અમદાવાદમાં મલાઈદાર પદ માટે લોબિંગ શરૂ, કોણ બનશે શહેરના નવા મેયર, આ નામ છે સૌથી વધુ ચર્ચામાં
Ahmedabad New Mayor : અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયરની વરણી માટે તેજ થઈ ગતિવિધિ...મણિનગરના કોર્પોરેટર શીતલ ડાગાનુ નામ રેસમાં સૌથી આગળ...ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના પદ માટે શરૂ થયું લોબિઈંગ..
Trending Photos
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકામાં નવા મેયર માટે કવાયત તેજ થઈ ગઈ છે. 9 સપ્ટેમ્બરે અમદાવાદને નવા મહિલા મેયર મળવાના છે. વર્તમાન મેયર કિરીટ પરમાર સહિત ભાજપના 5 હોદ્દેદારોની મુદ્દત 9 સપ્ટેમ્બરે પૂર્ણ થવાની છે. તે જ દિવસે AMCની સામાન્ય સભાની બેઠક મળશે. જેમાં નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂક કરવામાં આવશે. જો કે ભાજપ પાસે બહુમતી હોવાથી મહિલા કોર્પોરેટર મેયરના પદ પર બેસે તે નક્કી જ છે.
કોના કોના નામ ચર્ચામાં
ત્યારે મેયર પદ માટે અત્યારથી લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. મેયર માટે શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ સૌથી આગળ છે. તો ભાજપ મોવડી મંડળ દ્વારા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને ફરી રિપીટ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો કે સ્ટેન્ટિંગ કમિટીના ચેરમેન બનવા માટે કેટલાક કોર્પોરેટરો લોબિંગ શરૂ કરી દીધું છે.
નવા મેયર મહિલા કોર્પોરેટર બનશે
વર્ષ 2021 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના 159 કોર્પોરેટરો અને કોંગ્રેસના માત્ર 25 કોર્પોરેટરો, અન્યના 7 કોર્પોરેટર જીત્યા હતા. તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મોવડી મંડળે અમદાવાદના મેયર તરીકે ઠક્કર બાપાનગર વોર્ડના કોર્પોરેટર કિરીટ પરમારની પસંદગી કરી હતી. જ્યારે OBC ક્વોટામાંથી થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચાંદખેડાના કોર્પોરેટર અરુણસિંહ રાજપુતને હિન્દીભાષી સમાજને ધ્યાને રાખી દંડકની પોસ્ટ આપી હતી. નારણપુરાના મહિલા કોર્પોરેટર ગીતાબહેન પટેલને ડેપ્યુટી મેયર તરીકે નિમવામાં આવ્યા હતા. સરસપુરના કોર્પોરેટર ભાસ્કર ભટ્ટને પક્ષના નેતાના પદે મૂકાયા હતા. જો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા મહિલા અનામત હોવાના લીધે 9 સપ્ટેમ્બરના રોજ મેયરની અઢી વર્ષની મુદત પૂર્ણ થશે. જેથી મેયર કિરીટ પરમારની જગ્યાએ નવા મેયર મહિલા કોર્પોરેટર બનશે. જે આગામી અઢી વર્ષ સુધી અમદાવાદની કમાન સંભાળશે. ત્યારે નવા મેયર માટે હાલ ભાજપમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. વિવિધ કોર્પોરેટરો પોતાના રાજકીય ગોડફાધરો પાસે જઇને પોતાને હોદ્દો મળે એ માટે દોડધામ કરી રહ્યા છે.
