એક અસંતોષની આગ ઠરે ત્યાં બીજે ભડકો : આજે રાજકોટ, આણંદ અને વડોદરામાં બબાલ

Gujarat Politics : રાજકોટ, વડોદરા અને આણંદમાં ભાજપના કદાવર નેતાઓએ પોતાનો અસંતોષ જાહેરમાં કાઢ્યો છે. જેની પર ભાજપ લીપાપોથી કરી રહી છે. માંડ પાર્ટી લોકસભાની ચૂંટણી માટે સક્રિય થાય છે ત્યાં નવો વિવાદ દરવાજે આવીને ઉભો રહી જાય છે

એક અસંતોષની આગ ઠરે ત્યાં બીજે ભડકો : આજે રાજકોટ, આણંદ અને વડોદરામાં બબાલ

Gujarat BJP : ગુજરાત ભાજપમાં અસંતોષની આગ ભડકી રહી છે. એક અસંતોષની આગ ઠરે ત્યાં બીજે ભડકો થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત ભાજપમાં કોઈ પેટ્રોલ છાંટી રહ્યું હોય એમ વિવાદો બહાર આવી રહ્યાં છે. ખરેખર બિનલાયકને શિરપાંવ અને સાચા કદ મુજબ વેતરાય છે એવા આક્ષેપો થઈ રહ્યાં છે. પાટીલ માંડ એક આગ ઠારે ત્યાં બીજો વિવાદ ઉભો થાય છે. પાટીલ જૂથ સામે પત્રિકાકાંડ, અમદાવાદમાં પ્રદીપસિંહ વાઘેલાના વિવાદ બાદ જામનગરમાં મહિલા ત્રિપૂટીએ જાહેરમાં બખેડો કરતાં ભાજપના આંતરિક અસંતોષના ભવાડા જાહેરમાં આવી ગયા છે. આજે ફરી સ્થિતિ રિપિટ થઈ છે. રાજકોટ, વડોદરા અને આણંદમાં ભાજપના કદાવર નેતાઓએ પોતાનો અસંતોષ જાહેરમાં કાઢ્યો છે. જેની પર ભાજપ લીપાપોથી કરી રહી છે. માંડ પાર્ટી લોકસભાની ચૂંટણી માટે સક્રિય થાય છે ત્યાં નવો વિવાદ દરવાજે આવીને ઉભો રહી જાય છે. આ સ્થિતિ રહી તો ભાજપની હાલત કોંગ્રેસ કરતાં પણ બદ્તર થઈ જશે. શિસ્ત બદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં જાહેરમાં બળાપો કાઢવાની રીતસરની મનાઈ છતાં નેતાઓ જાહેરમાં ખુલ્લેઆમ બળાપો ઠાલવી રહ્યા છે. એનો મતલબ એવો નીકળી રહ્યો છે કે ભાજપમાં વિખવાદો વધી રહ્યાં છે અને કોઈ રીતસરની આગ ભડકાવી રહ્યું છે. 

અમૂલના ચેરમેને કહ્યું, ક્યારે હું પડું તેની રાહ જોઈને પાર્ટીમાં લોકો બેસે છે
આજે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી ખેંચતાણ અંગે નિવેદન આપ્યું છે. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે કરમસદ મેડીકલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શિસ્તબઘ્ધ પાર્ટીની ખેંચતાણ અંગે જણાવ્યું છે. એમને જાહેરમાં ખુલાસો કર્યો છે કે અમારી પાર્ટીમાં પણ ખેંચતાણ ચાલે છે. ક્યારે હું પડું તેની રાહ જોઈને પાર્ટીમાં લોકો બેસે છે. આપણે ક્યારે પદ પરથી હટીયે અને જગ્યા થાય તેની રાહ જોનારા પાર્ટીમાં છે. મને ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકનો ચેરમેન બનાવતા પાર્ટીના કેટલાકને ગમ્યું ન હતું. આણંદમાં વિપુલ પટેલ ભાજપના મોટા નેતા છે અને સંગઠનના ચાર હાથ હોવા છતાં એમને ખસેડવા માટે પાર્ટીના કેટલાક નેતાઓ સક્રિય હોવા મામલે એમણે બળાપો ઠાલવ્યો છે. જેની અસર પાર્ટી સંગઠન પર પડી રહી છે. રામસિંહ પરમારને હટાવીને વિપુલ પટેલને આણંદ ડેરીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એ સમયે ભાજપે પણ મોટો ખેલ પાડ્યો હતો. હવે તેનું રિએક્શન સામે આવી રહ્યું છે. 

વડોદરામાં શબ્દશરણ બ્રહ્મભટ્ટના શબ્દો, 1ની સામે 1ને ઊભો કરાયે તો એ રાજનીતિ....
વડોદરામાં ભાજપના નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટે ટ્વીટ કરી નારાજગી વ્યક્ત કરી છે. એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 1 સાથે 1 મળીને 2 થાય તો એ ગણિત... 1ને 1 સાથે મળવા ના દેવાય તો એ કૂટનીતિ.. 1ની સામે 1ને ઊભો કરાયે તો એ રાજનીતિ.... સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. શબ્દશરણ બ્રહ્મભટ્ટ એ પૂર્વ પ્રદેશ મહામંત્રી અને વડોદરા પૂર્વ મેયર છે. એમને કોની સામે બળાપો કાઢ્યો એ જાહેરમાં નથી આવ્યું પણ વડોદરામાં બધુ સમૂસૂતરું ચાલી રહ્યું નથી એ ઘટનાએ સાબિત કરી દીધું છે. એમને ટ્વીટર પર વ્યંગ કરતી પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. ભાજપ નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટે આ પ્રકારની પોસ્ટ કરતાં ભાજપમાં કોલ્ડ વોર ચાલતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજકોટમાં કવિતા કાંડ
રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમ સપાટી પર પહોંચ્યો છે. વિધાનસભાની ચૂંટણી બાદ રાજકારણમાં જેનો પ્રભાવ વધ્યો તેઓ મામકાવાદ ચલાવતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેર ભાજપમાં અસંતોષના લબકારા કવિતારૂપે પ્રગટ થયા છે. ભાજપમાં પત્રિકાકાંડ બાદ રાજકોટમાં કવિતાકાંડથી રાજકારણ ગરમાયું છે. કવિતામાં કવિએ લખ્યું, ભાજપમાં જી હજૂરીયા અને સગાવાદને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. મુખર્જી અને દિન દયાલના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો કવિએ વ્યક્ત કર્યો છે. સાથે જ શિક્ષણ સમિતિમાં કૌભાંડોમાં સંડોવાયેલાને સંગઠનમાં હોદ્દાઓ આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગુઠો કાપી લેવાય છે તેવા ચાબખાથી રાજકોટનું રાજકારણ ગરમ બન્યું છે.

કાંઇક તો ખામી હશે.. મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં
જ્યાં ખોટાને શિરપાવ મળે.. સાચા કદ મુજબ વેતરાય જાય..
નેતાના જૂના મિત્રો હોવાનો બિનલાયકને શિરપાવ મળે છે સાચા કદ મુજબ વેતરાય જાય છે.
કામ કરનારની કોઇ કદર નથી.. ગુરુના ચેલા ચાલી જાય છે..
અર્જુનને આગળ વધારવા એકલવ્યનો અંગૂઠો કાપી લેવાય છે.. સમય એ પણ હતો
જ્યારે મહાદેવને પગે લાગતા..
આજે મામાના ભાણા બનવું પડે છે. સાચા કદ મુજબ વેતરાય જાય છે.
જૂનું થઇ ગયું.. જમીની કામ કરવું.. સાબિત થઇ ગયું કે જન્મદિવસના ફોટા મૂકીને પણ નેતા બનાય છે..
જૂનું થઇ ગયું... સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા..સાબિત થઇ ગયું કે સંગઠનમાં આવી એટલે સ્વચ્છ થઇ ગયા..
જૂનું થઇ ગયું... આવડત અને ક્ષમતાનો ફાયદો લેવો.. સાબિત થઇ ગયું કે મારા હોય ક.........અભદ્ર શબ્દ પ્રયોગ) હોય એજ ચાલી જાય.. 
જૂનું થઇ ગયું...પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનું ..
સાબિત થઇ ગયું કે છેલ્લા 8, 10 દી’ મોટા આકાની સામે ફરી લઇ એ ચાલી સલામતી જાય છે..

રાજકોટમાં વાયરલ થયેલી આ કવિતા અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું કે, મેં વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાંચી છે, કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશે. આટલો વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાય. સાચો કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાશે. તમામ કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરાશે. આટલી મોટી પાર્ટીમાં કોણે લખી છે એ હજુ ખ્યાલ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news