની તેની કળાએ બધાના હ્રદય જીતી લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે