GTU ફરી મોટા વિવાદમાં ઘેરાઈ! 2 ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલની નિમણુંક ના કરાતા સર્જાયો વિવાદ
તાજેતરમાં UGC અને PCIના નિયમ મુજબ લાયકાત હોવા છતાં 2 ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલની નિમણુંક ના કરાતા વિવાદ સર્જાયો છે. સમગ્ર પ્રક્રિયા પર અંતિમ મહોર લગાવવાની હતી તે સમયે પ્રોફેસરોને નોટ એલિજીબલ હોવાનું કહી તેમની નિમણુંક અટકાવી દેવાઈ છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી છેલ્લા લાંબા સમયથી ઇન્ચાર્જ કુલપતિના સહારે ચાલી રહી છે ત્યારે એક બાદ એક વિવાદોમાં પણ ઘેરાઈ રહી છે. તાજેતરમાં UGC અને PCIના નિયમ મુજબ લાયકાત હોવા છતાં 2 ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલની નિમણુંક ના કરાતા વિવાદ સર્જાયો છે. સમગ્ર પ્રક્રિયા પર અંતિમ મહોર લગાવવાની હતી તે સમયે પ્રોફેસરોને નોટ એલિજીબલ હોવાનું કહી તેમની નિમણુંક અટકાવી દેવાઈ છે.
આ અંગે GTU ના ઇન્ચાર્જ કુલપતિ પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, કમિટી બનાવીને જ્યારે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે PCI અને UGC ના નિયમમાં કેટલીક વિસંગતતા હોવાને કારણે પ્રોફેસરોને પ્રિન્સિપલ તરીકે નિમણુક ના આપી શકાઈ. અમે કમિટી બનાવી છે, કમિટી કામ કરી રહી છે. કમિટીનો રિપોર્ટ આવશે તે એકેડેમિક કાઉન્સીલમાં મોકલીશું, ત્યારબાદ આગળનો નિર્ણય થશે.
ઉલ્લેખનીય છે કે, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ પ્રિન્સિપલ બનવા માટે 15 વર્ષનો ટીચિંગ અનુભવ હોવો જરૂરી છે, જેમાં 5 વર્ષ HOD કે પ્રોફેસર તરીકેના અનુભવનો સમાવેશ થાય છે. સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, ઝુંડાલ અને મર્ચન્ટ ફાર્મસી કોલેજ, મહેસાણામાં પ્રિન્સિપાલ માટે જાહેરાત આપવામાં આવી હતી.
GTU દ્વારા કમિટી બનાવીને બંને કોલેજના પ્રોફેસરની ભલામણ પણ કરાઈ હતી. પરંતુ અચાનક કમિટીની બેઠક મળી હતી, જેમાં બંને પ્રોફેસર પ્રિન્સિપાલ તરીકે નોટ એલિજીબલ હોવાનું કહેવામાં આવ્યું હતું. પ્રોફેસરોને 15 વર્ષ કરતા વધુ સમયનો અનુભવ અને પૂરતી લાયકાત હોવા છતાં નોટ એલિજીબલ ઠેરવવામાં આવતા વિવાદ સર્જાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે