PM મોદી જેમને મોટા બહેન અને સચિન તેંડુલકર જેમને માતા માને છે તેવા સંગીતના દેવી લતાજી વિશે જાણો રોચક વાતો

HAPPY BIRTHDAY LATA MANGESHKAR: ન માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના સંગીતની સુવાસ ફેલાયેલી છે તેવા ભારતરત્ન લતા મંગેશકરનો આજે 92મો જન્મદિવસ છે, લતા મંગેશકર તેમના અનેક દાયકાઓ સુધીના સફરમાં જેટલા મહાન ગાયક રહ્યા તેટલા જ તેઓ નિર્વિવાદિત રહ્યા છે. દિવંગત અભિનેતા દિલીપ કુમાર, મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમને બહેન માન્યા તો કિંગ ખાન અને સચીન તેન્ડુલકરે તેમને માતાનો દરજ્જો આપ્યો. ત્યારે તેમના જન્મદિવસ પર કેટલીક રોચક વાતો જાણીએ...

PM મોદી જેમને મોટા બહેન અને સચિન તેંડુલકર જેમને માતા માને છે તેવા સંગીતના દેવી લતાજી વિશે જાણો રોચક વાતો

વિરલ પટેલ, અમદાવાદઃ ન માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના સંગીતની સુવાસ ફેલાયેલી છે તેવા ભારતરત્ન લતા મંગેશકરનો આજે 92મો જન્મદિવસ છે, લતા મંગેશકર તેમના અનેક દાયકાઓ સુધીના સફરમાં જેટલા મહાન ગાયક રહ્યા તેટલા જ તેઓ નિર્વિવાદિત રહ્યા છે. દિવંગત અભિનેતા દિલીપ કુમાર, મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમને બહેન માન્યા તો કિંગ ખાન અને સચીન તેન્ડુલકરે તેમને માતાનો દરજ્જો આપ્યો. ત્યારે તેમના જન્મદિવસ પર કેટલીક રોચક વાતો જાણીએ...

સંગીતના સાધકો માટે સાક્ષાત સરસ્વતી લતા મંગેશકરે તેમની લાંબી કારકિર્દીમાં 20થી વધુ ભાષામાં 25 હજારથી વધુ ગીતો ગાયા છે. 28 સપ્ટેમ્બર 1929 મધ્યમ વર્ગીય મરાઠા પરિવારમાં જન્મેલા લતા મંગેશકરે માત્ર 5 વર્ષની ઉમરે સંગીત શીખવાની શરૂઆત કરી હતી અને છ દાયકાથી પણ લાંબી તેમની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી રહી છે. માનવામાં ન આવે પરંતુ લતા મંગેશકરને શરૂઆતના જીવનમાં તેમના પાતળા અવાજના કારણે રિજેકશનનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સમય જતા જતા લતા મંગેશકર જ દરેક પ્રોડ્યુસર અને ડિરેકટરની પસંદ રહ્યા. લતા મંગેશકરને પહેલીવાર ગાવા માટે 25 રૂપિયા મળ્યા હતા, જે લતા મંગેશકરની પહેલી કમાણી હતી. લતા મંગેશકર વર્ષ 1942માં મરાઠી ફિલ્મથી ગાવાની શરૂઆત કરી હતી.  ત્યારબાદ લતા મંગેશકરના ભાઈ હ્રદયનાથ મંગેશકર,ઉશા મંગેશકર, મીના મંગેશકર અને આશા ભોંસલેએ સંગીતમાં જ કારકિર્દી બનાવી પરંતુ લતા મંગેશકર બાદ આશા ભોંસલેને લોકપ્રિયતા મળી..

લતા મંગેશકરે જીવનભર ન કર્યા લગ્ન:
લતા મંગેશકરના ખભે નાની ઉમરમાં જ તેમના પરિવારની જવાબદારી આવી ગઈ, ત્યારબાદ તેમને લગ્નનો વિચાર આવ્યો પરંતુ પછી તેઓએ લગ્ન ન કરવાનું મન બનાવી દીધું..

