ગુજરાત પોલીસની જાંબાજ She ટીમને સલામ, આત્મહત્યા કરવા ગયેલા યુવકનો બચાવ્યો જીવ
Anand News : આણંદની શી ટીમએ આત્મ હત્યા કરવા જતાં યુવકને આત્મહત્યા કરતા રોકી જીવ બચાવી લીધો
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ : આણંદની શી ટીમે એક યુવાનને આત્મહત્યા કરતો બચાવ્યો... વ્યાજના ચક્કરમાં ફસાયેલો રિક્ષા ચાલક યુવાન આત્મહત્યા કરવા નીકળ્યો હતો. પેટ્રોલિંગ કરી રહેલી શી ટીમની નજર આ રડતા યુવાન પર પડી હતી. રડી રહેલા યુવાનની શી ટીમે પૂછપરછ કરતા ખુલાસો થયો હતો. વ્યાજખોરોની ધમકીથી ત્રાસીને યુવાન આત્મહત્યા કરવાનો હતો. પરંતું શી ટીમે યુવાનને આત્મહત્યા ન કરવા માટે સમજાવ્યો હતો. શી ટીમની સમય સૂચકતાથી યુવાનનો જીવ બચી ગયો.
વ્યાજના ખપ્પરમાં અનેક લોકો બરબાદ થઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાનાં કરમસદનો રીક્ષા ચાલક યુવક વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતાં આણંદ ટાઉન પોલીસની શી ટીમએ યુવકને આત્મહત્યા કરતા રોકી તેનો જીવ બચાવી લઈ રીક્ષા ચાલકને વધુ તપાસ માટે વલ્લભવિદ્યાનગર પોલીસને હવાલે કર્યો છે.
આણંદ ટાઉન પોલીસ મથકની શી ટીમનાં એએસઆઈ જસીબેન ચૌધરી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા, ત્યારે વલાસણ ગામની કેનાલ પાસે રિક્ષામાં એક યુવક બેસી રડી રહ્યો હતો. જેથી શી ટીમને શંકા જતા શી ટીમના જસીબેન ચૌધરીએ રીક્ષામાં રડી રહેલા યુવકની પૂછપરછ કરતા યુવકે પોતાની ઓળખ જીતેન્દ્ર સુરેશભાઈ ખાંટ તરીકે આપી પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું.
શી ટીમે જીતેન્દ્રની વધુ પૂછપરછ કરતા તેણે બે શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને માથા પર દેવું વધી જતાં વ્યાજખોરો તેની પાસે વ્યાજની ઉઘરાણી કરી ધમકીઓ આપતા હોય અને પોતાની પાસે પૈસા ન હોઈ તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું, અને આત્મહત્યા કરવા તે વલાસણ નહેર પાસે આવ્યો હતો. અને અંધારું થાય પછી કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરવાનો હતો. અને રિક્ષામાં બેસી નાસીપાસ થઈ તે રડી રહ્યો હોવાનું જણાવતા શી ટીમ દ્વારા તેનું કાઉન્સેલિંગ કરી યુવકને આત્મહત્યા નહીં કરવા સમજાવી યુવકનો જીવ બચાવી લીધો હતો, શી ટીમની સમય સુચકતાથી યુવકનો જીવ બચી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે