પાકિસ્તાન વિરુદ્ધ દેખાવોથી તાલિબાન ધૂંધવાયું, લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ઉઠતા અવાજથી તાલિબાન ધૂંધવાયુ અને દેખાવો કરનારા લોકો પર ફાયરિંગ કર્યું છે.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં તાલિબાન અને નોર્ધર્ન અલાયન્સ વચ્ચે જંગ ચાલુ છે. આ બધા વચ્ચે પંજશીર ઘાટીમાં તાલિબાનની ખૂની હિંસાનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને મોટા પાયે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. લોકોએ તાલિબાનનો વિરોધ કર્યો અને પાકિસ્તાન વિરુદ્ધ ખુબ સૂત્રોચ્ચાર કર્યા. અત્રે જણવવાનું કે પંજશીરમાં તાલિબાનના કબજા પાછળ પાકિસ્તાન અને તેની વાયુસેનાનો હાથ હોવાનું કહેવાય છે.
પ્રદર્શનથી ધૂંધવાયું તાલિબાન
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ ઉઠતા અવાજથી તાલિબાન ધૂંધવાયુ અને દેખાવો કરનારા લોકો પર ફાયરિંગ કર્યું છે. એએફપીના રિપોર્ટ મુજબ કાબુલમાં પાકિસ્તાન વિરોધી રેલીને વેર વિખેર કરવા માટે તાલિબાને ગોળીઓ ચલાવી. જેમાં અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.
પાકિસ્તાનને બહાર કાઢવા માટે પ્રદર્શન
પંજશીરની જંગમાં પાકિસ્તાનનો હસ્તક્ષેપ અને તાલિબાનનો સાથ આપવાના કારણે અફઘાનિસ્તાનના લોકો ગુસ્સામાં છે અને તેઓ સતત બીજા દિવસે પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન દેખાવકારોના હાથમાં પોસ્ટર્સ છે જેના પર પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રો લખેલા છે. પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મહિલાઓએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા.
તાલિબાને પંજશીર પર કબજાનો કર્યો દાવો
તાલિબાને પોતાના વિરોધીઓના નિયંત્રણવાળા અફઘાનિસ્તાનના આખરી પ્રાંત પંજશીર પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો. સુરક્ષા કારણોથી ઓળખ ગોપનીય રાખતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હજારોની સંખ્યામાં તાલિબાનીઓએ આખી રાત કાર્યવાહી કરીને પંજશીરના આઠ જિલ્લા પર કબજો કર્યો. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહીદે સોમવારે એક નિવેદન બહાર પાડીને પુષ્ટિ કરી કે પંજશીર હવે તાલિબાનના કબજામાં છે.
અમરુલ્લાહ સાલેહે સંભાળી રેઝિસ્ટન્ટ ફોર્સની કમાન
તાલિબાને દાવો કર્યો કે તેણે નેશનલ રેઝિસ્ટન્ટ ફોર્સને હરાવીને પંજશીર પર કબજો કર્યો છે. પરંતુ ઝી મીડિયાને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે અફઘાનિસ્તાન નેશનલ રેઝિસ્ટન્ટ ફ્રન્ટની કમાન સીધી અમરુલ્લાહ સાલેહએ સંભાળી છે અને તેઓ તાલિબાનીઓ પર પહાડી વિસ્તારોથી હુમલો કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ અમરુલ્લાહ સાલેહે એક ખાસ રણનીતિ હેઠળ પોતાની ફોર્સિસને પહાડના એ વિસ્તારોમાં તૈનાત કરી છે જેની વચ્ચેથી પંજશીર જવાનો રસ્તો પસાર થાય છે. પહાડની ઊંચાઈઓ પર બેસીને રેઝિસ્ટન્ટ ફોર્સ તાલિબાન પર હુમલા કરી રહી છે. સૂત્રોએ તાલિબાનના એ દાવાને પણ ફગાવ્યો છે. જેમાં તેણે એવો દાવો કર્યો હતો કે કાર્યકારી રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ અફઘાનિસ્તાન છોડીને બીજા દેશમાં ભાગી ગયા છે.
પાકિસ્તાનની સેના કરી રહી છે તાલિબાનની મદદ
તાલિબાન શાસનનો વિરોધ કરી રહેલા નેશનલ રેઝિસ્ટન્ટ ફોર્સ (NRF) એ કહ્યું કે પંજશીર હજુ પણ આઝાદ છે અને તેના પર કાલિબાન કબજો કરી શક્યું નથી. NRF એ કહ્યું કે વિસ્તારમાં લડાઈ હજુ પણ ચાલુ છે. નેશનલ રેઝિસ્ટન્ટ ફોર્સના જણાવ્યાં મુજબ તાલિબાનની મદદ માટે પાકિસ્તાન સેના અને ડ્રોન્સ દ્વારા તેમના પર હુમલો કરાવી રહી છે. રેઝિસ્ટન્ટ ફોર્સના જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાના SSG કમાન્ડોને પંજશીર પર હુમલો કરતા જોવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તાલિબાનની મદદ માટે આઈએસઆઈ ચીફ હામિદ ફૈઝ શનિવારથી જ કાબુલમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તાલિબાનના કહેવા પર તેમણે પંજશીરમાં પાકિસ્તાની ડ્રોન અને સેનાની યુનિટ્સને પંજશીર પર હુમલો કરવા માટે મોકલ્યા છે.
ઈરાન કરી રહ્યું છે પાકિસ્તાનના હસ્તક્ષેપની તપાસ
પંજશીરમાં તાલિબાનના હુમલા પર ઈરાનના વિદેશ મંત્રાલય તરપથી ખુબ જ કડક નિવેદન આવ્યું છે. ઈરાને તાલિબાનને ચેતવણી આપતા કહ્યું કે તાલિબાન લક્ષ્મણ રેખા પાર ન કરે. આ સાથે જ તહેરાન ટાઈમ્સના જણાવ્યાં મુજબ ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ ખતીબ ઝાહેદે એમ પણ કહ્યું છે કે પંજશીર હુમલા દરમિયાન પાકિસ્તાની હસ્તક્ષેપની પણ તપાસ થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે