સ્વરૂપવાન યુવતી સાથે ચેટિંગ કરતાં યુવક દેશ માટે બન્યો ગદ્દાર; આ રીતે ગુપ્ત માહિતી પાક. મોકલતો

ગુજરાત ATS એ હવે પોરબંદરમાંથી ભારતીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલનાર જાસુસને પકડી પાડ્યો છે. આરોપીએ નાની એવી રકમ માટે રાષ્ટ્રીય સુરક્ષાની માહિતી અને ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનને મોકલ્યા હતા.

સ્વરૂપવાન યુવતી સાથે ચેટિંગ કરતાં યુવક દેશ માટે બન્યો ગદ્દાર; આ રીતે ગુપ્ત માહિતી પાક. મોકલતો

ઉદય રંજન/અમદાવાદ: ભારત દેશમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર શખ્સોને સતત ગુજરાત ATS પકડતી આવી છે. હાલમાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા. તેવામાં ગુજરાત ATS એ હવે પોરબંદરમાંથી ભારતીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલનાર જાસુસને પકડી પાડ્યો છે. આરોપીએ નાની એવી રકમ માટે રાષ્ટ્રીય સુરક્ષાની માહિતી અને ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનને મોકલ્યા હતા. સાથો સાથ એક નંબર પણ પાકિસ્તાનમાં એક્ટિવેટ કરાવ્યો હતો.

ગુજરાત ATSની ગીરફતમાં દેખાતા આ યુવકનું નામ છે જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા નો વ્યવસાય કરે છે. આરોપીની ઉંમર માત્ર 21 વર્ષ છે અને તે પોરબંદર માં સુભાષ નગર ખાતે રહે છે અને દરિયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે. આરોપીએ છેલ્લા ચારેક મહિનાથી એડવિકા પ્રિન્સ નામ ધારણ કરનાર કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં રહીને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ના જેટી તેમજ તેના વાહનોની માહિતી સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક મેસેન્જર અને વોટ્સએપ તેમજ ટેલિગ્રામ જેવી એપ્લિકેશનથી પાકિસ્તાનના એજન્ટને મોકલી રહ્યો હતો. 

ગુજરાત ATS ના અધિકારીઓને આ શખ્સ વિશે જાણ થતા જ તેને પોરબંદરથી પકડી ગુજરાતી એટીએસની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે જાન્યુઆરી 2024 થી એડવિકા પ્રિન્સ નામની ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો. સામે વાળી વ્યક્તિ એ પોતે એક મહિલા હોવાનું જણાવી જતીન ચારણીયા ની માહિતી મેળવી હતી. જે બાદ વારંવાર ચેટ કરી મિત્રતા કેળવી પાકિસ્તાની એજન્ટે જતીન નો વિશ્વાસ જીત્યો હતો. 

જે સમયગાળા દરમિયાન એડવિકા ની માંગણી મુજબ જતીન ચારણીયા તેને મેસેજ કરી પોરબંદર ખાતે જેટી તેમજ જેટી ઉપર ઊભેલી શિપ નો વિડીયો બનાવી મોકલતો હતો. જે બદલ એડવિકા એ તેને ટુકડે ટુકડે 6000 રૂપિયા આપ્યા હતા. જે બાદ એડવિકા ની સૂચના મુજબ જતીન ચારણીયા એ એડવિકા એ તેને આપેલા ટેલિગ્રામ એકાઉન્ટ ઉપર ચેટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

ગુજરાતી એટીએસ એ જતીન ચારણીયા નો ફોન લઈને તપાસ કરતા ધ્યાને આવ્યું હતું કે તેણે પાકિસ્તાની એજન્ટ સાથે કરેલી ચેટ 24 કલાકમાં ઓટો ડીલીટ થઈ જાય તે પ્રકારનું સેટિંગ કર્યું હતું અને તે વારંવાર પાકિસ્તાની એજન્ટ એડવિકા પ્રિન્સને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ શીપ ના વિડીયો અને વિગતો મોકલતો હતો બેન્ક એકાઉન્ટ ની તપાસ કરતા તેના ખાતામાં આવેલા 6000 રૂપિયા અંગે પણ ખુલાસો થયો હતો. 

વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે પાકિસ્તાની એજન્ટની સૂચના મુજબ જતીન ચારણીયા એ પાકિસ્તાની એજન્ટ એડવિકા એ આપેલા તેના વોટ્સએપ એકાઉન્ટ ઉપર પણ ચેટ કર્યું હતું. જે એકાઉન્ટ પાકિસ્તાનના કરાચી થી ઓપરેટ થતું હોવાનું ધ્યાને આવ્યું છે. આ મામલે ગુજરાત ATS એ જતીન ચારણીયા સામે ગુનો દાખલ કરી તેની વધુ તપાસ શરૂ કરી છે અને તેનો મોબાઇલ એફએસએલમાં મોકલી ને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news