અમદાવાદમાં 22 ઓક્ટોબરે મળેલી લાશનો ભેદ ઉકેલાયો, યુવક હત્યા કરીને આખા વિસ્તારમાં ફર્યો

Ahmedabad News : અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બે દિવસ પહેલા એક લાશ મળી હતી, જેનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલીને આરોપીને જેલના હવાલે કર્યો

અમદાવાદમાં 22 ઓક્ટોબરે મળેલી લાશનો ભેદ ઉકેલાયો, યુવક હત્યા કરીને આખા વિસ્તારમાં ફર્યો

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં 22મી ઓક્ટોબરના રોજ મળેલી બિનવારસી લાશ મામલે ભેદ ઉકેલાયો છે. યુવકની હત્યા કરવામાં આવી હોવાનો પીએમ રિપોર્ટમાં ખુલાસો થતા પોલીસે ગુનો દાખલ કરી હત્યારા યુવકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે નશો કરવા માટે રૂપિયા માંગતા મૃતકે પૈસા ન આપતા ગળું દબાવી તેની હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે.

કૃષ્ણનગર પોલીસે સુરેશ ઉર્ફે લંગડો વિરવાણીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ યુવકની હત્યાને અંજામ આપ્યો છે. 22મી ઓક્ટોબરના રોજ સાંજના સમયે કૃષ્ણનગર પોલીસને કંટ્રોલ રૂમથી મેસેજ મળ્યો હતો કે, એક યુવકની લાશ ઠક્કરબાપાનગરના બસ સ્ટોપ આગળ પડી છે. જેથી પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે મોકલીને મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી. તેવામાં પીએમ રિપોર્ટમાં મૃતકને ગળે ટૂંપો આપતા તેનું મોત નિપજ્યું હોવાનું ખૂલ્યુ હુતં. ત્યારે પોલીસે ઘટના સમયના સીસીટીવી ફૂટેજ અને આસપાસના વેપારીઓની પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

આ પણ વાંચો : શું પુરુષોને પણ થાય છે સ્તન કેન્સર? તમારા ઘરમાં કોઈ પુરુષ હોય તો આ માહિતી જરૂર જાણો

પકડાયેલો આરોપી સુરેશ ઉર્ફે લંગડો હત્યા કર્યા બાદ આસપાસમાં જ ફરતો હતો અને તેણે એક દુકાનના વેપારીની સામે જ પોતે આ યુવકની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે ઘટના સ્થળની આસપાસની દુકાનોના વેપારીઓની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી અને જે આધારે જ પોલીસે ઠક્કરબાપાનગર વિસ્તારમાંથી હત્યારા યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, તે પોતે દારૂ પીવાનો બંધાણી હોવાથી મૃતક પાસે દારૂ પીવા માટે રૂપિયા માંગ્યા હતા. જે રૂપિયા મૃતકે ન આપતા તેણે તેની સાથે મારામારી કરીને ઝપાઝપી કરી હતી, અને અંતે તેનુ ગળુ દબાવ્યું હતું. જેના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે કૃષ્ણનગર પોલીસે આરોપીને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી આગળની પ્રક્રિયા હાથ ધરી છે.

Trending news