કેસર કેરીનું ઘર ગણાતા તલાલામાં આવી મુહૂર્ત કેરી, જાણો કેટલા હજાર રૂપિયામાં થયો પહેલો સોદો
Kesar Mango : ગીરની જગવિખ્યાત કેસર કેરીની તાલાલા માર્કેટમાં હરાજીનો પ્રારંભ, વિશ્વ વિખ્યાત કેસરકેરી ના જાહેર હરરાજી નો થયો શૂભારંભ, મુહૂર્તનો સોદો 12 હજાર રૂપિયામાં થયો, વેપારીઓએ ખેડૂતો પાસેથી 600થી 1200 રૂપિયામાં ખરીદી કેરીઓ
Trending Photos
Mango Season રજની કોટેચા/ગીર સોમનાથ : ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે આજે 1 મેં એ કેસર કેરીની હરાજી શરૂ થઈ છે. જોકે, ગત વર્ષ કરતાં 12 થી 15 દિવસ હરાજી મોડી શરૂ થઈ છે. કેસર કેરીનું ઘર ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી શરૂ થઈ છે. પ્રથમ 10 કિલો નું બોક્સ રૂપિયા 12 હજારમાં ગાયનાં ચારા માટે ગયું. તો કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો સરેરાશ ભાવ રૂપિયા 600 થી 1200 નો રહ્યો. કેસર કેરીની સીઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન વેપારીઓએ કર્યું છે. કેસરના ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેશે. કેસર રસિયા માટે કેસરનો સ્વાદ ખાટો રહેશે. કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસ 1 મેં થી કેસર કેરીની હરરાજી શરૂ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા એક અઠવાડિયું મોડી છે.
આ વખતે કેરીની સીઝન ટૂંકી હશે
તાલાળા એપીએમસી ખાતે દર વર્ષ એપ્રિલનાં છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષ કેસર કેરી મોડી થવાને કારણે હરાજી પણ મોડી શરૂ થઈ છે. કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવો ઊંચા રહેવા પામ્યા છે. ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતુ વર્તમાન સીઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે.
કમોસમી વરસાદની કેરી પર અસર
કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાં છે. તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું. આજે તાલાળા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બૉક્સ ની આવક થઈ છે. તો અત્યાર સુધીમાં યુકે કેનેડા, યુએઈ સહિતના દેશોમાં કેસરના 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે. આ વખતની સિઝન ટૂંકી ચાલશે. આ વર્ષ 60 ટકા કેસરનું ઉત્પાદન ઓછું થવાની સંભાવનાને કારણે કુલ 6 થી 7 લાખ બોક્સ પુરી સીઝન દરમ્યાન આવશે તેવી ધારણા છે.
તલાલાની કેસરને ગ્રહણ લાગ્યું
ગત વર્ષની તુલનાએ આ વર્ષ આંબા પર ફલાવરિંગ ઘણું ઓછું આવ્યું હતું. જેને કારણે કેરીનું ઉત્પાદન પણ ઓછું થવાની શકયતા વર્તાઈ રહી છે. મગીયો બંધાયા બાદ રોગ જીવાતે દેખા દીધી અને કેસરને ગ્રહણ લાગી ગયું. રોગ જીવાતને કારણે કેસર નાની ખાખડી સ્વરૂપે જ ખરવા માંડી ત્યારે આ વર્ષ કેસરનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળશે. સીઝનમાં માંડ 50 ટકા જેટલું કેસરનું ઉત્પાદન થશે તેવી ધારણા બંધાઈ છે. વાતાવરણની વિષમતા કહો, કે જે ગણો તે કેસર બજારમાં પણ આવી ગઈ અને તગડા મૂલ્યે વેચાઈ પણ ખરી..!! આંબા વાડિયાઓમાં જે પ્રમાણે કેરી છે તે આવશે પણ તેના ભાવ ઊંચા રહેવા શકયતા છે. જેથી ગ્રાહકો ચીતીત તો ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. ઓછું ઉત્પાદન અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો ચિંતિત છે.
વર્તમાન સીઝનમાં કેસરનાં ઉત્પાદનમાં ઘટાડો જરૂર નોંધાય તેવું લાગી રહ્યું છે. જો આ વખતે કમૌસમી વરસાદ ન થાય તો સિઝન 30 થી 45 દિવસ સુધી ચાલે તેવી સંભાવના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેસરના શરૂઆતી ભાવો રહેશે. પછી જેમ-જેમ માલ બજારમાં આવતો થશે તેમતેમ ભાવ પણ ઘટવાની સંભાવનાને લઈ પાછોતરી કેસર જે ખેડૂતોની થશે તેઓને ઓછા ભાવ મળવાની શક્યતા જોતા તેઓમાં કકળાટ ફેલાયો છે. આથી આ વર્ષ કેસરના ભાવ પાછલા વર્ષની સરખામણીએ સરેરાશ વધુ રહે તો જ ખેડૂતોને ફાયદો થાય.
તાલાળા યાર્ડ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાક ની વાત કરીએ તો....
સૌરાષ્ટ્ર માં કુલ 37517 હેકટર કેસર કેરીના આંબાનું વાવેતર છે. જેમાં જિલ્લા વાઈઝ વાત કરીયે તો...
- જૂનાગઢ 8490 હેકટર
- ગીર સોમનાથ 14520
- અમરેલી 6925 હેકટર
- ભાવનગર 6388 હેકટર
- રાજકોટ 425 હેકટર
- જામનગર 424 હેકટર
- પોરબંદર 305 હેકટર
સૌરાષ્ટ્ર માંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3 લાખ 34 હજાર 984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે માત્ર 2 લાખ મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને એપીએમસીના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
છેલ્લા 5 વર્ષમાં તાલાળા યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક અને ભાવોની વાત કરીએ તો...
વર્ષ | બોક્સની આવક | ભાવ |
2019 | 7,75,395 | 345/- |
2020 | 6,87,931 | 375/- |
2021 | 5,85,595 | 355/- |
2022 | 5,03,321 | 740/- |
2023 | 1113540. | 800/- |
હવે 2024 માં શરૂઆતી ભાવ 800 થી 1200 રૂપિયા ખુલ્યો છે.પાછલા ભાવ 800 થી લઈને1000 રૂપિયા 10 કિલોના એક બોક્સનો હતો. પરંતુ વાસ્તવિક સરેરાશ શુ ભાવ રહે છે અને કુલ કેટલા બોક્સ આવશે તે તો તાલાળા ખાતેનાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી પુરી થયા બાદ જ ખ્યાલ આવી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે