ભાવનગર: 'નાકની લડાઈ'માં દલિતનો જીવ ગયો, ઘોડા સાથે થઈ ગઈ હત્યા

ન્યૂ ઈન્ડિયામાં ડગ માંડી રહેલા આપણા દેશમાં આજે પણ ઊંચ નીચના નામે લોકોની હત્યા કરી દેવાય છે. આજે પણ અહીં અનેક એવા વિસ્તારો છે જ્યાં દલિતો ઊંચી જાતિના લોકો સામે માથું ઊંચુ કરીને ચાલી શકતા નથી.

ભાવનગર: 'નાકની લડાઈ'માં દલિતનો જીવ ગયો, ઘોડા સાથે થઈ ગઈ હત્યા

ભાવનગર: ન્યૂ ઈન્ડિયામાં ડગ માંડી રહેલા આપણા દેશમાં આજે પણ ઊંચ નીચના નામે લોકોની હત્યા કરી દેવાય છે. આજે પણ અહીં અનેક એવા વિસ્તારો છે જ્યાં દલિતો ઊંચી જાતિના લોકો સામે માથું ઊંચુ કરીને ચાલી શકતા નથી. કમનસીબે આવો એક મામલો ગુજરાતમાં જ જોવા મળ્યો. જ્યાં એક દલિતે ઊંચી જાતિની બહુમતીવાળા વિસ્તારમાં પોતાનો ઘોડો રાખ્યો તો તેની હત્યા કરી નાખવામાં આવી. ખોટા સ્વમાન અને નાકની લડાઈ ગણતા સવર્ણ જાતિના લોકોએ દલિતની સાથે સાથે તે ઘોડાને પણ મોતને ઘાટ ઉતારી દીધો.

ત્રણની ધરપકડ
આ ઘટના ગુજરાતના ભાવનગરની છે. જ્યાં કેટલાક સવર્ણ લોકોએ ઘોડો રાખવા અને ઘોડેસવારી કરવાના કારણે એક દલિતની હત્યા કરી નાખી. પોલીસે આ જાણકારી આપી. વિસ્તારના સ્થાનિકોએ દાવો કર્યો કે ઉમરાળા તાલુકાના ટિંબી ગામમાં આ ઘટના ઘટ્યા બાદ ખુબ તણાવ છે. પોલીસે કહ્યું કે પાસેના ગામમાંથી 3 શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ માટે ભાવનગર ક્રાઈમ બ્રાન્ચની મદદ માંગવામાં આવી છે. પ્રદીપ રાઠોડ (21)એ બે મહિના પહેલા એક ઘોડો ખરીદ્યો હતો. ત્યારથી તેના ગામવાળા તેને ધમકાવી રહ્યાં હતાં. ગુરુવારે મોડી રાતે તેની હત્યા કરી નાખવામાં આવી.

— ANI (@ANI) March 31, 2018

ઘોડાને પણ મારી નાખ્યો
પ્રદીપના પિતા કાલુભાઈ રાઠોડે જણાવ્યું કે પ્રદીપ ધમકી મળ્યા બાદથી ઘોડાને વેચવા માંગતો હતો. કાલુભાઈએ પોલીસને જણાવ્યું કે પ્રદીપ ગુરુવારે એમ કહીને ખેતરે ગયો હતો કે ત્યાંથી પાછા ફરીને તે સાથે ભોજન કરશે. જ્યારે તે મોડી રાત સુધી ન આવ્યો ત્યારે અમને ચિંતા થઈ અને અમે તેને શોધવા લાગ્યાં. પ્રદીપ અમને ખેતર તરફ જતા રસ્તા પર મૃત હાલતમાં મળી આવ્યો. થોડે દૂર તેનો ઘોડો પણ મરેલી અવસ્થામાં મળી આવ્યો. પ્રદીપ 10મું ધોરણ પાસ કરીને પિતાને ખેતીમાં મદદ કરતો હતો.

ગામની વસ્તી લગભગ 3000 છે અને તેમાં દલિતોની વસ્તી આશરે 10 ટકા છે. પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ મોકલી દેવાયો છે. પરંતુ તેના પરિજનોએ કહ્યું છે કે તેઓ દોષિતોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારશે નહીં. સ્થિતિને જોતા પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ ગામમાં ધામા નાખ્યા છે.

(ઈનપુટ-IANS)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news