ગુજરાતમાં CCTV કોન્ટ્રાક્ટમાં CMO ના PRO હિતેશ પંડ્યાના પુત્રનો દબદબો
Gujarat CMO : એવી પણ ગુજરાતમાં ચર્ચા છે કે, પિતા મુખ્યમંત્રી કાર્યાલયમાં હોવાથી દીકરા સાથે ફરતા કિરણ પટેલે ઘણા મોટા ફાયદા મેળવ્યા છે. જો આ મામલે તપાસ થાય તો ઘણુ મોટુ કૌભાંડ બહાર આવી શકે છે
Trending Photos
Kiran patel : ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં પીઆરઓ હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ મહાઠગ કિરણ પટેલ સાથે જોડાયું છે. ભાજપના નેતા અને કાશ્મીરમાં સરકારી મહેમાન બની લાભ મેળવનાર અમિત પંડ્યા સીસીટીવી ઇન્સ્ટોલેશન અને ઓપરેશનની કંપની ચલાવે છે. ગુજરાતમાં સીસીટીવીના ઇન્સ્ટોલેશન અને ઓપરેશનના સરકારી કોન્ટ્રાક્ટ માત્ર હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાને જ મળે છે. બાપ દીકરાની જોડીએ ભાજપ સરકારમાં લેવાય એટલા લાભ લીધા છે. ગાંધીનગરમાં સેફ સોલ્યુશન કંપની ભાજપના યુવા નેતા અમિત પંડ્યાની હોવાનું કહેવાય છે. અમિત પંડ્યા ભાજપ પ્રદેશની ટીમમાં મિડીયા ઇન્ચાર્જ હોવાથી કિરણ પટેલ ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે. જોકે, આ મામલો ખૂબ ચગ્યો છે જેથી ભાજપના નેતાઓએ હવે ફેસબુકથી માંડીને ટ્વિટર પર ફોલો કરવાનુ ટાળ્યુ છે. એટલુ જ નહી. ચેટ પણ ડિલીટ કરવા માંડી છે. ભાજપના નેતાઓ સમજી ગયા છે કે આ પ્રકરણનો રેલો તેમના સુધી આવશે. આ પ્રકરણમાં ભાજપના નેતાઓ સુધી તાર જોડાયેલા હોવાથી આગામી સમય જ બતાવશે કે પોલીસ કેવા પ્રકારની આ પ્રકરણમાં કામગીરી કરે છે પણ કિરણ પટેલ જમ્મુ કાશ્મીરમાંથી બહાર નીકળ્યો તુરંત જ ગુજરાત પોલીસ અહીં ઉઠાવી લાવશે એવી શક્યતા છે. હવે તો એના નામે ઉત્તરાખંડમાં પણ પોલીસ કેસ નોંધાયો છે. ગુજરાતમાં પણ ભાજપના પૂર્વ મંત્રીના ભાઈએ હવે ફરિયાદ નોંધાવી છે.
કિરણ પટેલના પ્રકરણનો રેલો સીએમઓ સુધી પહોંચતો હોવા છતાં આ મામલે ભાજપ અને કમલમ મૌન ધારણ કરીને બેઠા છે. ભાજપને ડર છે કે આ પ્રકરણમાં કાર્યવાહી કરી તો તપાસ ફંટાઈ જશે. એવી પણ ગુજરાતમાં ચર્ચા છે કે, પિતા મુખ્યમંત્રી કાર્યાલયમાં હોવાથી દીકરા સાથે ફરતા કિરણ પટેલે ઘણા મોટા ફાયદા મેળવ્યા છે. જો આ મામલે તપાસ થાય તો ઘણુ મોટુ કૌભાંડ બહાર આવી શકે છે. અમિત પંડ્યાએ પિતાના વગનો ઉપયોગ કરીને ઘણાં સરકારી કોન્ટ્રાક્ટ મેળવ્યા છે. આ ઉપરાંત સીસીટીવી ઇન્સ્ટોલેશનના સરકારી કોન્ટ્રાક્ટ મેળવવામાં હિતેશ પંડ્યાના પુત્ર અમિત નંબર વન કોન્ટ્રાક્ટર ગણાય છે. કિરણ પટેલ અને અમિત પંડ્યાની રાજકીય દોસ્તી ભાજપના નેતાઓની અજાણ નથી. કિરણ પટેલ પ્રકરણે પીએમઓ-સીએમઓની ઇમેજ બગાડી છે છતાંય કમલમનુ અકળ મૌન રહ્યુ છે જે ચર્ચાનો વિષય છે. એવી પણ ચર્ચા છે કે એક રાજકીય નેતાની દીકરી સાથે ઘરોબો કેળવી કિરણ પટેલ કરોડો રૂપિયાની પ્રોપર્ટી ગુપચાવાના પ્રયાસમાં હતો પણ એની માના કારણે આ પ્રકરણમાં ઠંડુ પાણી રેડી દેવાયું હતું.
જમ્મુ કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી લેવાના મામલે હવે તપાસનો દૌર તેજ બન્યો છે. જેમાં અમિત પંડયા અને જય સીતાપરાને સમન્સ મોકલીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં તેમણે કિરણ પટેલ સાથે આવવા અંગે સંતોષકારક જવાબ આપ્યા નહોતા. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જય સીતપરા અને અમિત પંડયાને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. જ્યારે રાજસ્થાનને ત્રિલોકસિંગ સમન્સ મળ્યા બાદ પણ તે હાજર થયો નહોતો. બીજી માર્ચે કિરણ પટેલની ધરપકડ બાદ જય સીતાપરા, અમિત પંડયા અને ત્રિલોકસિંગને જવા દીધા હતા. પોલીસ સાથે તો સીધું સેટિંગ એમ હોય એમ આ લોકો બચી ગયા હતા પણ કોર્ટ બગડતાં જમ્મુ કાશ્મીર પોલીસ શંકાના ઘેરાવામાં આવી હતી. જો કે કોર્ટે આ બાબતની ગંભીર નોંધ લેતા તેમના વિરૂદ્વ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિ. નટવરલાલે સરકારી સીરિઝનો પણ નંબર મેળવી લીધો હતો. જે નંબર ફક્ત આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની સીરિઝનો છે. જેના થકી એ રોફ જારતો હતો. આ નંબર અંગેની તપાસ થાય તો પણ મસમોટા કૌભાંડો ખૂલે તેવી સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે