ગુજરાતમાં ખેતીનો ટ્રેન્ડ બદલાયો, ચોખ્ખો નફો રળી લેવા ઔષિધીઓની ખેતી તરફ વળ્યા
Aatmanirbhar Gujarat : વરસાદની અનિયમિતતાના પગલે ગુજરાતના ખેડૂતો ખેતીમાં ટ્રેન્ડ બદલી રહ્યા છે. અન્ય ખેતી છોડી ઔષધિઓની ખેતી કરવા લાગ્યા છે. આયુર્વેદમાં સૌથી વધુ માંગ છે તેવી અશ્વગંધાની ખેતી દાંતાના ખેડૂતોએ શરૂ કરી છે, જેમાંથી સારી કમાણી પણ કરી રહ્યા છે
Trending Photos
પરખ અગ્રવાલ/અંબાજી :દાંતા તાલુકામાં મહતમ ખેડૂતો સિઝનેબલ પાક મેળવી પોતાનું ઘર ગુજરાન ચાલવતા હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી વાતાવરણની અનિયમિતતાને લઇ ખેડૂતોએ પણ ખેતીવાડીનો ટ્રેન્ડ બદલ્યો છે. હવે આયુર્વેદિક ખેતી તરફ વળી રહ્યા છે. જેના થકી તેઓ મલબક કમાણી શકે.
ખેડૂતો આયુર્વેદિક ઔષધિની ખેતી તરફ વળ્યા
દાંતા તાલુકામાં જમીનની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે. અહીં ઢાળ ઢોળાવવાળી જમીન જોવા મળે છે. એટલુ જ નહિ, આ વિસ્તારમાં કોઈ પણ પાણીની મોટી કેનાલ કે મોટો ડેમ નથી. જેના સહારે ખેડૂતો ખેતીનો પાક લઇ શકે. છેલ્લા કેટલાક સમયથી વરસાદની અનિયમિતતાના કારણે દાંતા તાલુકાના ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેને લઇ સિઝનેબલ પાકને મોટું નુકસાન પણ થયું હતું. આ કારણે સ્થાનિક ખેડૂતો હવે ખેતીવાડીનો ટ્રેન્ડ બદલી રહ્યા છે. દાંતા તાલુકાના કુંભારિયા પંથકમાં કેટલાક ખેડૂતોએ અનાજનું વાવેતર છોડી આયુર્વેદિક ઔષધિની સફળ ખેતી કરી છે.
ગમે તે સીઝનમાં કરી શકાય છે અશ્વગંધાની ખેતી
મોટાભાગના વિસ્તારોમાં અશ્વગંધા ઔષધિનું વાવેતર કરી એક નવી રાહ ચીંધી છે. આ અશ્વગંધાની ખેતીથી ખેતીવાડીમાં મોટો ફાયદો થતા હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે. ખાસ કરીને આ અશ્વગંધાની ખેતી કોઈ પણ સીઝનમાં કરી શકાય છે. તેને વાતાવરણની કોઈ જ અસર થતી નથી. સાથે જ અશ્વગંધાના છોડમાં તેના મૂળથી લઇ ફૂલ અને પાંદડાની પણ મોટી ઉપજ થતી હોવાથી વધુ આવક મળી જાય છે. આ ખેતીથી કોઈ બીજી નુકશાની થતી નથી અને આ ખેતીવાડીમાં વધુ પડતી જાળવણી પણ રાખવી પડતી નથી. સમયાંતરે પિયત આપી છોડવા મોટા થાય સાથે ફળ ફૂલ લાગી જાય તો તેને ઉખાડી લેવાય છે. તેના તમામ અંગો જુદા કરી આયુર્વેદ બજારમાં પોષણક્ષમ ભાવ સાથે તેનો નિકાલ પણ થઇ જતો હોય છે.
સ્થાનિક ખેડૂત તુલસીરામ જોશી કહે છે કે, આવી આયુર્વેદિક ઔષધિની ખેતીવાડીને આયુર્વેદિક નિષ્ણાતો પણ આવકારી રહ્યા છે. જ્યાં એક તરફ આયુર્વેદ ઉપચાર તરફથી લોકો વળી રહ્યાં છે, ત્યારે આયુર્વેદ ઉપચાર જે વિવિધ રોગોને જડમૂળથી નાશ કરતું હોય છે, ને આવી ખેતીવાડીથી ફરીથી આયુર્વેદ ઉપચારને પણ વેગ મળશે.
હાલમાં કુમ્ભારીયા જ નહીં પણ દાંતા વિસ્તારના અનેક ખેતરોમાં આયુર્વેદિક ખેતીવાડીની શરૂઆત થઇ છે. અશ્વગંધા ખેતીની સફળતા બાદ અન્ય આયુર્વેદિક ઔષધિની પણ ખેતી શરૂ કરવાનો વિચાર સ્થાનિક ખેડૂતો દ્વારા કરાયો છે. હાલના તબક્કે આવી ઔષધિનું વેચાણ મહત્તમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં થાય છે. ગુજરાત રાજ્ય સરકાર પણ સ્થાનિક સ્તરે આવી ખરીદી શરૂ કરે તો ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે