ગુજરાતમાં 'નકલી'ની ભારે બોલબાલા! હવે G-20ના નકલી એજન્ટે આ રીતે પાડ્યો લાખોનો ખેલ
સુરતની અડાજણ પોલીસે G-20ના નકલી એજન્ટ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસે ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ નામના ઇસનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: શહેરમાંથી નકલી પોલીસ નકલી ખાદ્ય પદાર્થ નકલી સરકારી ડોક્યુમેન્ટનું કૌભાંડ હવે સામાન્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતની અડાજણ પોલીસે G-20ના નકલી એજન્ટ બનીને લોકો સાથે છેતરપિંડી કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. અડાજણ પોલીસે ગોપાલ દેસાઈ ઉર્ફે ગોપાલ પટેલ નામના ઇસનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અડાજણ વિસ્તારમાં હોટલ સંચાલકે 29/09/2023ના રોજ ગોપાલ પટેલ નામના ઇસમ સામે એક છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં તેને ફરિયાદમાં જણાવ્યું હતું કે ગોપાલે G-20નું ટેન્ડર કે જે પોલીસ મકાન બાંધવાનું છે તે ગાંધીનગરમાંથી બહાર પાડવાનું છે અને આ ટેન્ડર અપાવવાની લાલચ આપીને હોટલ સંચાલક પાસેથી કટકે કટકે 28 લાખ રૂપિયા લઇ તેની સાથે છેતરપિંડી કરી હતી. મહત્વની વાત છે કે ગોપાલે બે વખત હોટલ સંચાલક પાસેથી પાંચ પાંચ લાખ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ આ પાંચ પાંચ લાખ રૂપિયાના બદલામાં છ છ લાખ રૂપિયા હોટલ સંચાલકને પરત આપ્યા હતા. આ પ્રકારે ગોપાલે હોટલ સંચાલકને પોતાના વિશ્વાસમાં લીધા હતા.
ત્યારબાદ G-20ના નકલી એજન્ટ બનીને ટેન્ડર પાસ કરાવી આપશે તેવું કહી હોટલ સંચાલક પાસેથી 28 લાખ રૂપિયા લીધા હતા અને ત્યારબાદ તે રફુચક્કર થઈ ગયો હતો. મહત્વની વાત છે કે આ ગોપાલ મોટા પોલીસ અધિકારી આર્મીમેન કે પછી અન્ય સરકારી અધિકારીઓ સાથે પોતાના ફોટાઓ પડાવી લેતો હતો. તેમની સાથે હાથ મિલાવતા ફોટાઓ લોકોને બતાવીને સરકારી અધિકારીઓ સાથે તેની સારી ઓળખાણ હોવાનું કઈ સરકારી કામ કરાવી આપવાનો કહી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. ત્યારે હાલ અડાજણ પોલીસે આ નકલી G-20ના એજન્ટની એટલે કે ગોપાલ પટેલની ધરપકડ કરી છે.
આરોપી ગોપાલે અનેક લોકોને પોતે પોલીસના એજન્ટ હોવાના નામે પણ છેતર્યા છે. ત્યારે આ બાબતે પણ હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ આ ગોપાલ સામે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ 2019માં એક છેતરપિંડીનો ગુનો આ ગોપાલ સામે નોંધાયો છે. પ્રાથમિક પૂછપરછ માં સામે આવ્યું છે કે ગોપાલે કેટલાક લોકો પાસેથી રોકડા રૂપિયા લીધા છે તો કેટલાક લોકો પાસેથી કોરા ચેક લીધા છે પરંતુ હવે આ બાબતે જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો જ તે જાણી શકાશે કે ગોપાલ એ કેટલા લોકો સાથે છેતરપિંડી કરે છે.
જોકે હાલ ગોપાલ સામે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં અગાઉ 2019માં છેતરપિંડીનો ગુનો દાખલ થયો હોવાના કારણે અડાજણ પોલીસે સરથાણા પોલીસને પણ આ બાબતે માહિતી આપી છે. તો બીજી તરફ ગોપાલ સામે ગુનો દાખલ થયા બાદ તે પોલીસથી બચવા માટે સીમકાર્ડના નેટવર્કનો ઉપયોગ કરવાના બદલે વાઇફાઇ નેટવર્કનો ઉપયોગ કરતો હતો અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે વાઇફાઇ નેટવર્કથી આરોપીનું લોકેશન મેળવી તેને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે