અલ્પેશ ઠાકોરની રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં સોંપાઈ મહત્વની જવાબદારી

ગુજરાતના ઓબીસી નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ થયો છે.

અલ્પેશ ઠાકોરની રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસમાં સોંપાઈ મહત્વની જવાબદારી

ગાંધીનગર: ગુજરાતના ઓબીસી નેતા અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે અને ચૂંટણીમાં સભાઓ ગજાવનાર ઠાકોર ક્ષત્રિય નેતા અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પાર્ટી તરફથી બિહારના સહપ્રભારી અને સેક્રેટરી બનાવવામાં આવ્યાં છે. ગુજરાતની ભાજપ સરકારને દારૂ બંધી અને ઓબીસી સમાજના પ્રશ્નોના મુદ્દે હંફાવનાર ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનું રાજકીય કદ ધીરે ધીરે વધી રહ્યું છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળે એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી. 

કોંગ્રેસના મહાસચિવ અશોક ગહેલોત તરફથી જારી થયેલા એક નિવેદન મુજબ અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને સહ પ્રભારી બનાવવામાં આવ્યાં છે. બિહારના પ્રભારી તરીકે ગુજરાતના જ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને અગાઉ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. અલ્પેશ ઠાકોર હવે તેમની સાથે મળીને બિહારમાં પાર્ટીનું કામકાજ સંભાળશે. પાર્ટી તરફથી આઠ નવા સચિવની નિયુક્તિ કરાઈ છે જેમાં શકીલ અહેમદ ખાન, રાજેશ ધમાની, અલ્પેશ ઠાકોર, બીપી સિંહ, મોહમ્મદ જાવેદ, શરત રાઉત, સીવી ચંદ્ર રેડ્ડી અને બીએમ સંદીપને સામેલ કરાયા છે. 

— ANI (@ANI) August 23, 2018

રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત થઈ ત્યારે એ આશા વ્યક્ત કરાઈ રહી હતી કે તેમને રાષ્ટ્રીય સ્તરે પણ મહત્વનું પદ મળશે. એવું પણ કહેવાય છે કે, લોકસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને ટિકીટ આપવામાં આવી શકે છે. અત્રે જણાવવાનું કે હાલ કોંગ્રેસ સંગઠનમાં અનેક પદો પર ફેરફાર કરી રહી છે. વરિષ્ઠ નેતા અહેમદ પટેલને પાર્ટીના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. જ્યારે મોતીલાલ વ્હોરાને મહાસચિવ (પ્રશાસન)ની જવાબદારી સોંપાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news