સરકારના ફીના એક નિર્ણયથી શાળા સંચાલકો આવી ગયા ટેન્શનમાં, લખ્યો પત્ર
આ વર્ષે વિદ્યાર્થીદીઠ 50 ટકા જ ફી ચુકવવામાં આવશે એવી જાણ આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓને ચુકવવામાં આવતી ફી મામલે ખાનગી શાળા સંચાલકો ચિંતિત બન્યા છે. કેટલાક જિલ્લાશિક્ષણાધિકારીઓ દ્વારા આ વર્ષે વિદ્યાર્થીદીઠ 50 ટકા જ ફી ચુકવવામાં આવશે એવી જાણ કરાઇ હોવાનો દાવો કરાયો છે. જો 50 ટકા જ ફી ચૂકવવામાં આવે તો શાળાઓને થનારી સમસ્યાઓ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખવામાં આવ્યો છે.
મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આ અંગે જણાવ્યું કે, વર્ષ 2012 થી રાજ્યના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોને ઉત્તમ શિક્ષણ મળી શકે એ હેતુથી RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. રાજ્ય સરકારને વિનંતી છે કે રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ RTE હેઠળ મળતી બાળકોની ફી પર નિર્ભર છે. સરકાર ફીની ચૂકવણી વર્ષના અંતમાં કરતી હોય છે, જે શાળાઓને એડવાન્સમાં ચુકવવામાં આવે એવી વિનંતી છે. આ રકમ લાખોમાં થતી હોય છે, જે 4 હપ્તામાં સરકાર ચૂકવે તો શાળાકીય વહીવટ સારી રીતે થઈ શકે. ખાનગી શાળાઓના એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ મુજબ પ્રત્યેક વર્ગદીઠ 10 બાળકો એમ કુલ 25 ટકા બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે છે.
તેમણે કહ્યુ કે, હાલ રાજ્યની મહત્તમ શાળાઓમાં ઓછામાં ઓછા 80 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જો એમની ફી 50 ટકા જ સરકાર ચૂકવશે તો શાળાઓનો આર્થિક વ્યવહાર ખોરવાશે. કોરોનાકાળમાં શાળાઓએ ફીમાં માફી પણ આપી હતી, એવામાં હવે RTE અંતર્ગત ફીમાં કપાત કર્યા વગર સરકાર પુરે પુરી ફી ચૂકવે એવી અપીલ છે. RTE અંતર્ગત વર્ષ 2012થી રાજ્યના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, એટલે હાલના તબક્કે તમામ ખાનગી શાળાઓમાં ઓછામાં ઓછા 80 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, RTE ના પ્રત્યેક વિદ્યાર્થીદીઠ ગતવર્ષ સુધી 10,000 રૂપિયા સરકાર શાળાઓને ચૂકવતી હતી, જે વધારીને આ વર્ષથી 13,000 રૂપિયા કરાયા હતા. કોરોના મહામારી બાદ તમામ શાળાઓને અપેક્ષા હતી કે RTE ના વિદ્યાર્થીદીઠ શાળાઓને 13,000 રૂપિયા ફી પેટે મળશે, પરંતુ જો સરકાર આ વર્ષે 50 ટકા જ ફી ચૂકવશે, તો ખાનગી શાળાઓના વહીવટમાં સમસ્યા ઉભી થશે. સરકારે આપેલા આંકડાઓ મુજબ રાજ્યના RTE ની જે બેઠકો ઉપલબ્ધ હતી, એની સામે છેલ્લા બે વર્ષમાં 30 હજાર કરતા વધુ બાળકોને પ્રવેશ આપી શકાયો નથી. કોરોનાને કારણે મોટી સંખ્યામાં અનેક પરિવારો પોતાના વતન ચાલ્યા ગયા હોવાથી RTE ની અનેક બેઠકો ખાલી રહી હોવાનું મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે