હૈયું હચમચાવી તેવી ઘટના, દાદાએ જ 4 વર્ષની માસુમ પૌત્રી સાથે આચર્યું દુષ્કર્મ
Panchmahal News : 4 વર્ષની માસુમ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી દાદાને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :હળાહળ કળિયુગમાં ક્યારેક એવી ઘટના ઓ બનતી હોય છે કે હૈયું હચમચાવી નાંખે છે. ઘોર કળિયુગની સાક્ષી પૂરતો અને સંબંધોની મર્યાદા તેમજ માનવતાને લજવતો કિસ્સો પંચમહાલના હાલોલ તાલુકાથી સામે આવ્યો છે. જ્યાં એક 4 વર્ષની માસૂમ બાળકી સાથે એવું અધમ કૃત્ય આચરવામાં આવ્યું કે, જેનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને અરેરાટી ફેલાવી દીધી છે.
હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગામની એક 4 વર્ષીય બાળકી બપોરથી ગુમ હતી. પરિવારજનોએ મોડી સાંજ સુધી બાળકીની શોધખોળ કરતા બાળકી મળી ન હતી. જેથી પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. એવામાં જ પોતાના ઘર પાછળના જંગલ વિસ્તારમાં બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બીજી તરફ ગામમાં ચારેકોર એવી અફવા ફેલાઈ હતી કે, કોઈએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાંખી છે. આવી અફવાને પગલે ઉશ્કેરાયેલા ટોળાએ લાકડાના ગોડાઉનને આગ લગાવી દીધી હતી. નાનકડા એવા ગામમાં ઘટનાને પગલે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હતી.
ઘટનાની ગંભીરતા જોતા હાલોલ તાલુકા શહેર પોલીસ સહિત ડીવાયએસપી અને એસપી સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં સૌ પ્રથમ લાકડાના ગોડાઉનમાં લાગેલી આગને બૂઝવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. બાળકીની હાલત જોતા દેખીતી રીતે જ તેની સાથે કાળજું કંપાવી દેતી ઘટના બની હોવાનું જણાઈ આવ્યુ હતું.
અતિ ગંભીર ઘટનાને પગલે હાલોલ તાલુકા પોલીસની નિષ્ફળતા બાદ પંચમહાલ એલસીબી પોલીસે તપાસનો દોર હાથ લીધો હતો. ગણતરીના કલાકોમાં જ ગંભીર અને નિંદનીય ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. તપાસમાં માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કરનાર જે પિશાચી આરોપી સામે આવ્યો તે જોઈને પોલીસ સહિત સમગ્ર વિસ્તાર ફિટકારની લાગણી સાથે અચંબિત હતો! કારણ કે, બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર બીજુ કોઈ નહીં પરંતુ તેનો કૌટુંબિક દાદો જ હતો.
પોલીસે આરોપી દાદાની અટકાયત કર્યા બાદ તેની પાસેથી જે હકીકત જાણવા મળી છે તે પણ એટલી જ ચોંકાવનારી અને ધૃણાસ્પદ હતી. 4 વર્ષની માસૂમ પૌત્રીને તેના જ કૌટુંબિક દાદાએ બિસ્કીટની લાલચ આપી ઘરના પાછળના ભાગે આવેલા જંગલ અને ઝાડી ઝાંખરાવાળી નિર્જન જગ્યામાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પિશાચી દાદાએ માસુમ બાળકીને પીંખી નાંખી હતી. ડઘાઈ ગયેલી માસૂમ બાળકી જંગલમાં ચીસાચીસ કરી રહી હતી. દર્દથી કણસી રહેલી માસૂમ બાળકી રડી રહી હતી. પણ સાંભળનાર કોઈ જ નહોતું. બીજી તરફ કુકર્મ આચર્યા બાદ પિશાચી દાદાને ભાન થયું કે બાળકી ની જે હાલત તેને કરી છે, તેનાથી તો પરિવારજનો ખબર પડી જશે તે ડરે માસૂમ બાળકીને જંગલી વનસ્પતિના વેલાથી ગળું ટુંપી ઠંડા કલેજે નિર્દયી દાદાએ હત્યા કરી નાંખી.
હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી દાદા ની ધરપકડ કરી છે. બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની મેડિકલ કાર્યવાહી સહિતની તપાસ હાથ ધરી છે તેવું ડીવાયએસપી વિજય રાઠોડે જણાવ્યું.
એક તરફ જ્યાં માસુમ દીકરી સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ બાળકીના ફોટા સાથે એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં લોકો આરોપીને તાલિબાની સજા જાહેર આપી દાખલો બેસાડવા સહિતની કોમેન્ટ કરી આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે