કોંગ્રેસના પંજા પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું, કમલમમાં જીતની તૈયારીઓ શરૂ

કોંગ્રેસના પંજા પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું, કમલમમાં જીતની તૈયારીઓ શરૂ
  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલવા જઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપની ઓફિસ કમલમ ખાતે વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ

ઝી મીડિયા/બ્યૂરો :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. 2015 ની જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં અનેક જગ્યાઓએ ભાજપ સ્પષ્ટ બહુમતીથી દૂર રહ્યું હતું. પરંતુ હવે સફળતા ભાજપના હાથમાં છે. લગભગ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં સર્વત્ર ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. કોંગ્રેસના પંજા પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. અનેક એવા કોંગ્રેસના ગઢ હતા, જેને 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ધ્વસ્ત કરી નાંખ્યા છે. ત્યારે ભાજપ હવે તેની ઉજવણી કરશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલવા જઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપની ઓફિસ કમલમ ખાતે વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કમલમ ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણીની તૈયારીઓ આરંભી દેવાઈ છે. દોઢ વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી, સીઆર પાટીલ અને નીતિન પટેલ કમલમ ખાતે જશે અને ઉજવણીમાં સામેલ થશે. 

આપ પણ આગળ
મહાનગર પાલિકાની જેમ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ક્યાંક ક્યાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. 12 વાગ્યાના અપડેટ અનુસાર, જિ.પંચાયતમાં 6, તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે "આપ" આગળ છે. આમ, કુલ 45 થી વધુ બેઠકો પર આમ આદમી પાર્ટી આગળ છે. 

ટ્રેન્ડમાં ભાજપની ક્લિન સ્વિપ તરફ આગળ વધી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં 31માંથી 30માં ભાજપનો ભગવો લહેરાયો છે. તો કોંગ્રેસ કારમા પરાજય તરફ આગળ ચાલી રહ્યું છે. તો નગરપાલિકામાં રાજ્યમાં 81 નગરપાલિકામાંથી ભાજપ 67 પર આગળ ચાલી રહ્યું છે. તો તાલુકા પંચાયતની વાત કરીએ તો, 231માંથી 100માં ભાજપ આગળ ચાલી રહ્યુ છે. તો 17માં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. 

Trending news