ગ્રીષ્માના હત્યારા ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળી, બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો
સ્મીમેર હોસ્પિટલમાંથી રજા મળતા કામરેજ પોલીસે આરોપીનો કબજો મેળવી લીધો છે. કામરેજ પોલીસ હવે ફેનિલની ધરપકડ કરવા માટે આગળ કાર્યવાહી કરશે.
Trending Photos
સુરતઃ સુરતમાં ગ્રીષ્મા વેકરીયાની એકતરફી પ્રેમમાં ફેનિલ ગોયાણીએ જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત ફેનિલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે હોસ્પિટલમાંથી હત્યારા ફેનિલને રજા મળતા પોલીસે તેનો કબજો મેળવ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાંથી રજા મળતા કામરેજ પોલીસે આરોપીનો કબજો મેળવી લીધો છે. કામરેજ પોલીસ હવે ફેનિલની ધરપકડ કરવા માટે આગળ કાર્યવાહી કરશે. આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
એકતરફી પ્રેમમાં કરી હત્યા
સુરતના કામરેજ વિસ્તારમાં 12 ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી. તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું. એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. મહત્વનું છે કે હત્યારો ફેનિલ ઘણા દિવસથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. ત્યારબાદ યુવતીના મોટા પિતા દ્વારા તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.
ફેનિલે પોતાના હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો
ગ્રીષ્માની હત્યા કર્યા બાદ પણ ફેનિલ શાંત રહ્યો નહીં. તેણે પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોતે ઝેરી ગોળી ખાધી હતી અને પોતાની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ ફેનિલની તપાસ કરતા કહ્યું કે, તેણે નસ કાપી નહોતી. તો ઝેરી દવા પીવાનું પણ નાટક કર્યું હતું.
આરોપી યુવક ફેનિલના પિતાએ કહ્યું કે મારો જ સિક્કો ખોટો
આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.
આજે ગ્રીષ્માને અંતિમ વિદાય અપાય
સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રા નીકળી. માતા પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપી. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તમને જણાવી દઈએ કે ગ્રીષ્માના પિતા વિદેશમાં હોવાથી તેની બે દિવસ અંતિમયાત્રા કરવામાં આવી નહોતી. આજે જ્યારે તેના પિતા આવ્યા ત્યારે દીકરી સાથે બનેલી ઘટના સાંભળીને સ્થિતિ કપરી બની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે