ગુજરાતનું ગર્વ છે આ નાનકડુ ગામ, જે દૂષિત પાણીને પણ બચાવીને તેમાંથી કરે છે કમાણી

What An Idea : બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું વેડંચા ગામ સરકારની આ યોજનાઓનો ઉપયોગ કરી સ્વચ્છતામાં અગ્રેસર બન્યું છે. ગામના લોકોએ ફક્ત આ દુષિત પાણીનો નિકાલ કરવાનું જ નહિ, પરંતુ આ દૂષિત પાણીના કચરામાંથી કંચન કેવી રીતે ઉપજાવી શકાય તેવુ વિચાર્યું અને તેનો અમલ કર્યો

ગુજરાતનું ગર્વ છે આ નાનકડુ ગામ, જે દૂષિત પાણીને પણ બચાવીને તેમાંથી કરે છે કમાણી

અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા જિલ્લાનું એક એવુ ગામ કે જે ગામમાં એકઠું થતું દુષિત પાણી ગંદકી નથી ફેલાવતું. પરંતુ આ પાણી પંચાયતને માસિક આર્થિક આવક કરાવે છૅ. ગામના લોકોના પ્રયાસોથી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળના તળ પણ ઊંચા આવ્યા છે. ત્યારે આવું તે ક્યુ ગામ છૅ અને આ ગામમાં દુષિત પાણીમાંથી આર્થિક રકમ કેવી રીતે ઉભી કરાય તે જોઈએ. 

સામાન્ય રીતે વર્ષો અગાઉ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી જોવા મળતી હોય છે અને સમગ્ર ગામો ગંદકીથી ખદબદતા જોવા મળતા હોય છે. જો કે સરકાર દ્વારા  સ્વચ્છતાની અનેક યોજનાઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર ગામો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે  બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું વેડંચા ગામ સરકારની આ યોજનાઓનો ઉપયોગ કરી સ્વચ્છતામાં અગ્રેસર બન્યું છે. વેડંચા ગામમાં ગ્રામજનો દ્વારા વપરાશમાં લેવાયેલું પાણી નાળાં સ્વરૂપે તળાવમાં એકત્રિત થઇ રહ્યું હતું. જોકે આ પાણી  તળાવમાં એકત્રિત થયા બાદ ત્યાં ગંદકી  એકઠું કરી રહ્યું હતું, જેને લઈ ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સેવાઈ રહી હતી. ત્યારે આ ગામના લોકોએ ફક્ત આ દુષિત પાણીનો નિકાલ કરવાનું જ નહિ, પરંતુ આ દૂષિત પાણીના કચરામાંથી કંચન કેવી રીતે ઉપજાવી શકાય તેવુ વિચાર્યું. 

No description available.

ગામના લોકોઆ આ મુદ્દે યુનિસેફ સહિત અનેક સંસ્થાઓની મદદથી ગામમાં ઊભો કરી દીધો. ગ્રીન-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ પ્લાન્ટની મદદથી તળાવમાં રોજીંદુ એકત્રિત થતું બે લાખ લિટર પાણીનુ શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે અને શુદ્ધિકરણ કરાયેલું પાણી જૂના વેરવિખેર પડેલા કૂવામાં ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં આવી રહ્યું છે. ફક્ત એટલું જ નહિ, પરંતુ શુધ્ધીકરણ કરાયેલા પાણીમાંથી નીકળતી લીલ પણ વેસ્ટ નથી જતી. પરંતુ લીલમાંથી સેન્દ્રીય ખાતર તૈયાર કરવામાં આવે છે અને આ ખાતર ગ્રામજનોને નજીવા દરે વેચવામાં આવે છે. જેમાંથી પંચાયતને આર્થિક આવક પણ ઊભી થઈ રહી છે.

મહત્વની વાત છૅ કે, વેસ્ટ જતી લીલમાંથી 21 દિવસમાં 400 બેગ ખાતર આ પ્લાન્ટ થકી ઉપજાવવામાં આવે છે અને આ ખાતરનું વેચાણ કરતા પંચાયતને માસિક રૂ.65 હજારની આવક ઊભી થાય છે. જોકે પ્લાન્ટનો માસિક ખર્ચ રૂ.45 હજાર થતો હોવાથી પંચાયતને માસિક રૃપિયા 20 હજારની આવક મળે છે. 

No description available.

તો સાથે સાથે શુદ્ધિકરણ થઇને ભૂગર્ભમાં ઉતરતું પાણી ગ્રામજનોને મોટો ફાયદો કરાવે છે. જે પ્રમાણે છેલ્લા બે વર્ષથી જિલ્લામાં વરસાદ પૂરતો ન થતાં ભૂગર્ભ જળ ઉંડા ગયા છે અને ખેડૂતોને ખેતી કરવામાં અનેક ઘણી મુશ્કેલી વેઠવી પડી રહી છે. પરંતુ આ પ્લાન્ટ થકી ભુગર્ભમાં ઉતરતાં પાણીથી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંચા આવશે. જે થકી ખેડૂતોને પાણી મળી રહેશે. જેને લઇ આ પ્લાન્ટ ગામમાં સ્થપાતાં ગામના લોકોમાં ખુશીનો માહોલ છે. તો પ્લાન્ટની જાણ થતાં જ ફક્ત બનાસકાંઠા નહિ, પરંતુ સાબરકાંઠા, હિંમતનગર સહિતના વિસ્તારોમાંથી લોકો આ પ્લાન્ટ જોવા વેડંચા ગામ પહોંચી રહ્યાં છે. 

No description available.

ગામના સરપંચ બેચરભાઈ ભાટિયા જણાવે છે કે, અમારા ગામમા પ્લાન્ટ સ્થાપતા હવે ભૂગર્ભ જળ ઊંચા આવશે. આજે લોકો અમારા ગામની મુલાકાતે આવી રહ્યા છૅ. આ પ્લાન્ટમાંથી ઉભી થતી રકમમાંથી માસિક 20 હજાર રૂપિયાની બચત પંચાયતને થઇ રહી છૅ. 2 વર્ષથી વરસાદ ન હતો, પાણીના તળ નીચા ગયા હતા, હવે પ્લાન્ટ સ્થપાયો છૅ તો પાણીના તળ ઊંચા આવશે. તો અમને હવે સેન્દ્રીય ખાતર પણ ગામમાંથી સસ્તા ભાવે મળી રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news