Gujarat Election 2022: ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું

ગુજરાત કોંગ્રેસ એક તરફ ચૂંટણીની તૈયારી કરી રહી છે પરંતુ બીજી તરફ તેને ઝટકા લાગી રહ્યાં છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડી છે. બે દિવસમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યએ રાજીનામા આપ્યા છે. 

Gujarat Election 2022: ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો, વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના ઉમેદવારોની એક યાદી પણ જાહેર કરી દીધી છે. પરંતુ કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય ભાવેશ કટારાએ વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને રાજીનામું આપ્યું છે. અધ્યક્ષે ધારાસભ્યના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. 

ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો
ગુજરાતની સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહેલી કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે. ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના આ ત્રીજા ધારાસભ્ય છે, જેમણે રાજીનામું આપી દીધું છે. તે હવે ભાજપમાં જોડાઈ તેવી પણ શક્યતા છે. 

મોહનસિંહ રાઠવાએ છોડી હતી પાર્ટી
કોંગ્રેસ MLA મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા છે. મોહનસિંહ રાઠવાએ કેસરિયા ખેસ ધારણ કર્યો છે. ચુંટણી અગાઉ કોંગ્રસમાં મોટી ઊથલપાથલ સર્જાઇ છે અને કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો. ભાજપ નેતા દિલીપ સંઘાણી, પ્રદીપસિંહ વાઘેલા સહીતના ભાજપના નેતાઑએ તેમને કેસરીયો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.મોહન રાઠવાએ જણાવ્યું હતું કે કમલમમાં આવવાનો મોકો મળ્યો અને ભાજપમાં જોડાવું મારુ સૌભાગ્ય છે. કોંગ્રેસમાં ઘણા વર્ષો કામ કર્યું પણ સમય સમય બળવાન હોવાનું જણાવી મોહન રાઠવાએ કહ્યું હતું કે, આગામી સમયમાં વિકાસના કામો સાથે મળીને કરશું તેમ પણ ઉમેર્યું હતું. મોહનસિંહ રાઠવા એ કહ્યું ભાજપ 100 ટકા અમને ટિકિટ આપશે.

ભગવાન બારડ રાજીનામું આપી ભાજપમાં જોડાયા
ગીર સોમનાથની તાલાલા બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. તાલાલા વિધાનસભા બેઠક પર છેલ્લે વર્ષ 2017ની ચૂંટણીમાં ચૂંટાયા હતાં. ભગવાન બારડે આજે વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો છે. પ્રદીપસિંહ વાઘેલાએ ભગવાન બારડને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ભાજપમાં ભગવાન બારડે ભાજપનો ખેસ પહેરીને પ્રવેશ કર્યો. ભગવાન બારડના પુત્ર પણ ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news