વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ, ડુપ્લીકેટ પાસપોર્ટ દ્વારા અમેરિકામાં ઘૂસણખોરી કરાવાતી

વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ, ડુપ્લીકેટ પાસપોર્ટ દ્વારા અમેરિકામાં ઘૂસણખોરી કરાવાતી
  • ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરી યુ.એસમાં ઘૂસણખોરી કરાવવાનું રેકેટ ઝડપાયું
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની કરી ધરપકડ 
  • ખોટા દસ્તાવેજ બનાવડાવી ગેરકાયદેસર રીતે રૂપિયા લઈ અમેરિકા મોકલવા ચાલતી સિન્ડિકેટ 

મૌલિક ધામેચા/અમદાવાદ :ગાંધીનગર પોલીસે કરેલ કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ બાદ એક પછી એક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવો જ વધુ એક કબૂતરબાજીના રેકેટનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી કરોડો રૂપિયા લઈ ગેરકાયદે રીતે લોકોને વિદેશમાં મોકલતા હતા. 

ડુપ્લીકેટ પાસપોર્ટ ઈશ્યુ કરાવી ભારતીય નાગરિકોને ગેરકાયદેસર યુ.એસ બોર્ડરથી ઘૂસણખોરી કરાવવાના રેકેટમાં સંડોવાયેલા ચાર આરોપીઓ પ્રજાપતિ રાજુ, હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા રજત ચાવડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મહેસાણાના આરોપી હરેશ પટેલ અને તેનો પુત્ર હાર્દિક પટેલ છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. અત્યાર સુધીમાં 30 જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તથા વિઝા કઢાવી વિદેશ મોકલી આપ્યા છે. આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને યુ.એસ જવું હોવાથી તેઓએ આરોપી પિતા-પુત્રનો સંપર્ક કર્યો હતો. જો કે યુ.એસ જવા માટે ફેમેલી ગ્રૂપ વિઝા પ્રોસિઝર કરવા માટે રજત ચાવડાએ રાજુ પ્રજાપતિનો રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ અને શિલ્પાનો રાજેન્દ્રની પત્ની કામિની પટેલ નામનો ખોટો પાસપોર્ટ બનાવીને બંનેને પતિ-પત્ની તરીકે દર્શાવ્યા હતા. 

ખોટા પાસપોર્ટના આધારે બંનેએ નાઇઝેરીયાના વિઝા માટે દિલ્હી જઇ અરજી કરી હતી. તેના આધારે નાઇઝેરીયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવી યુ.એસ મેક્સિકો બોર્ડરથી યુ.એસ રેફ્યુઝી કેમ્પમાં મોકલી હંગામી અમેરિકન સિટીઝનશીપ અપાવી સ્થાયી કરાવવાનું પ્લાનિંગ હતું. આ બાબત ક્રાઇમ બ્રાન્ચના ધ્યાન પર આવતા આખા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 

આરોપીઓ દિલ્હી ખાતેના એજન્ટો મારફતે સમગ્ર નેટવર્ક ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેઓ એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ રૂપિયા લેતા હતા. તેના બદલામાં જેતે વ્યક્તિને કે પરિવારને ભારતમાંથી ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી આપી વિદેશના રેફ્યુજી કેમ્પમાંથી બહાર લાવવાની જવાબદારીઓ એજન્ટો લેતા હતા. જ્યારે સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ તેઓના પેમેન્ટની ચૂકણી કરવામાં આવતી હતી. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે બનાવટી પાસપોર્ટ કઢાવી વિદેશ મોકલ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ડિંગુંચાના પટેલ પરિવાર પણ એજન્ટ મારફતે યુ.એસ જવાના હતા, જ્યાં યુ.એસ બોર્ડર પર બરફની હિમવર્ષામાં બે બાળકો સાથે પરિવાર મોતને ભેટ્યો હતો. પરંતુ આવા એજન્ટો દ્વારા આખા પરિવારને સવા કરોડ રૂપિયામાં યુ.એસ મોકલવાનું રેકેટ ચાલે છે. જેમાં મોટાભાગના લોકો ગેરકાયદેસર યુ.એસ પહોંચી પણ ગયા છે. કારણકે વિદેશ જવાની ઘેલછામાં કરોડો રૂપિયા ખર્ચી ગેરકાયદે વિદેશ જતા હોય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news