'હિન્દુઓ વચ્ચે નમાઝ'વાળા નિવેદન પર આખરે વકાર યુનુસે માફી માંગી, કહ્યું- બહુ મોટી ભૂલ થઈ ગઈ

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાનના બેટર મોહમ્મદ રિઝવાનના મેદાન પર નમાઝ પઢવાની પળને મેચની સૌથી ખુબસુરત પળ ગણાવનારા વકાર યુનુસે હવે માફી માંગવી પડી છે.

Updated By: Oct 27, 2021, 12:59 PM IST
'હિન્દુઓ વચ્ચે નમાઝ'વાળા નિવેદન પર આખરે વકાર યુનુસે માફી માંગી, કહ્યું- બહુ મોટી ભૂલ થઈ ગઈ
ફાઈલ ફોટો

ઈસ્લામાબાદ: ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાનના બેટર મોહમ્મદ રિઝવાનના મેદાન પર નમાઝ પઢવાની પળને મેચની સૌથી ખુબસુરત પળ ગણાવનારા વકાર યુનુસે હવે માફી માંગવી પડી છે. વકારે કહ્યું કે તેમણે આવેશમાં આવીને આ વાત કહી હતી, આ બદલ તેઓ માફી માંગે છે. 

પાકિસ્તાનના આ પૂર્વ ફાસ્ટ બોલરે એક ન્યૂઝ ચેનલ પર ડીબેટ દરમિયાન આ વાત કરી હતી. તેમણે નેશનલ ટીવી પર એવું કહ્યું હતું કે તેમને  'મોહમ્મદ રિઝવાનનું હિન્દુઓ વચ્ચે મેદાનમાં નમાઝ પઢવું' એ તેમને મેચમાં સૌથી સારું લાગ્યું.  અનેક પૂર્વ ક્રિકેટરોએ વકાર યુનુસના આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમનું આ નિવેદન પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદના નિવેદન બાદ તરત આવ્યું હતું. જેમાં તેમણે પાકિસ્તાનની જીતને ઈસ્લામની જીત ગણાવી હતી. 

વકાર યુનુસે પોતાની માફી માંગતી ટ્વીટમાં લખ્યું છે કે આવેશમાં આવીને મે આવી વાત કરી નાખી, મે એવું કશું કહી નાખ્યું જે મારો કહેવાનો જરાય હેતુ નહતો. જેના કારણે અનેક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હું આ બદલ માફી માંગુ છું. મારું એવું મક્સદ જરાય નહતું, ખરેખર ભૂલ થઈ ગઈ. ખેલ રંગ અને ધર્મથી અલગ થઈ લોકોને જોડે છે. 

અત્રે જણાવવાનું કે વકારના નિવેદન બાદ તેમના જ દેશમાં તેમનો વિરોધ શરૂ થઈ ગયો હતો. રમીઝ રાજાએ ટ્વીટમાં લખ્યું હતું કે જરા પણ આશ્ચર્ય ન થયું. હું મારા અનુભવથી બતાવી શકુ છું કે એક વ્યક્તિ જે પોતાના દેશની ભાષાઓ અને શહેરો અંગે વંશવાદી છે, તે સરળતાથી ધાર્મિક મતભેદો અંગે આ પ્રકારે નકારાત્મક ટિપ્પણી કરી શકે છે. આ સાથે જ રમીઝ રાજાએ #alwaysbitter (હંમેશા કડવું) #alwaysnegative (હંમેશા નકારાત્મક) ટેગ પણ જોડ્યા હતા. વકારના આ કમેન્ટને લઈને ભારતના સ્ટાર કમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ કહ્યું હતું કે હું એ વાતને લઈને આશ્વસ્ત છું કે વકાર આ બદલ માફી માંગશે, આપણે ક્રિકેટ જગતને જોડવાનું છે, ન કે ધર્મના આધાર પર તેને વહેંચવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube