AHMEDABAD: કોરોના દરમિયાન વણવપરાયેલી દવાનો સદુપયોગ, GTUની અનોખી પહેલ
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યું છે. કેટલાક કિસ્સામાં દવાઓની અછતને કારણે દર્દીને વઘુ પડતી તકલીફનો ભોગ બનવું પડ્યું. આ સમસ્યાના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) નેશનલ સર્વિસ સ્કિમ (NSS) વિભાગ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેમાં કરોનાથી મુક્ત થયેલા દર્દીઓની વણવપરાયેલી દવાઓ જીટીયુ NSSના સ્વયં સેવકો દ્વારા ઉઘરાવીને જરૂરીયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવાનું સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ડૉક્ટર અને ફાર્મસીસ્ટના માર્ગદર્શન હેઠળ વણવપરાયેલી દવાઓનું વર્ગીકરણ કરીને જીટીયુ NSSના વિદ્યાર્થીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને દવાઓ પહોંચાડવાનું કાર્ય ખરેખર અભિનંદનને પાત્ર છે.
જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે આ સેવાકીય કાર્યના સુચારૂ સંચાલન બદલ જીટીયુ NSS પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડૉ. અલ્પેશ દાફડા અને ઓફિસ આસિસ્ટન્ટ શ્રી મિથિલા પટેલને અભિનંદન પાઠવ્યા હતાં. આ સંદર્ભે જીટીયુ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડૉ. સંજય જોષીને જણાવ્યું હતું કે, જીટીયુ NSSના સ્વયં સેવકો દ્વારા કોરોનામુક્ત દર્દીઓની રૂપિયા 1 લાખથી વધુની વણવપરાયેલ દવાઓ ઉઘરાવીને જીટીયુ ખાતે પહોંચાડવામાં આવી હતી.
જેમાં એન્ટી પાયરોટીક, એન્ટી ઈન્ફ્રામેટીવ, એન્ટીબાયોટીક, ફેબીફ્લ્યૂ જેવી એન્ટીવાયરલ તેમજ મલ્ટી વિટામીનની દવાઓનો સમાવેશ થાય છે. ઉપયોગની અવધી પૂર્ણ થયેલ દવાનો પણ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. જીટીયુના 142 યુનિટના 1,00,00થી વધુ સ્વયં સેવકોએ આ નિર્ણયને સહર્ષ વધાવીને સહભાગી થયા હતાં.
રાજ્યના 6 જુદાં-જુદાં ઝોન દ્વારા આ કાર્યને વહેચવામાં આવ્યું હતું. વર્ગીકૃત થયેલ દવાના જથ્થાને રાજ્યના આંતરીયાળ અને ટ્રાઈબલ વિસ્તારમાં તેમજ ગુજરાત સેવાભારતીના સંયોજક વાસુભાઈ પટેલ અને ચંદ્રકાન્તભાઈ પટેલના સહયોગથી સેવાભારતીની હોસ્પિટલમાં વિનામૂલ્યે પહોંચાડવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે