અમદાવાદ: ઓઢવમાં બિલ્ડિંગ ધરાશાયી, 10 લોકો દબાયાની આશંકા, 2નો બચાવ

ઓઢવમાં આવાસ યોજનાનું 4 માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા નાસભાગ, આસપાસનાં અન્ય જર્જરીત બિલ્ડિંગ પણ ખાલી કરાવાયા

Updated By: Aug 26, 2018, 11:59 PM IST
અમદાવાદ: ઓઢવમાં બિલ્ડિંગ ધરાશાયી, 10 લોકો દબાયાની આશંકા, 2નો બચાવ

અમદાવાદ : શહેરના ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસની 4 માળની 2 બિલ્ડિંગ ધરાશાયી થતા તેમાં 8થી10 લોકો દબાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઓઢવના જીવનજ્યોત સોસાયટી પાસે જુની સરકારી બિલ્ડીંગ ધરાશાયી થતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે ફાયરબ્રિગેડની 8થી10 ગાડીઓ અને 100થી વધારે જવાનો રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવાઇ રહી છે. 

ઘટના અંગે જાણ થતા કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા સહિતનાં અધિકારીઓ દોડી આવ્યા હતા. હજી સુધી 2 લોકોને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાફલો પણ મોટા પ્રમાણમાં ખડકલો કરી દેવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પણ લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. જો કે હજી પણ 8થી વધારે લોકો દટાયેલા હોવાની આશંકા સેવાઇ રહી છે.

અગાઉ જ નોટિસ આપીને મકાનો ખાલી કરવા અપાયો હતો આદેશ
ઘટના અંગે માહિતી આપતા કમિશ્નર વિજય નેહરાએ જણાવ્યું કે, આ બિલ્ડિંગ જોખમી હોવાની જાણ થતા બંન્ને બ્લોકનાં કુલ 32 મકાનનાં લોકોનો મહિના અગાઉ નોટિસ અપાઇ હતી. જો કે તેમણે મકાન ખાલી નહી કરતા આખરે પરમ દિવસે તેમને દબાણપુર્વક મકાન ખાલી કરાવી દેવાયા હતા. ત્યાર બાદ કાલે ફરી તે પૈકી કેટલાક લોકો અહીં આવી જતા પોલીસની મદદથી તેમને ઘરની બહાર કઢાયા હતા. તેમ છતા પણ મોડી સાંજે બે પરિવારો ફરી ઘરમાં દાખલ થઇ ગયા હોવાની માહિતી હાલ તો પ્રાપ્ત થઇ રહી છે. જેથી 8થી 10 લોકો દબાયા હોય તેવી આશંકા સેવાઇ રહી છે. 

જુઓ યુદ્ધનાં ધોરણે ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યના દ્રશ્યો...

150થી વધારે લોકો રહેતા હતા બંન્ને બ્લોકમાં
આ G પ્રકારનાં બ્લોક હતા. જેમાં એક બ્લોકમાં દરેક ફ્લોર પર 4 મકાન એટલે કુલ 16  મકાન હતા. બીજા બ્લોકમાં પણ 16 મકાન કુલ થઇને 32 મકાનો હતા. આ 32 પરિવારનાં 150થી પણ વધારે લોકો અહીં રહેતા હતા. જો કે કોર્પોરેશન દ્વારા તકેદારી રાખીને તમામને મકાન બે દિવસ પહેલા જ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. ઘણી આનાકાની અને ઘર્ષણ છતા પણ તમામ પાસે મકાન ખાલી કરાવી દેવાયા હતા. જેથી આજે મોટી જાનહાની ટાળી શકાઇ હતી. 

આરએસએસનાં કાર્યકરો પણ રાહત અને બચાવકામગીરીમાં જોડાયા
રાષ્ટ્રીય સ્તરે કોઇ પણ ખતરો કે આપદા આવી પડે ત્યારે હંમેશાથી જ આરએસએસ તેમાં સક્રિય રીતે કામગીરી ભજવતું હોય છે. તંત્રનાં કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ખભે ખભો મિલાવીને આરએસએસ કામ કરતું હોય છે. આજની ગોઝારી દુર્ઘટનામાં પણ આરએસએસના કાર્યકરોએ તુરંત જ રાહત અને બચાવ કાર્યમાં ભાગ ભજવ્યો હતો. ફાયરના જવાનોની સાથે સાથે તેમણે પણ રાહત અને બચાવ કામગીરીમાં ઘણી પ્રશંસનીય કામગીરી બજાવી હતી. 

ફાયર બ્રિગેડ અને પોલીસની પ્રશંસનીય કામગીરી
તહેવારનો દિવસ હોવાથી ફાયર સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની પાંખી હાજરી હતી. જો કે ઘટના અંગે જાણ થતાની સાથે જ ફાયરનાં જવાનોની એક ગાડી રવાનાં કરી દેવાઇ હતી. તેમણે રાહત કામગીરી આદર્યાની મિનિટોમાં ફાયરની બીજી ગાડીઓ પણ ઘસી આવી હતી અને 100 જેટલા પોલીસ જવાનોએ યુદ્ધનાં ધોરણે કામગીરી આરંભી દીધી હતી. સાથે પોલીસ દ્વારા પણ આસપાસનાં પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફ બોલાવીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવા ઉપરાંત આસપાસનાં અન્ય બિલ્ડિંગો ખાલી કરાવવાથી માંડીને ટ્રાફીક નિયમન અને બચાવ અને રાહત કામગીરીમાં પ્રશંસનિય અને ત્વરીત કામગીરી નિભાવી હતી. 

 

પવિત્ર રક્ષબંધનના તહેવાર હોવાનાં કારણે સમગ્ર શહેરમાં ખુશી અને ઉલ્લાસનું વાતાવરણ છે. જો કે સાંજે ઓઢવ વિસ્તારમાં સરકારી આવાસનું એક 4 માળનો બ્લોક ધરાશાયી થતા નાસભાગ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર તેમાં 8થી10 લોટો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ફાયરની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

સ્થાનીક પોલીસ તંત્ર દ્વારા આસપાસનાં અન્ય જર્જરીત બ્લોક ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ ફાયર દ્વારા પણ તાત્કાલીક બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી યુદ્ધનાં ધોરણે ચાલુ કરી દેવામાં આવી હતી. ફાયર દ્વારા બે લોકોને ઘાયલ અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. જેને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ ધરાશાયી થવાનાં કારણે આસપાસનાં પણ નાસભાગ મચી ગઇ હતી. જો કે તત્કાલ પહોંચેલી પોલીસ અને ફાયર દ્વારા પરિસ્થિતીને થાળે પાડવાની સાથે સાથે બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી હતી. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આસપાસનાં જર્જરીત બિલ્ડિંગમાંથી પણ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. 

- સરકારી આવાસનો એક બ્લોક ધરાશાયી
- ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર
- અમદાવાદનાં ઓઢમાં બની મોટી દુર્ઘટના
- સરકારી આવાસોનો આખો બ્લોક જ  ધરાશાયી
- 4 માળનું જૂનુમકાન ધરાશાયી થતા નાસભાગ
- 8-10 લોકો દટાયા હોવાની આશંકા
- આસપાસનાં અન્ય 3 બ્લોક પણ ખાલી કરાવી દેવાયા
- 2 લોકોને ઘાયલ પરિસ્થિતીમાં બચાવી લેવામાં આવ્યા