અમદાવાદમાં જાહેરમાં મહિલા પર ચાર રાઉન્ડ ફાઈરિંગ, સમગ્ર ઘટનાના સામે આવ્યા સીસીટીવી

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં રહેતા 51 વર્ષીય મુનિરાબીબી શેખ નામની મહિલા સોમવારે રાતના ફતેવાડીમાં આવેલા લોખંડવાલા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી રાતના 10 વાગે ઘરે જઈ રહ્યા હતા

અમદાવાદમાં જાહેરમાં મહિલા પર ચાર રાઉન્ડ ફાઈરિંગ, સમગ્ર ઘટનાના સામે આવ્યા સીસીટીવી

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદના જુહાપુરામાં સોમવારે મોડી રાત્રે લગ્નપ્રસંગમાંથી ઘરે પરત ફરી રહેલી મહિલાની હત્યા કરવા માટે બાઈક પર આવેલા બે શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કરી સમગ્ર વિસ્તારને માથે લીધું. મિલકતના વિવાદમાં મહિલા પર ફાયરિંગ થતા પોલીસે અલગ અલગ ટિમો કામે લગાડી આરોપીઓને પકડવા તજવીજ તેજ કરી છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરમાં રહેતા 51 વર્ષીય મુનિરાબીબી શેખ નામની મહિલા સોમવારે રાતના ફતેવાડીમાં આવેલા લોખંડવાલા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી રાતના 10 વાગે ઘરે જઈ રહ્યા હતા. તેવામાં ફતેવાડીમાં રિક્ષામાં પસાર થતી વખતે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ આડેધડ ફાયરિંગ કર્યું હતું. જે ફાયરીંગની ઘટનામાં મહિલાને ચાર જેટલી ગોળીઓ વાગતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવા પડ્યા.

મહત્વનું છે કે, આ ઘટના બની હતી ત્યારે મુનિરાબીબી રિક્ષામાં હતા તે સમયે જ મહિલાને ગોળીઓ વાગતા રિક્ષાચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક મહિલાને SVP હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરતાં મહિલાનો જીવ બચી ગયો છે. આ મામલે વેજલપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 2 પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મહિલા મુનીરાબીબીને તેના પિતાના માલિકીની જગ્યા વિરમગામના માંડલ તાલુકામાં આવેલી છે.

જે જમીન પર વર્ષ 2000 માં દીપક ઠક્કર સાથે કરાર કરીને વીસ વર્ષ માટે પેટ્રોલપંપ માટે જમીન ભાડે આપેલી. જે જમીન પરની લિઝ પૂર્ણ થતા મુનિરા બીબીને ભાડું આવવાનું બંધ થઈ ગયું અને જમીન ખાલી કરવાનું કહેતા દીપક ઠક્કર અને નવઘણ ભરવાડ દ્વારા અવારનવાર તેને ધમકી આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

મહત્વનું છે કે પેટ્રોલ પંપ સંચાલક દીપક ઠક્કર દ્વારા છેલ્લા બે વર્ષથી મુનીરા બીબીને જગ્યાનું ભાડું ન આપી તેમજ જગ્યા ખાલી ન કરી આપતા વિવાદ ચાલી રહ્યો હતો. તેવામાં મુનીરાબીબી પર ફાયરિંગ કરનાર વ્યક્તિઓમાં શકમંદ તરીકે દીપક ઠક્કર તેનો ભત્રીજો અને નવઘણ ભરવાડ સામે આક્ષેપ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર મામલે હાલ તો વેજલપુર પોલીસે આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.આ ઘટનામાં શંકાસ્પદ આરોપીને નવઘણ ભરવાડ વિરુદ્ધ 10 થી વધુ ગુનાઓ મારામારી સહિતના નોંધાયેલા હોય ત્યારે વેજલપુર પોલીસે આરોપીઓ ઝડપાય તે માટે કવાયત તેજ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news