રાજ કપૂરે જ્યારે લતા મંગેશકરના દેખાવ વિશે કરી ટીપ્પણી:
આ વાત વર્ષ 1978ની છે જ્યારે 'સત્યમ શિવમ સુંદરમ' ફિલ્મ બની રહી હતી. આ ફિલ્મમાં રાજ કપૂર એવી અભિનેત્રીને લેવા માગતા હતા જેનો અવાજ સુરીલો હોય પરંતુ દેખાવ અત્યંત સામાન્ય હોય. રાજ કપૂર આ ફિલ્મમાં એવું દર્શાવવા માગતા હતા કે પ્રેમ શારીરિક દેખાવ નહીં પરંતુ મનની ખૂબસુરતીથી થાય. લતા મંગેશકરને જ્યારે કહેવામાં આવ્યું કે તેને આ ફિલ્મમાં અભિનય કરવાનો છે ત્યારે તેમને હા કહી દીધી. તે સમયે રાજ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તમે 'પથ્થરને જુઓ, તે ત્યા સુધી પથ્થર છે, જ્યાં સુધી તેમાં કોઈ નિશાન નથી, અને તેમાં કોઈ નિશાન લાગે ત્યારે તે ભગવાન બની જાય છે, અને તમે જ્યારે બહુ જ સરસ અવાજ સાંભળો છો પરંતુ તમને ખબર પડે કે આ તો કદરૂપી છોકરી છે'... ત્યારબાદ વાત ફેલાવવા લાગી કે લતા મંગેશકરને તેમના અવાજ અને સામાન્ય ચહેરાના કારણે લેવામાં આવ્યા છે. આ વાતથી લતાજીને ખૂબ દુ:ખ થયું. લતા મંગેશકરે તે ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી. રાજ કપૂરે લતા મંગેશકરને બહુ વિનંતી કરી અને ત્યારબાદ તેઓએ ફિલ્મમાં માત્ર ગીતો ગાયા.

લતા મંગેશકર માટે સ્ટુડિયો એટલે મંદિર:
સ્વરકોકિલા લતા મંગેશકર માટે ગીત રેકોર્ડ કરવાનો સ્ટુડિયો મંદિર સમાન છે તેથી તેઓ જ્યારે ગીત રેકોર્ડ કરવા જતા ત્યારે ચંપલ બહાર કાઢીને જતા હતા.

લતા મંગેશકરે હિંમત આપતા આશા ભોંસલેએ ગાયું ક્લાસિક ગીત:
વર્ષ 1966માં આવનારી સુપરહિટ ફિલ્મ 'તીસરી મંઝીલ' માટે ગીત રેકોર્ડ કરવાનું હતું જેના મ્યુઝિક ડિરેકટર હતા આર.ડી.બર્મન.. મોહમ્મદ રફી સાથે આશા ભોંસલેને એક ગીત રેકોર્ડ કરવાનું હતું. તે સમયે આર.ડી.બર્મન આશા ભોંસલેના ઘરે ગયા અને તેમને તે ગીતની ટ્યુન સંભળાવી, ગીતની ટ્યુન સાંભળી આશા ભોંસલે ઘભરાઈ ગયા. ત્યારબાદ આશા ભોંસલે તે ગીતને ગાવાની પ્રેક્ટિસ કરવા લાગ્યા અને છેલ્લે તેઓ લતા મંગેશકર પાસે પોતાની મુશ્કેલી લઈને પહોંચી ગયા. આશા ભોંસલેએ પોતાની સ્થિત લતા દીદીને જણાવી ત્યારે લતા મંગેશકરે એક વાત કહી કે 'તુ પહેલા મંગેશકર છે પછી ભોંસલે છે, જા ગીત ગા, તું સારુ કરીશ' આ ગીત હતું 'આજા આજા મે હું પ્યાર તેરા'

કિશોર કુમારથી લઈને સોનુ નિગમ સાથે ગીતો ગાયા:
લતા મંગેશકરે તેમની લાંબી કારકિર્દીમાં અનેક ગાયકો સાથે ડ્યુએટ ગાયા. કિશોર કુમાર, મોહમ્મદ રફી, મુકેશ, નીતિન મુકેશ, ઉદિત નારાયણ, કુમાર સાનુ અને સોનુ નિગમ સાથે ગીતો ગાયા.. 50 વર્ષની ઉમર બાદ પણ તેઓએ 90ના દાયકામાં એકથી એક ચડિયાતા ગીતો ગાયા... 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું 'તુજે દેખા તો યે જાના સનમ' અને 'મેરે ખ્વાબો મેં જો આયે' આ બને ગીતો સાંભળો તો એવું લાગે કે જાણે કોઈ 18 વર્ષની યુવતીએ ગાયા હોય. વર્ષ 2004માં આવેલી વીરઝારા ફિલ્મમાં પણ તેમને હિટ ગીતો આપ્યા. નવી જનરેશનની ગાયક સોનુ નિગમને પણ લતા દીદી સાથે ગાવાની તક મળી..

પ્રધાનમંત્રી મોદીને લતા દીદીએ બનાવ્યા પોતાના ભાઈ:
લતા મંગેશકર અને પ્રધાનમંત્રી મોદીને બંને એકબીજા પ્રત્યે ખૂબ માન છે, પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લતા મંગેશકરને પોતાના મોટા બહેન બનાવ્યા હતા. દર વર્ષે લતા મંગેશકર રક્ષાબંધનમાં PM મોદીને શુભેચ્છા આપી હતી. લતા મંગેશકરે ગત વર્ષે રક્ષાબંધન પર્વ પર ટ્વીટર પર વીડિયો શેર કર્યો હતો અને શુભકામના આપી હતી..

દરેક પેઢીએ તેમને આપ્યો અનહદ પ્રેમ:
દિલીપકુમાર લતા મંગેશકરને પોતાના બહેન માનતા હતા. અમિતાભ બચ્ચને પણ તેમને મોટા બહેન માન્યા અને તેમના પરિવારનો એક હિસ્સો ગણ્યા... ત્યારબાદ શાહરૂખ ખાન હોય કે સચીન તેંડુલકરે લતા દીદીને પોતાના મા માન્યા.. સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી લતા મંગેશકરને અનહદ પ્રેમ આપે છે.

લતા દીદીને જ્યારે કપિલ શર્માને કરી દીધો ફોન:
કોમેડિયન કપિલ શર્માના સેટ પર થોડા વર્ષ પહેલા જ્યારે આગ લાગી હતી,ત્યારે ઘણુ નુકસાન થયુ હતું. તે સમયે કપિલ તણાવમાં હતો, અને તે એકવખત ડ્રાઈવ કરીને જઈ રહ્યો હતો ત્યારે તેના મોબાઈલમાં એક ફોન આવે છે અને તેમાં લેન્ડલાઈન નંબર દેખાય છે, કપિલ જ્યારે ફોન ઉપાડે છે ત્યારે સામે અવાજ આવે છે. 'હું લતા મંગેશકર બોલું છું', આ સાંભળતા જ કપિલ ચોંકી જાય છે, ત્યારે લતા મંગેશકર કપિલ શર્માને હિંમત આપે છે. લતા મંગેશકરે કપિલ શર્માને ઘડિયાળમાં ભેટમાં આપેલી છે જેને કપિલ શર્માએ સાચવી રાખી છે..

ટ્વીટરમાં પણ સક્રિય:
લતા મંગેશકર સોશિયલ મીડિયામાં સક્રિય છે, અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને જન્મદિવસ પર અભિનંદન આપતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news