માત્ર 15 પૈસા પ્રતિકિમીના ખર્ચે માણો પેટ્રોલવાળા ટુ વ્હીલરની સવારી, ગુજરાતીનું સફળ પરિક્ષણ

અમદાવાદના વિપુલ પટેલ દ્વારા તૈયાર કરાયેલી બેટરી અને મોટર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં 90 ટકા સુધી રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે. બેટરીથી વાહન ચલાવતા માત્ર 15 પૈસા પ્રતિકિમી ખર્ચ થાય છે

માત્ર 15 પૈસા પ્રતિકિમીના ખર્ચે માણો પેટ્રોલવાળા ટુ વ્હીલરની સવારી, ગુજરાતીનું સફળ પરિક્ષણ

અતુલ તિવારી, અમદાવાદ: સતત વધતાં પેટ્રોલ, ડીઝલ, CNG ગેસના ભાવથી પરેશાન લોકો માટે બેટરીનો સફળ વિકલ્પ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા ટુ વ્હીલરમાં બેટરી ફીટ કરી સફળ પરીક્ષણ કરાયું છે. પેટ્રોલ-ડીઝલથી ચાલતા ટુ વ્હીલર ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાવે છે, જ્યારે વાહન બેટરીથી ચાલે છે તો વાયુ અને ધ્વનિ પ્રદૂષણથી પણ મુક્તિ મળે છે.

અમદાવાદના વિપુલ પટેલ દ્વારા તૈયાર કરાયેલી બેટરી અને મોટર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં 90 ટકા સુધી રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે. બેટરીથી વાહન ચલાવતા માત્ર 15 પૈસા પ્રતિકિમી ખર્ચ થાય છે. એકવાર 3 કલાકમાં બેટરી ચાર્જ કર્યા બાદ વાહન 80 કિલોમીટર સુધી ચાલવાનો દાવો કર્યો છે. બેટરી પર બે વ્યક્તિ મુસાફરી કરે તો 70 ની સ્પીડથી વાહન ચાલે છે.

બેટરી એકવાર ડીસચાર્જ થયા એટલે પેટ્રોલ- ડીઝલના સહારે પણ ચલાવી શકાય છે. બેટરી ઉતરી ગયા બાદ પેટ્રોલ અથવા ડીઝલ પર વાહન ચાલે એટલે બેટરી પણ ચાર્જ થાય છે. ઈલેક્ટ્રીસીટી સિવાય પેટ્રોલ પર વાહન ચાલે એટલે બેટરી પણ જાતે જ ચાર્જ થાય છે. એન્જીનીયર એવા વિપુલભાઈ પોતે જનરેટર અને મોટર બનાવવાના કામકાજ સાથે જોડાયેલા છે.

પેટ્રોલ-ડીઝલની કિંમત સતત વધતા વાહન બેટરીથી ચાલી શકે એવો પ્રયાસ શરૂ કર્યો છે. બેટરી અને મોટરની કીટ તૈયાર કરવામાં વિપુલભાઇને 1 મહિનાનો સમય લાગ્યો હતો. 10 કિલો વજન ધરાવતી બેટરી અને મોટરની કીટ કોઈપણ એક્ટિવા, બાઈક અથવા બુલેટમાં ફીટ થાય છે. બેટરી પર એક્ટિવા સાથે બે લોકો પાવાગઢ પર સફળતાપૂર્વક વાહન પહોંચ્યું હોવાનો દાવો કરાયો છે.

આ કીટને બજારમાં ઉતારવા જરૂરી નાણાકીય સહાય અને માર્ગદર્શન વિપુલ પટેલને ગુજરાત યુનિવર્સીટીના GUSEC તરફથી મળી છે. GUSEC દ્વારા આ મોડેલને 10 દિવસમાં મંજૂરી આપવામાં આવી છે. વિપુલ પટેલને આ કીટ તૈયાર કરવા માટે સરકાર તરફથી 4 લાખ રૂપિયાની આર્થિક મદદ મળી, તેમજ હજુ પણ વધારાની ગ્રાન્ટ માટે પ્રક્રિયા ચાલી રહી છે.

અંદાજે 40 હજાર રૂપિયામાં બેટરી અને મોટરની બજારમાં કીટ ઉપલબ્ધ થશે. બેટરી ડેકીમાં અથવા સાઈડમાં ફીટ થશે, જ્યારે મોટર પાછળના ટાયરમાં ફીટ કરવાની રહે છે. બેટરીની 3 વર્ષ માટે વોરંટી આપવામાં આવશે. આ સંપૂર્ણ કીટનું ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરાયું છે. www.wheelectric.in પરથી કીટની સંપૂર્ણ માહિતી અને બુકિંગ કરાવી શકાશે. વિપુલ પટેલ હાલ ટુ વ્હીલરમાં બેટરીના સફળ પરીક્ષણ બાદ ફોર વ્હીલરમાં પણ બેટરી લગાવી પરીક્ષણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news