ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ધૂળની ડમરીઓ ઊડી, ગુજરાતમાં ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ

ગુજરાતના અનેક જિલ્લામાં આજે વરસાદ પડ્યો છે. ભારે ગરમીમાં વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે, બીજીતરફ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હજુ પણ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ધૂળની ડમરીઓ ઊડી, ગુજરાતમાં ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ

અમદાવાદ: ગુજરાતમાં હાલ ઉનાળો છે પરંતુ, સોમવારની સાંજે અચાનક એવો માહોલ સર્જાયો કે, ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું.. જી હાં, ગુજરાતના 25 જેટલા જિલ્લાઓમાં ક્યાંક કરા સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકતા ચોમાસુ હોય તેવું વાતાવરણ સર્જાયું.. અમદાવાદ સહિતના શહેરોમાં ધૂળની ડમરીઓ ઊડી અને બાદમાં વરસાદ પડ્યો.. જોકે, ચિંતાની વાત એ છેકે, આ વરસાદથી ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે.. જુઓ આ રિપોર્ટ.. 

ભરઉનાળે ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદના આ દ્રશ્યો છે.. સોમવારે બપોર બાદ ગુજરાતના 20થી વધુ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો.. ક્યાંક ક્યાંક વરસાદની સાથે કરા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.. 

અમરેલી જિલ્લાના વરસડા ગામમાં મિનિ વાવાઝોડું કેટલું ભયાનક છે તેના આ દ્રશ્યો સાક્ષી છે.. વરસડા ગામમાં મિનિ વાવઝોડું આવતા ધાર્મિક કાર્યક્રમમાં મંડપ ઊડી ગયો હતો. એટલું જ નહીં લાઠી તાલુકામાં પણ ભારે વરસાદ પડતાં ભર ઉનાળે ગામમાં પાણીની નદીઓ વહેવા લાગી હતી.

અમદાવાદના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો હતો.. ભર ઉનાળે ચોમાસું હોય તેવું વાતાવરણ સર્જાયું.. અડાલજ, મહેસાણા હાઈવે પર જોરદાર પવન ફૂંકાયો હતો.. તો અન્ય વિસ્તારોમાં ઘનઘોર વાદળો છવાયા હતા.. તો કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી.. ભારે પવનને કારણે શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા હોર્ડિગ્સ પણ ફાટી ગયા હતાં.. અનેક જગ્યાએ પતરા પણ નીચે પડ્યા હતા.. આ બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.. શહેરના વસ્ત્રાપુર, નારણપુરા, ઘાટલોડિયા, વાડજ, શાહીબાગ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો..

અમદાવાદની સાથે પાટનગર ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો.. ભારે પવનના કારણે ગાંધીનગરમાં ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બની હતી.. ભારે પવન અને ધૂળની ડમરીઓ ઊડ્યા બાદ ગાંધીનગર શહેરમાં વરસાદ શરૂ થયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા તેમજ ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કરાં સાથે વરસાદ પડ્યો હતો તેમજ ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈને ગિરનારા તેમજ હુડા ગામમાં લોકોનાં ઘરોનાં પતરાં ઊડ્યાં હતાં તેમજ આશ્રમ શાળામાં પણ ભારે નુકસાન સર્જાયું હતું.. બપોરે આવેલા પવન સાથે વરસાદે કપરાડા તાલુકાના કેટલાં ગામોમાં ભારે નુકસાન સર્જ્યું છે.. 

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ઉનાળો પાકોને નુકસાન પહોંચ્યું છે.. કેરી સહિતના પાકો પકવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે.. કેમ કે, કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાય રહી છે.. સૌથી વધારે કેરીને નુકસાન થશે.. હવામાનને કારણે કેરીના ઝાડ પરથી કાચી કેરી ઉતરવાની તેમની નોબત આવી છે.. આ વખતે અંદાજિત 50 ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

રાજ્યમાં આગામી 4 દિવસ કમોસમી વરસાદનો માર રહેશે.. જેમાં ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે.. ત્યારે ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મોટી ઘાત સમાન છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news