ગણતરીના કલાકોમાં કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી, કહ્યું-'પક્ષની સિસ્ટમથી નારાજ, મારી કદર ન કરી'

કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારને ખેરાલુથી વિધાનસભા પેટાચૂંટણીની ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે. આગામી દિવસોમાં નવાજૂનીના સંકેત મળી રહ્યાં છે.

ગણતરીના કલાકોમાં કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી, કહ્યું-'પક્ષની સિસ્ટમથી નારાજ, મારી કદર ન કરી'

ઉદય રંજન, અમદાવાદ: આંતરિક વિવાદો અને જૂથવાદને કારણે ગુજરાતમાં કોંગ્રેસ (Gujarat Congress) ની હાલત છેલ્લાં ચાર વર્ષોમાં અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગત ચાર વર્ષોમાં કોંગ્રેસે (Congress) અનેક જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમા સત્તા ગુમાવવી પડી છે. તો અનેક ધારાસભ્યો પણ પાર્ટી છોડી ચૂક્યા છે. હજુ ગઈ કાલે જ જોવા મળ્યું કે વડોદરા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસે વડોદરા જિલ્લા પંચાયતની સત્તા ગુમાવી. ભાજપ (BJP)ના ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર નેતા ઈલાબહેન પંચાયતના પ્રમુખ બન્યા. 36માંથી 26 સભ્યોએ ઈલાબહેનના પક્ષમાં મત આપ્યા હતા. કોગ્રેસના બળવાખોર ઈલાબેન ચૌહાણ ભાજપમાં જોડાયા હતા. ગણતરીના કલાકોમાં વળી પાછા કોંગ્રેસના એક નેતાની નારાજગી બહાર આવી છે. આ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ખુલ્લેઆમ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરીને બળાપો કાઢ્યો છે. 

જુઓ VIDEO

કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારને ખેરાલુથી વિધાનસભા પેટાચૂંટણીની ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે. આગામી દિવસોમાં નવાજૂનીના સંકેત મળી રહ્યાં છે. ઝી 24 કલાકના સંવાદદાતા ઉદય રંજને નારાજ જયરાજ સિંહ પરમાર સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે તેઓ નારાજ છે અને આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં રજુઆત પણ કરી છે. જયરાજ સિંહે કહ્યું કે હું પક્ષની સિસ્ટમથી નારાજ થયો છું. મને ટિકિટ ન મળી એટલે હું નારાજ છું. મારા રગ રગમાં કોંગ્રેસ છે પરંતુ પાર્ટીએ મારી કદર કરી નથી. 

ખાસ વાતચીતમાં જયરાજ સિંહે કહ્યું કે "પક્ષમાં જે ચાલી રહ્યું છે તે બરાબર નથી. એના કારણે આ વાત ઊભી થઈ છે. મેં કઈ કોંગ્રેસ પક્ષ છોડવાની વાત કરી નથી. સતત એકધારો અન્યાય..અન્યાય..અન્યાય. અને ચોક્કસ લોકો મને ટારગેટ કરતા હોય તેવું લાગે  છે. મારો વાંધો એ છે કે જાહેર જીવનમાં આવેલી વ્યક્તિ કોઈ મોટી કોમની હોવી જોઈએ એવું કોણ કહે છે. ઘણા વખતથી ચોક્કસ લોકોનો પક્ષ પર કબ્જો થઈ ગયો છે. વાંધો કોઈ વ્યક્તિ સામે નહીં પરંતુ સિસ્ટમ સામે છે. મને પાર્ટીએ ખુબ અન્યાય કર્યો છે. મને 2007, 2012, 2017 દરેક વખતે ટિકિટની વાત આવે...કામ બધુ લઈ લે. અત્યારે તો પક્ષમાં એવી સ્થિતિ છે કે પાર્ટી પાસે કામ પણ નથી. અત્યાર મન અને દિલ વચ્ચેની લડાઈ ચાલી રહી છે." 

જુઓ LIVE TV

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ બધુ આગામી ચૂંટણીમાં ટિકિટ માટેની પ્રેશર ટેક્નિક છે તો તેમણે કહ્યું કે "18 વર્ષનો હતો ત્યારથી પડદા પોસ્ટર ચોટાડતો ચોટાડતો આટલે સુધી પહોંચ્યો છું. કોંગ્રેસની સેવા કરતા કરતા મારી આંખમાં મોતિયો આવી ગયો છે અને હ્રદયમાં સ્ટેન્ડ પણ મૂકાયું છે. હું કોંગ્રેસ માટે લડતા લડતા મરતા મરતા બચ્યો છું. હું કોંગ્રેસની પ્રથમ કેડરનો સૈનિક છું. કમનસીબી એ રહી કે કોંગ્રેસે મારી ક્ષમતાનો ઉપયોગ પણ ન કર્યો અને કદર પણ ન કરી." 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news