હવે બેંકમાં જમાં કરાવેલા ચેક પણ સલામત નથી! ગુજરાતમાં આ શાતિર ચેક ચોરની કહાણી સાંભળી લેજો

ઔદ્યોગિક નગરી વાપીમાં આવેલી બેંકો માંથી છેલ્લા કેટલાક સમયથી લાખો રૂપિયાના ચેકની ચોરી થતી હોવાની ઘટનાઓ બની રહી હતી . વાપી જીઆઇડીસીમાં આવેલી બેંક ઓફ બરોડા માંથી 4 લાખ અને 1 લાખ સહિત ની કિંમતના ચેકો ની ચોરી થઈ હતી.

હવે બેંકમાં જમાં કરાવેલા ચેક પણ સલામત નથી! ગુજરાતમાં આ શાતિર ચેક ચોરની કહાણી સાંભળી લેજો

નિલેશ જોશી/વાપી: અત્યાર સુધી આપે બેંકમાંથી ગ્રાહકો પાસેથી રોકડ રકમની છેતરપિંડી કરી ગઠિયાઓ ફરાર થવાના કિસ્સાઓ સાંભળ્યા હસે. જોકે હવે બેંકમાં ચેક પણ જમા કરવવા જઈ રહ્યા હોય તો સાવધાન થઈ જજો.. કારણે કે હવે બેંકમાં જમાં કરવામાં આવેલ ચેક પણ સલામત નથી. વાપી જીઆઇડીસી પોલીસે એક એવા ચેક ચોરને ઝડપ્યો છે.. જેને અનેક બેંકોમાંથી લાખો રૂપિયાના ચેકની ચોરી કરી અને બારોબાર રૂપિયા ઉપાડી અને ચાઉ કરી જતો હતો. આ શાતિર ચેક ચોરની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે ..ત્યારે કોણ છે આ ચેક ચોર અને કેવી રીતે ચેકની ચોરી કરતો હતો?? અને ચેક ચોરી કર્યા બાદ કેવી રીતે તે રોકડી કરી લેતો હતો??

ઔદ્યોગિક નગરી વાપીમાં આવેલી બેંકો માંથી છેલ્લા કેટલાક સમયથી લાખો રૂપિયાના ચેકની ચોરી થતી હોવાની ઘટનાઓ બની રહી હતી . વાપી જીઆઇડીસીમાં આવેલી બેંક ઓફ બરોડા માંથી 4 લાખ અને 1 લાખ સહિત ની કિંમતના ચેકો ની ચોરી થઈ હતી. ત્યારબાદ axis bank માંથી પણ કોઈ અજાણ્યો ઇસમ લાખોના ચેકની ચોરી કરી ગયો હોવાનું પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ પહોંચી હતી .. બેંકમાંથી ચેક ની ચોરી થયા બાદ ચોરી કરેલા ચેકના બદલામાં રોકડા રૂપિયા ઉપાડી ને રોકડી કરી લેવામાં આવતા હતા.. એક પછી એક બેંકોમાંથી લાખોના ચેકની ચોરી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. આથી પોલીસે જિલ્લાની બેંકમાંથી ચેક ની ચોરી કરી અને બારોબાર રોકડી કરી તરખાટ મચાવતાં આ ચેક ચોર ને ખડપવા પ્રયાસો હાથ ધર્યા હતા.

જિલ્લાની બેંકો માંથી લાખો રૂપિયાના ચેક ની ચોરી કરી રોકડી કરી તરખાટ મચાવતા આ ચેક ચોર ને ઝડપવા વલસાડ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી.. કેસની તપાસ માટે જિલ્લા પોલીસે વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી ની બેન્કોને પણ જાણ કરી હતી. તપાસ દરમિયાન એક બેંકમાંથી ચોરી કરેલા ચેક ના બદલે રોકડ રકમ ઉપાડી ગયેલા એક વ્યક્તિના સીસીટીવી ફૂટેજ અને બેંક કર્મચારીઓ એ કરેલા વર્ણન મુજબનો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

તપાસ દરમિયાન એક બેંકમાંથી આવો જ વ્યક્તિ ચેક ના બદલે નાણાંની રોકડી કરી કરવા આવ્યો હોવાની પોલીસને જાણ થતા પોલીસે આરોપી ને ઝડપી લીધો હતો.. ઝડપાયેલો આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા મહારાષ્ટ્રના પાલઘરનો રહેવાસી છે. જે પાલઘર થી સ્પેશિયલ ગાડી ભાડે કરી અને વાપી અને વલસાડ જિલ્લાની વિવિધ બેન્કોમાં જતો હતો. ત્યારબાદ યુક્તિ પ્રયુક્તિ થી તે બેંકો માંથી ચેક ની ચોરી કરી અને બેંકની અન્ય બ્રાન્ચો માંથી રોકડ રકમ ઉપાડી અને ચેક ની રોકડી કરી લેતો હોવાનું બહાર આવ્યું હતું .

આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા પોલીસના હાથે દબોચ્યા બાદ વલસાડ પોલીસે તેની આગવી સરભરા કરી અને પૂછપરછ કરતા પોલીસ નો તાપ નહીં સહન કરી શકતા આખરે આરોપીએ પોપટની જેમ ગુના કબુલ કર્યા હતા. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આરોપી પિયુષ જ્ઞાનેન્દ્ર શર્મા વિવિધ બેન્કોમાં જતો હતો. ક્યારેક તે બેંકના ચેક જમા કરાવવાના કાઉન્ટર પર પાસે જઈ અને કોઈને કોઈ બહાને કર્મચારીઓની નજર ચૂકવી અને ચેકોની ચોરી કરતો હતો. સાથે જ બેંકમાં ચેકના ડ્રોપ બોક્સમાં કોઈ ગ્રાહક ચેક જમા કરવામાં આવે તો ચેક જમા કરતી વખતે ગ્રાહક ચેકની સ્લીપ ભરતી વખતે તે ચેક ની વિગતો જાણી લેતો હતો.

ગ્રાહક ચેક નાખી અને બેંકમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી બેન્કકરમીઓ પાસે જઈ અને પોતે ભૂલ થી ચેક ડ્રોપ બોક્ષમાં નખાઈ ગયો હોવાનું ખોટું બોલી ને બોક્સમાંથી ચેક પરત લઈ લેતો હતો અને ત્યારબાદ એક સોફ્ટવેરની મદદથી તે ચેક માં રહેલા નામ સાથે પોતાના ફોટા સાથેના બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી અને બેંકની અન્ય બ્રાન્ચમાંથી તે ખોટા ઓળખકાર્ડ બતાવી અને ચેકની રોકડી કરી લેતો હોવાનું બહાર આવ્યું હતું. આ ચેક ચોરની તપાસમાં અત્યાર સુધી વલસાડ જિલ્લા ઉપરાંત છેક ભરૂચ અને અંકલેશ્વરની બેંકોમાં પણ આરોપીએ આવી કરામત આચરી હોવાનું બહાર આવ્યું છે.

અત્યાર સુધી પોલીસે આ ચેક ચોરે આચરેલા ત્રણથી વધુ છેતરપિંડીના ગુનાઓના ભેદ ઉકેલમાં સફળતા મળી છે. જોકે આરોપી હવે પોલીસ રિમાન્ડ હેઠળ છે .આથી આગામી સમયમાં હજુ પણ આરોપીએ આચરેલા અન્ય ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે. હવે બેંકમાંથી ન માત્ર રોકડ રકમની છેતરપિંડી કરતા ગઠિયાઓ ની સાથે હવે ચેક ચોરો પણ બેંક માં તરખાટ મચાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે .માટે આપ પણ જો બેંકમાં રોકડા રૂપિયા કે ચેક જમા કરવા જઈ રહ્યા હોય તો.. સાવધાન થઈ જજો.. આપની એક ચૂક આપને ભારે પડી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news