વિધિ કરી સોનું કાઢી આપવાના બહાને તાંત્રિકે સુરતની પરણીતા સાથે આચર્યું દુષ્કર્મ

તાંત્રિકે મહિલાને કહ્યું હતું કે મારી પાસે એવી શક્તિ છે કે હું તમને તમારા નસીબમાં જે છે તે અપાવીશ, સોનાના ઘરેણાં પર વિધિ કરી દરગાહમાંથી સોનાના ઘરેણાં ખેંચી લાવીશ

Dushyant karnal Dushyant karnal | Updated: Aug 10, 2018, 03:51 PM IST
વિધિ કરી સોનું કાઢી આપવાના બહાને તાંત્રિકે સુરતની પરણીતા સાથે આચર્યું દુષ્કર્મ

અમદાવાદ: અમદાવાદના તાંત્રિકે વિધિ કરી સોનું કાઢી આપવાની સ્કીમ આપી સુરતના રૂસ્તમપુરા વિસ્તારની પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. લંપટ તાંત્રિકે કુકર્મ કરવા સાથે ગરીબ પરિવાર પાસેથી વિધિ કરી સોનું કાઢવાના નામે ૪૫ તોલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા ૨.૧૨ લાખ પણ પડાવી લીધા હતા. 

અમદાવાદના ખાનપુર કલ્યાણી બાગ ખાતે સાવજુદ્દીનની દરગાહ પાસે રહેતા ૬૦ વર્ષીય સૈયદ હબીબુલ્લા હાજેફતે મોહમંદએ સુરતના રૂસ્તમપુરા ખાતે રહેતા મુસ્લિમ પરિવારને પોતાની જાળમાં ફસાવ્યો હતો. તાંત્રિકે મહિલાને કહ્યું હતું કે મારી પાસે એવી શક્તિ છે કે હું તમને તમારા નસીબમાં જે છે તે અપાવીશ, સોનાના ઘરેણાં પર વિધિ કરી દરગાહમાંથી સોનાના ઘરેણાં ખેંચી લાવીશ એવી વાતોમાં ભોળવી આ તાંત્રિક કમ ઢોંગી બાપુ સૈયદ હબીબુલ્લાએ વારાફરતી ૪૦-૪૫ તોલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા ૨.૧૨ લાખ પરિણીતા પાસે પડાવી લીધા હતા. 

વિધિના બહાને મુસ્લિમ પરિવારને પોતાના વશમાં કરનાર આ તાંત્રિકે પરિણીતાને પણ તેણીના પતિ-પરિવાર સામે ભડકાવી લીધી હતી. તેણીને અમદાવાદ બોલાવી લઇ હુશેની પાર્ક ખાતે આવેલી આઇસ ફેક્ટરી નજીક તવક્કલ ફ્લેટમાં દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાના પુત્રને ગોંધી રાખી તાંત્રિકે પરિણીતા સાથે દુર્ષ્કર્મ આચર્યું હતું. આમ, તાંત્રિક વિધિના બહાને પરિણીતાની ઇજ્જત લૂંટી લેવા સાથે ૪૦-૪૫ તોલા સોનાના અને રોકડા રૂપિયા ૨.૧૨ લાખ પડાવી લીધા હતા. પરિણીતાએ આ મામલે પોલીસ કમિશનરને અરજી કરી હતી. આ અરજી બાદ સલાબતપુરા પોલીસે પીડિતાની ફરિયાદ લઇ તાંત્રિક સૈયદ હબીબુલ્લા સામે દુષ્કર્મ, છેતરપિંડી અને ધાકધમકી આપવા અંગેનો ગુનો નોંધી તપાસ આદરી છે.