હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી, FSLની મદદથી કોઈપણ કઠોર‌ વ્યક્તિને તોડી શકાય: અમિત શાહ

ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સેંટર ઓફ એક્સલન્સ એન્ડ એનાલિસિસ ઓફ નારકોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું લોકાર્પણ કર્યું હતું.

હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી, FSLની મદદથી કોઈપણ કઠોર‌ વ્યક્તિને તોડી શકાય: અમિત શાહ

હિતલ પારેખ/ ગાંધીનગર: ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સેંટર ઓફ એક્સલન્સ એન્ડ એનાલિસિસ ઓફ નારકોટિક ડ્રગ્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રીએ મહિલાઓ વિરુધ્ધ અપરાધ અને તપાસ પર પોલીસ અધિકારીઓ માટે તૈયાર થયેલ વર્ચ્યુઅલ પ્રશિક્ષણ મોડયુઅલનું પણ લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બપોરનું ભોજન ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં લીધું હતું. આ કાર્યક્રમ દરમિયાન નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જે.એન. વ્યાસે જણાવ્યું હતું. ડ્રગ્સ પકડાય તે મહત્વનું છે પણ ભારતમાંથી ડ્રગ્સનો વ્યસન તરીકે ઉપયોગ રોકી શકાય તે કામગીરી માટે નવા લોકાર્પણ થયેલા સેન્ટરનો ઉપયોગ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જણાવ્યું હતું કે, હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી રહ્યો. એફએસએલના યોગ્ય ઉપયોગથી કોઈ પણ કઠોર‌ વ્યક્તિને પણ‌ તોડી શકાય છે. નવી શિક્ષા નિતીનો સૌથી વધુ લાભ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને થશે. અત્યારે દેશના સાત રાજ્યોએ પોતાના રાજ્યમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની શાખા શરૂ કરવામાંની તૈયારી બતાવી છે.

ભારત સાચા અર્થ આત્મનિર્ભર બની રહ્યું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ ટૂંક સમયમાં વિશ્વની  ફોરેન્સિક ક્ષેત્રે શ્રેષ્ઠ યુનિ બનશે. દેશનાં 7 રાજ્યોએ પ્રસ્તાવ મુક્યો છે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ પોતાના રાજ્યમાં યુનિની કોલેજો સ્થાપે. સાયબર સિક્યોરેટી આગળનાં ભવિષ્ય માટે ખૂબ જરુરી છે. સીઆરપીસી, આઈપીસીમાં ભારત સરકાર આમુલ પરિવર્તન કરવા માંગે છે તેના માટે નિષ્ણાતો પાસે સુચનો મંગાવી રહી‌ છે.

આપણી પોલીસ એક્શન અને વધારે એક્શન વચ્ચે ફસાયેલી છે પણ નૈસર્ગિક એક્શનની જરૂર છે. નશીલા પદાર્થોની અસર દેશના આર્થિક વિકાસ પર પડી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું છે કે ભારતમાં ડ્રગ્સને આવવા પણ નહીં દેવાય કે ડ્રગ્સ લાવવાનો માર્ગ પણ નહીં બનવા દેવામાં આવે. નાર્કો ટેરીઝમ પણ મોટી સમસ્યા છે તેની સામે પણ‌ આ સેન્ટર ઉપયોગી બનશે. દોઢ વર્ષમાં નાર્કોટિક્સ ડ્રગ્સ પકડવામાં ભારતને મોટી સફળતા મળી છે. સુવર્ણ સમય‌ અત્યારે ચાલી રહ્યો‌ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને નેશનલ દરજ્જો આપ્યો તે ખૂબ મહત્વનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહના આભારી છીએ. ડ્રગ્સનું સંપુર્ણ એનાલિસિસ થયા તે ખુબ જ ઉપયોગી છે. ભારતને નશીલા પદાર્થોમાંથી મુક્તિ મળે તે જરૂરી છે. અઘોષિત ડ્રગ્સ યુદ્ધને નજર અંદાજ ન કરવું જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જે પ્રયાસો કર્યા છે તેનાથી મને વિશ્વાસ છે કે ભારત સુરક્ષિત છે. ગુજરાતમાં મહિલાઓને સુરક્ષા આપવા અનેક યોજનાઓ અને કાયદાઓ બનાવ્યા છે. લવ જેહાદનો કાયદો બનાવ્યો તે ઉપયોગી બનશે. રાષ્ટ્ર નશા મુક્ત બને તેના માટે આ સેન્ટર ઉભુ થયુ તે ગૌરવની વાત છે. કોઈ પણ ડ્રગસનું એનાલિસિસ થાય અને તે ક્યાથી આવે છે. ડ્રગ્સ માફિયાઓ પર કડક નજર રાખી શકાશે.

ભારતના યુવાનો નશા મુક્ત થાય તેને લાભ મળશે. ગુજરાતમાં દારુબંધીના કાયદા કડક બનાવ્યા છે. બુટલેગરોને દારુ વેચવો મુશ્કેલ બન્યો છે.  ગુનાઓમાં તપાસ ઝડપી કરવી અને સજા થાય તે સમયની માંગ છે. મહિલાઓ વિરુદ્ધ અપરાધ અને તપાસ પર પોલીસ અધિકારીઓ માટે તૈયાર થયેલ વર્ચ્યુઅલ મોડયુઅલને લોન્ચ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news