SLvsNZ: ટોમ લાથમની સદી, શ્રીલંકાના 244ના જવાબમાં ન્યૂઝીલેન્ડ 196/4

 ન્યૂઝીલેન્ડે પી. સારા ઓવલ મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે 196 રન બનાવી લીધા છે. શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવ્યા હતા.

SLvsNZ: ટોમ લાથમની સદી, શ્રીલંકાના 244ના જવાબમાં ન્યૂઝીલેન્ડ 196/4

કોલંબોઃ ટોમ લાથમ (અણનમ 111)ની શાનદાર સદીની મદદથી ન્યૂઝીલેન્ડે પી. સારા ઓવલ મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શનિવારે પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે 196 રન બનાવી લીધા છે. શ્રીલંકાએ પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ હજુ શ્રીલંકાના સ્કોરથી 48 રન પાછળ છે જ્યારે તેની છ વિકેટ બાકી છે. દિવ,ની રમત પૂર્ણ થઈ ત્યારે લાથમની સાથે બીજે વાટલિંગ 62 બોલ પર બે ચોગ્ગાની મદદથી 25 રન બનાવી અણનમ રહ્યો હતો. 

શ્રીલંકાને 244 રન પર ઓલઆઉટ કર્યા બાદ પોતાની પ્રથમ ઈનિંગનો પ્રારંભ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે એક રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ 126 રન સુધી ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ લાથમ અને વાટલિંગે પાંચમી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂતી આપી હતી. લાથમે આ પહેલા હેનરી નિકોલસ (15)ની સાથે ચોથી વિકેટ માટે 42, રોસ ટેલર (23)ની સાથે ત્રીજી વિકેટ માટે 50 અને કેપ્ટન કેન વિલિયમસન (20)ની સાથે બીજી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી લાથમે આ દરમિયાન ટેસ્ટ કરિયરની 10મી સદી પૂરી કરી હતી. તેણે અત્યાર સુધી 184 બોલનો સામનો કર્યો, જેમાં 10 બાઉન્ડ્રી ફટકારી છે. 

શ્રીલંકા તરફથી દિલરૂવાન પરેરાએ બે અને લાહિરૂ કુમારા તથા લસિત એંબુલડેનિયાને એક-એક વિકેટ મળી હતી. આ પહેલા શ્રીલંકાએ પોતાના બીજા દિવસના સ્કોર 6 વિકેટ પર 144 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને તેની ટીમ 100 રન વધુ જોડીને 244 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમ માટે ધનંજય ડિસિલ્વાએ 109 રનની શાનદાર ઈનિંગ રમી અને પોતાના કરિયરની પાંચમી સદી ફટકારી હતી. તેણે 148 બોલ પર 16 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન દિમુથ કરૂણારત્નેએ 65, કુશલ મેન્ડિસે 32, દિલરૂવાન પરેરા 13 અને સુરંગા લકમલે 10 રનનું યોગદાન આપ્યું હતું. 

ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉદીએ ચાર, ટ્રેન્ટ બોલ્ટે ત્રણ અને કોલિન ડિ ગ્રાન્ડહોમ, વિલિયમ સમરવિલે તથા એઝાજ પટેલે એક-એક વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news