હવે સરકાર જ અમારો એકમાત્ર સહારો છે, ભાવનગરના ખેડૂતો માંગી રહ્યા છે મદદ
Trending Photos
- ભાવનગર જિલ્લાના દોઢ લાખ ખેડૂતોએ નુકશાન વળતર માટે અરજી કરી
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન પડેલા અતિભારે વરસાદ અને ચોમાસા બાદ માવઠાના કારણે ખેતી પાકોમાં થયેલા નુકશાન અંગે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કર્યા બાદ નુકશાન અંગે અરજી કરવા માટે 6 ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં પાક નુકશાનમાં સહાય મેળવવા જિલ્લાના દોઢ લાખથી વધુ ખેડૂતો દ્વારા સરકારના ઈ-પોર્ટલ પર અરજી કરવામાં આવી છે.
જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ થયો હતો
ભાવનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો અને ત્યાર બાદ માવઠું થતા ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસા દરમ્યાન જિલ્લાના અનેક તાલુકાઓમાં 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ મહુવા તાલુકામાં 130 ટકા, ગારિયાધાર તાલુકામાં 130 ટકા, ઘોઘા તાલુકામાં પણ 124 ટકા તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.
અતિભારે વરસાદને કારણે ખેડૂતોને પાકમાં વ્યાપક નુકશાન
જિલ્લામાં સરેરાશ ૧૦૬ ટકા વરસાદ નોંધાયો હતો, જેમાં અતિવૃષ્ટિ જેવા માહોલ વચ્ચે ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી જવાના કારણે જિલ્લાના અનેક ખેડૂતોને વ્યાપક નુકશાન થયું હતું, જે અંતર્ગત સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અરજી કરવા માટે અપાયેલા સમય દરમ્યાન અત્યાર સુધીમાં 1 લાખ 59 હજાર 353 ખેડૂતો દ્વારા નુકશાન વળતર માટે ઓનલાઈન અરજી કરવામાં આવી છે.
નુકશાન સહાયની રકમ ઝડપથી ચૂકવી આપવા માંગ
અતિભારે વરસાદના કારણે મહુવા, ગારિયાધાર, જેસર અને ઘોઘા સહિત તમામ તાલુકાઓમાં ખેડૂતોના તૈયાર થઈ ગયેલા પાકમાં વ્યાપક અસર થઈ હતી. ખેડુતોના ખેતરોમાં ઉભેલા તૈયાર પાકનું ધોવાણ થઈ ગયું હતું. ત્યારે ખેડૂતોને નુકશાન સહાય આપવાની માંગને લઈને સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જે રાહત પેકેજ અંતર્ગત અરજીઓ સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર નુકશાન સહાયની રકમ ઝડપથી ચૂકવી આપે તો એ રકમ ખેડૂતો અન્ય પાક માટે ઉપયોગમાં લેવાય શકે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ત્રીજી લહેરમાં બાળકોને કેવી રીતે સાચવવા? એક્સપર્ટે આપ્યો આ જવાબ
નુકશાન સહાય માટે ૧૦ તાલુકાના ૧,૫૯,૩૫૩ ખેડૂતોએ અરજી કરી
સરકાર દ્વારા રાહત પકેજ-2 જાહેર કરવામાં આવતા ભાવનગર તાલુકાના ૧૦,૧૭૨, ભાવનગર સિટીના ૮૫૬, ગારિયાધાર તાલુકાના ૧૬,૩૫૮, ઘોઘા તાલુકાના ૮,૮૧૭, જેસર તાલુકાના ૯,૪૯૮, મહુવા તાલુકાના ૨૮,૭૫૫, પાલીતાણા તાલુકાના ૧૫,૪૯૬, શિહોર તાલુકાના ૧૭,૩૪૬, તળાજા તાલુકાના ૨૫,૯૨૬, ઉમરાળા તાલુકાના ૧૨,૩૯૧ અને વલભીપુર તાલુકાના ૧૩,૭૩૮ ખેડૂતો દ્વારા નુકશાન સહાય અંગે અરજી કરવામાં આવી છે. આમ કુલ મળી ૧,૫૯,૩૫૩ અરજી થઈ છે.
અરજીઓના વેરીફીકેશન બાદ વળતર ચૂકવવાની થશે શરૂઆત
જિલ્લામાં પાક નુકશાન વળતર સહાય અંગે ૬ થી ૨૪ ડિસેમ્બર સુધી ખેડૂતો પાસે થી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેની મુદ્દત પૂર્ણ થતાં આવેલી તમામ અરજીઓના નિકાલ માટે વેરીફીકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ત્યાર બાદ સહાયની રકમ ચૂકવવા માટે તંત્ર દ્વારા હાલ કવાયત હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે