ધો. 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે 16મીથી પ્રવેશ પ્રક્રિયા, જાણો કેવી રીતે મળશે એડમિશન?

14 જૂન સુધી ડિપ્લોમા એન્જીનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં અંદાજે 68 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

ધો. 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે 16મીથી પ્રવેશ પ્રક્રિયા, જાણો કેવી રીતે મળશે એડમિશન?

અતુલ તિવારી/અમદાવાદ: ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરવા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. ટૂંક સમયમાં ડિપ્લોમા એન્જીનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે 16 મે 2023થી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 14 જૂન સુધી ડિપ્લોમા એન્જીનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. રાજ્યની 31 સરકારી, 5 ગ્રાન્ટેડ, 107 ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં અંદાજે 68 હજાર જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.

ACPDC દ્વારા સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન યોજાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગનું 21 જૂનના રોજ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે. ત્યારબાદ મોક રાઉન્ડ માટે ચોઇસ ફીલિંગ 21 જૂનથી 25 જૂન સુધી હાથ ધરાશે. મોક રાઉન્ડનું પરિણામ 28 જૂને જાહેર થશે. જ્યારે ફાઇનલ મેરીટ લિસ્ટ 30 જૂને જાહેર કરાશે. પ્રથમ રાઉન્ડ માટે ઉમેદવારો દ્વારા પસંદગી ભરવી તેમજ ફેરફાર 30 જૂનથી 3 જુલાઈ દરમિયાન કરી શકાશે. રાઉન્ડ 1નું એલોટમેન્ટ લિસ્ટ 6 જુલાઈએ જાહેર થશે. વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ 6 થી 10 જૂલાઈ સુધીમાં નિશ્ચિત કરવાનો રહેશે. ત્યારબાદ ખાલી રહેતી બેઠકો અંગે જાહેરાત કરી, બીજો રાઉન્ડ હાથ ધરાશે. ડિપ્લોમા એન્જીનીયરીંગનું શૈક્ષણિક સત્ર 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. 

ACDPC ના મેમ્બર સેક્રેટરી ભાસ્કર ઐયરે કહ્યું કે, હાલના સમયે વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર અને આઇટી ક્ષેત્રે તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન ડિપ્લોમા એન્જીનીયરીંગ તરફ વધુમાં વધુ ઝુકાવ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કુલ 68,161માંથી 60 ટકા જેટલી બેઠકો ભરાઈ હતી, એટલે કે 41,165 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો, જ્યારે 27,005 બેઠકો ખાલી રહી હતી. રાજ્યની સરકારી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં 20,737 બેઠકોમાંથી 14,367 ભરાઈ હતી જ્યારે 6370 બેઠકો ખાલી રહી હતી. તો ગ્રાન્ટેડ કોલેજોમાં 1515 બેઠકમાંથી 1444 બેઠકો ભરાતા માત્ર 71 બેઠકો ખાલી રહી હતી. બીજી તરફ ખાનગી ડિપ્લોમા એન્જીનીયરીંગ કોલેજોમાં ઉપલબ્ધ 45,386 માંથી 25,109 બેઠકો ભરાતા 20,277 બેઠકો ખાલી રહી હતી. 

ACDPC ના મેમ્બર સેક્રેટરી ભાસ્કર ઐયરે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવેશ વધે એ માટે 10 મેના રોજ પ્રિન્સિપલ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોના પ્રિન્સિપલને બોલાવાયા હતા. હાલ જે એડમિશન ઘટ્યા છે, એમાં વધારો કરવા શુ કરવું જોઈએ એ અંગે ચર્ચા થઈ, ગ્રામ્ય વિસ્તારના બાળકોને ડિપ્લોમા એન્જીનીયરીંગ અંગેની માહિતી હોતી નથી એટલે ધોરણ 9 ના બાળકો માટે અવેરનેસ કાર્યક્રમ યોજવા અંગે ચર્ચા થઈ છે. ડિપ્લોમા એન્જીનીયરીંગથી વિદ્યાર્થી સરળતાથી ડીગ્રી અને રોજગારી મેળવી શકે છે, સરકારી કોલેજોમાં માત્ર 500 રૂપિયા છ મહિનાની ફી છે, છોકરીઓ માટે ફ્રીમાં શિક્ષણ ઉપલબ્ધ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news