નકલી કચેરી કાંડમાં મોટો ખુલાસો : આદિવાસીઓના હકનું ખાઈ જનાર નિવૃત્ત IAS નીકળ્યો અસલી કૌભાંડી

Fake Government Office : નકલી કચેરી કાંડમાં અધિકારીની સંડોવણી... આદિવાસી અધિકારીએ જ આદિવાસીઓને છેતર્યા... સરકારને 22 કરોડનો ચૂનો લગાડવામાં નિવૃત્ત IASનો પણ હાથ... બી. ડી નીનામા દાહોદના પ્રાયોજના અધિકારી હતા... કૌભાંડમાં વધુ અધિકારીઓની સંડોવણીની શક્યતા... દાહોદમાં 18.59 કરોડની ગ્રાન્ટ સગેવગે કરાઈ

નકલી કચેરી કાંડમાં મોટો ખુલાસો : આદિવાસીઓના હકનું ખાઈ જનાર નિવૃત્ત IAS નીકળ્યો અસલી કૌભાંડી

Chhota Udepur News : છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં સામે આવેલાં નકલી સરકારી કચેરી કાંડનો રેલો હવે નિવૃત્ત IAS અધિકારી સુધી પહોંચ્યો છે. બી.ડી. નીનામા નામનો આ નિવૃત્ત IAS જ્યારે પ્રાયોજના અધિકારી હતો, ત્યારે તેણે ગઠિયાઓ સાથે મળીને આદિવાસીઓને લૂંટ્યા હતા. અધિકારી અને ગઠિયાઓની સાથે કેવી રીતે આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું, જોઈએ આ અહેવાલમાં...

પોલીસના જાપ્તામાં વાદળી રંગના શર્ટમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો, તે થોડા સમય પહેલાં રાજ્યમાં IAS અધિકારી તરીકેનો મોભો ભોગવતો હતો, જો કે હવે તે આરોપી છે. તેનું નામ છે બી. ડી નીનામા. 

છોટાઉદેપુર અને દાહોદમાં એક ડઝનથી વધારે નકલી સરકારી કચેરીઓ ખોલીને સરકારને 22 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાવવાના કૌભાંડમાં આ નિવૃત્ત IASની પણ સંડોવણી સામે આવી છે. જેને જોતાં દાહોદ પોલીસે ગાંધીનગરથી તેની ધરપકડ કરી હતી. 

નીનામા જ્યારે દાહોદમાં પ્રાયોજના અધિકારી હતો ત્યારે તેણે અન્ય આરોપીઓ સાથે મળીને નકલી સરકારી કચેરીઓ ખોલવામાં ભૂમિકા ભજવી હતી. ગઠિયાઓ સાથે મળીને તે ગરીબ આદિવાસીઓના પૈસા ખાઈ ગયો.
 
નકલી કચેરીનું કૌભાંડ જ્યારે સામે આવ્યું, ત્યારે કહેવાતું હતું કે સરકારી તંત્રની સંડોવણી વિના આ પ્રકારનું સુવ્યવસ્થિત રીતે ચાલતું કૌભાંડ શક્ય નથી. નીનામાની ધરપકડ બાદ આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.

તેની પહેલાં આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમના નામ સંદીપ રાજપૂત, અબુ બકર અને અંકિત સુથાર છે. 

મુખ્ય આરોપી સંદીપ રાજપૂત નકલી કચેરી ખોલીને છોટા ઉદેપુરના આદિવાસીઓ માટેની સરકારી ગ્રાન્ટ પચાવી પાડતો હતો. છોટા ઉદેપુરમાં જ તેણે નકલી સરકારી કચેરી ઊભી કરીને 93 કામોની દરખાસ્ત મોકલીને 4 કરોડ 15 લાખ રૂપિયા સરકારી તિજોરીમાંથી સેરવી લીધા. 

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે નકલી કચેરી કાંડ ફક્ત છોટાઉદેપુર નહીં પણ દાહોદ સુધી ફેલાયેલું હતું. સંદીપ રાજપૂતે દાહોદમાં 6 નકલી કચેરી ઉભી કરીને 18 કરોડ 59 લાખની ગ્રાન્ટ સેરવી લીધી હતી.  

જો કે હદ તો ત્યારે થાય છે, જ્યારે એક IAS અધિકારી અને આદિવાસી સમુદાયમાંથી આવતી વ્યક્તિ જ આદિવાસીઓ માટેનું ફંડ ખાઈ જાય છે. ગઠિયાઓ સાથે મળીને તેણે સરકારી તિજોરીને તો નુકસાન કર્યું જ છે, પણ આદિવાસીઓ સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.  

સરકારી ગ્રાન્ટમાંથી નિનામાએ કેટલા રૂપિયા સેરવ્યા છે, એ તો તપાસ બાદ જ સામે આવશે. જો કે આ કૌભાંડમાં હજુ વધુ અધિકારીઓની સંડોવણી બહાર આવે તો નવાઈ નહીં...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news