અમદાવાદના નવા મહિલા મેયર માટે કવાયત શરુ! રેસમાં આ નામ છે સૌથી આગળ#Ahmedabad #Gujarat #BreakingNews pic.twitter.com/IgUJDdkfvs
— Zee 24 Kalak (@Zee24Kalak) August 24, 2023
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જો વર્તમાન સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નહીં બદલાય તો મહિલા મેયરના પદે પાટીદાર કે જૈન/વણિક મહિલા કોર્પોરેટરની નિમણૂંક થાય તેવી સંભાવના છે. જૈન સમાજમાંથી આવતા શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન અને મણીનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગા પણ રેસમાં આગળ છે. આ સિવાય અન્ય પાટીદાર મહિલા કોર્પોરેટર પણ આવી શકે તેમ છે. પાટીદાર સમાજમાંથી વર્તમાન ડેપ્યુટી મેયર ગીતા પટેલ, લાંભા વોર્ડના ડો. ચાંદની પટેલ પણ રેસમાં છે.. આ સિવાય ક્ષત્રીય સમાજમાંથી વાસણા વોર્ડના સ્નેહાકુમારી પરમાર પણ રેસમાં છે. ત્રણ ટર્મથી કોર્પોરેટર પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજમાંથી આવે છે. સિનિયર કોર્પોરેટર અને હાલમાં તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન છે. તેઓને કોઈ જૂથના માનવમાં આવતા નથી અને તેઓ તમામ જૂથનું સમર્થન મળે તેવી સંભાવના છે. તેઓ વિવિધ જૈન સમાજની સંસ્થાઓ સાથે અને સમાજની સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા હોવાથી તેનો ફાયદો થાય તેમ છે. મણીનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાની કોર્પોરેટર તરીકે બીજી ટર્મ છે, જેઓ પણ હિંદીભાષી જૈન સમાજમાંથી આવે છે. આ પહેલાં તેમના પતિ આનંદ ડાગા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. પતિ-પત્ની રાજકીય રીતે વર્ષોથી સક્રિય છે જેથી તમામ જુથ સાથે સંબધ ધરાવે છે અને વર્તમાન મણિનગર ધારાસભ્ય અમૂલ ભટ્ટ, વર્તમાન શહેર પ્રમુખ અમિત શાહ સહિત અન્ય મોટા આગેવાનોનો વિશ્વાસ પણ ધરાવે છે. બીજી તરફ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન અને વર્તમાનમાં ભાજપ તરફથી અમદાવાદ શહેર સંગઠન, એએમસી પ્રભારી તેમજ પ્રદેશ સહ કોષાધ્યક્ષની જવાબદારી સંભાળતા ધર્મેન્દ્ર શાહ પણ શીતલ ડાગાને મેયર બનાવવા માટે પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે. તો પાટીદાર સમાજમાંથી વર્તમાન ડેપ્યુટી મેયર અને નારણપુરા વોર્ડના સિનિયર કોર્પોરેટર ગીતાબહેન પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહ ગ્રુપના હોવાનું કહેવાય છે. તો લાંભા વોર્ડથી પહેલીવાર ચૂંટાયેલા કોર્પોરેટર ડો. ચાંદની પટેલને પણ શિક્ષણના લીધે લોટરી લાગી શકે છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના આધારે તેઓને મેયરપદ મળે તેવી સંભાવના સાથે તેઓ પણ એડીચોટીનું જોર લગાડી રહ્યાં છે. આ સિવાય ક્ષત્રીય સમાજમાંથી વાસણા વોર્ડના સ્નેહાકુમારી પરમાર પણ રેસમાં મનાય છે. તેઓ વાસણાથી ત્રણ ટર્મથી કોર્પોરેટર પદે છે.
તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ અત્યારથી લોબિંગ શરૂ થઈ ગયુ છે. હિતેશ બારોટની ટર્મ પૂર્ણ થતા નવા ચેરમેન બની શકે છે. જેથી ઘાટલોડિયાના કોર્પોરેટર જતીન પટેલ, પાલડીના કોર્પોરેટર જૈનિક વકીલના નામ રેસમાં સૌથી આગળ છે. એટલું જ નહીં વર્તમાન રોડ કમિટી ચેરમેન અને ભૂતકાળમાં હાઉસિંગ કમિટીના ચેરમેન રહેલા સિનીયર કોર્પોરેટર મહાદેવ દેસાઇ પણ પોતાના ગોડફાધરની મદદથી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે પાટીદાર, વણિક-જૈન સમાજના કોર્પોરેટરને પણ સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ મળી શકે તેમ છે. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદલાય તો મેયર પદનું ગણિત પણ બદલાઈ શકે છે. જેથી OBC સમાજના મહિલા કોર્પોરેટર પણ અમદાવાદના નવા મેયર બની શકે છે. જેમાં બોડકદેવ વોર્ડના કોર્પોરેટર દિપ્તીબહેન અમરકોટિયાનું નામ પણ મોખરે છે.
ભાજપ મોવડી મંડળ દ્વારા એક સપ્ટેમ્બરથી નવા મેયર સહિતના હોદ્દા માટે પેનલ બનાવવા પર ચર્ચા કરવામાં આવશે..ભાજપ મોવડી મંડળ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડકના હોદ્દા માટે ચારથી પાંચ કોર્પોરેટરના નામની પેનલ બનાવશે. જેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આખરી નિર્ણય લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે