ગોંડલ: ગોડાઉનમાં કરોડો રૂપિયાની મગફળી સ્વાહા થવા મામલે થયો મોટો ખુલાસો, 6ની ધરપકડ

રાજકોટના ગોંડલ પાસે આવેલા વેરહાઉસમાં રાખવામાં આવેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના મામલે CID ક્રાઈમને મોટી સફળતા મળી છે. 

ગોંડલ: ગોડાઉનમાં કરોડો રૂપિયાની મગફળી સ્વાહા થવા મામલે થયો મોટો ખુલાસો, 6ની ધરપકડ

ગોંડલ: રાજકોટના ગોંડલ પાસે આવેલા વેરહાઉસમાં રાખવામાં આવેલી મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના મામલે CID ક્રાઈમને મોટી સફળતા મળી છે. આ અંગે CIDના DIG દિપાંકર ત્રિવેદીએ પત્રકાર પરિષદનું આયોજન કરીને માહિતી આપી. કેસમાં ગઈ કાલે ફરિયાદ નોંધાઈ હતી અને 6 લોકોની ધરપકડ  કરાઈ હતી. તપાસ દરમિયાન વેલ્ડિંગના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. 6 પૈકીના 4 આરોપીઓ વેલ્ડિંગનું કામ કરનાર તથા ગોડાઉનના માલિક દિનેશ સેલાણીની પણ ધરપકડ કરાઈ છે. 

CIDના DIG દિપાંકર ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં વધુમાં કહ્યું હતું કે મગફળીના આ ગોડાઉનમાં પતરા સાંધવાના હેતુથી પતરા કપાતા હતાં ત્યારે તણખા ઝરતા આગ લાગી હતી. આ આગ લગાડી નહતી પરંતુ લાગી હતી. 6 લોકોની બેદરકારી સામે આવતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. વેલ્ડિંગ માટે વીજ કનેક્શન બાજુની રઘુવીર જીનિંગમાંથી લેવાયું હતું. ત્રિવેદીએ એમ પણ કહ્યું કે હજુ પુરાવા મળશે તેમ ધરપકડ કરાશે. ધરપકડ કરાયેલા આ 6 લોકોના 10 દિવસના રિમાન્ડની માગણી કરાઈ છે. 

અત્રે જણાવવાનું કે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે. સરકાર વતી ગુજકોટ અને નાફેડ આ મગફળી ખરીદવાનું કાર્ય કરે છે. ત્યારે ખેડૂતો પાસેથી ખરીદાયેલી મગફળી ગોંડલ પાસે આવેલા વેરહાઉસમાં રાખવામાં આવી હતી. જે ગોડાઉનમાં મગફળી રાખવામાં આવી હતી તે જગ્યાએ ગત મંગળવારે ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાં આશરે 2 લાખ બોરી જેટલી મગફળીનો જથ્થો હતો. આ ઘટનાની જાણ થતા ગોંડલ, જેતપુર, રાજકોટ અને ધોરાજીના ફાયરફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

મળતી માહિતી મુજબ શહેરના ઉમવાળા રોડ ઉપર આવેલ રામરાજ જીનિંગ મિલના વેરહાઉસમાં ગુજકોટ અને નાફેડ દ્વારા ખરીદવામાં  આવેલ અંદાજે બે લાખ બોરી મગફળીના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયરફાઈટરો દોડી ગયા હતા.  થોડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. શહેરમાં આગના ધૂમાડા દેખાતા હતા. આ ઘટનાની જાણ થતા ડે.કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, ગોંડલ પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

વેરહાઉસના મેનેજર મગનલાલ ઝાલાવાડીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ, પોરબંદર, અને જામનગર વિસ્તારમાંથી ટેકાના ભાવથી ખરીદાયેલી  અંદાજે બે લાખ બોરી મગફળીનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો. સાંજના સમયે વેરહાઉસના સિક્યોરિટીનું ધ્યાન જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

એક બોરીમાં 35 kg મગફળીનો જથ્થો ભરવામાં આવે છે. આ બોરીની ખરીદી રૂ 1575ના ભાવે થયેલી હતી, જેમાં રૂ 250 ખર્ચ ચડતા સરકારને 1800 રૂપિયાની પડતર થવા પામી હતી, ત્યારે આવી બે લાખ બોરી બળીને ખાખ થઈ જતાં અંદાજે રૂપિયા 36 કરોડ રૂપિયાની મગફળીનો નાશ થવા પામ્યો હતો.

આગનું વિકરાળ સ્વરૂપ જોવા લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા હતા અને ચર્ચા કરવા લાગ્યા હતા કે આગ ખરેખર લગાડવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, ટેકાના ભાવની ખરીદીમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોય શકે છે તેથી આ કૌભાંડ બહાર ન આવે તે માટે આગ લગાડવામાં આવી છે. ખરેખર સત્ય શું છે તે તપાસનો વિષય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news