અમિત શાહ કે પાટીલ કોણ બનશે દેશના બાહુબલી? ગુજરાતમાં લડાશે નંબર વનની લડાઈ

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં પણ ભાજપના જ 2 કદાવર નેતા સીઆર પાટીલ અને અમિત શાહ વચ્ચે લડાવાનો છે. બંને નેતાઓએ કોણ લીડમાં દેશમાં સૌથી અગ્રેસર રહે છે તે માટે રેસ કરવાની તૈયારીઓમાં છે. અમિત શાહ કોઈ પણ સંજોગોમાં પાટીલના રેકોર્ડને તોડવા માગે છે. ભાજપે ગાંધીનગરમાં આ વર્ષે 10 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. આ નેતાઓ વચ્ચે જ જંગ જામશે. પાટીલ હાલમાં દેશમાં લીડમાં નંબર વન નેતા છે. અમિત ભાઈ આ રેકોર્ડને તોડવા માગે છે. 

અમિત શાહ કે પાટીલ કોણ બનશે દેશના બાહુબલી? ગુજરાતમાં લડાશે નંબર વનની લડાઈ

Loksabha Election 2024: દેશમાં હવે ઈલેક્શન જાહેર થઈ ગયું છે. જુદાજુદા તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં ગુજરાતમાં 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. રાજકીય પક્ષો તો છેલ્લા કેટલાય સમયથી ઈલેક્શન મોડમાં જ છે. પાર્ટીઓ પુરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે એકવાર તારીખોની જાહેરાત થયા બાદ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. આમ ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. એનડીએ ત્રીજી ટર્મમાં પણ સરકાર બનાવશે એવા સરવે ચાલી રહ્યાં છે.

આ બેઠકો પર લડાશે સૌથી મોટો જંગ

ગુજરાતમાં સૌથી મોટો જંગ એ ભાજપના 2 નેતાઓ વચ્ચે લડાવાનો છે. નવસારી અને ગાંધીનગરથી કોણ સૌથી વધારે લીડથી જીતે છે એ આ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચાતો મામલો છે. ગાંધીનગર બેઠક પર 10 લાખની લીડનો ટાર્ગેટ મૂકાયો છે.  આ બંને નેતાઓ પાસે પોતાની બેઠક માટે પ્રચાર કરવાનો હાલમાં સમય નથી. અમિત ભાઈ દેશમાં તો સીઆર ગુજરાત ભરમાં અન્ય બેઠકો પર પ્રચારમાં લાગ્યા છે આમ છતાં ખરી ચૂંટણી તો ગુજરાતમાં આ 2 બેઠકો પર લડાવાની છે. આ બંને બેઠકો નક્કી કરશે કે દેશનો બાહુબલી નેતા કોણ બનશે. બંને પાસે સંગઠન અને સત્તાનો પાવર હોવાની સાથે લાખો લોકોનો ભરોસો છે. 

ભાજપે 10 લાખની લીડનો ટાર્ગેટ મૂક્યો
લોકસભાની 2024ની ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માગે છે. 2019ની લોકસભામાં ભાજપે 5 બેઠકો પર ભારે મતોથી જીત મેળવી હતી. હવે ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માગે છે. જે કેટલીક બેઠકોમાં શક્ય પણ છે જોકે, અમિત શાહની ગાંધીનગર લોકસભા બેઠક પર આજે ભાજપે 10 લાખની લીડનો ટાર્ગેટ મૂક્યો છે. તમને ખબર છે 2019માં સૌથી વધારે વોટથી કોણ જીત્યું હતું. અમે તમને જણાવી રહ્યાં છીએ કે દેશમાં 2019માં સૌથી વધારે લીડથી જીત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મેળવી હતી. હવે દેશના ગૃહમંત્રી અને ભાજપના કદાવર નેતા અમિતભાઈ શાહ કોઈ પણ સંજોગોમાં પાટીલનો આ રેકોર્ડ તોડવા માગે છે. 

2019ની ચૂંટણીમાં અમિતભાઈ શાહે 5.57 લાખની લીડથી ગાંધીનગરની સીટ જીતી હતી. હવે આ ટાર્ગેટ 10 લાખનો થઈ ગયો છે. વડોદરાની સીટ પરથી ભાજપના રંજનબેન ભટ્ટની પણ લીડ 5.89 લાખ મત હતી. આ ઉપરાંત દર્શનાબેન જરદોશ 5.48 લાખની લીડથી જીત્યા હતા. આમ ભાજપના નેતાઓ દેશમાં લીડ મેળવવામાં ટોચ પર હતા. ટોપ 10માં ગુજરાતની 4 સીટો પર ભાજપના ઉમેદવારો 5 લાખની લીડથી જીત્યા હતા. આ લીડના લિસ્ટમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી પણ હતા મોદીએ વારાણસીથી 4.79 લાખની તો રાહુલ ગાંધીએ વાયનાડથી 4.31 લાખની લીડ મેળવી હતી.  

સીઆર પાટીલ પેજ પ્રમુખના પ્રણેતા 
સીઆર પાટીલ પેજ પ્રમુખના પ્રણેતા ગણાય છે. એ પેજ પ્રમુખનો કોન્સેપ્ટ આજે ભાજપ દેશભરમાં અમલ કરી રહી છે. નવસારી બેઠક પર પાટીલનું મજબૂત નેટવર્ક છે. સીઆર પાટીલ રાજકીય ગણિતના માંધાતા છે. મોદી એટલે જ એમની પર ભરોસો મૂકે છે. સીઆર પાટીલના નેતૃત્વમાં જ ભાજપે 156 સીટોનો રેકોર્ડ બનાવ્યો છે. પાટીલે નવસારીમાં અમલમાં મૂકેલા પેજ પ્રુમખોના આઈડિયા પગલે જ તેઓ દેશમાં સૌથી વધારે લીડથી જીતનાર નેતા બન્યા હતા. પાટીલ આ ચૂંટણીમાં લોકસભાના ઉમેદવાર છે. જેઓ કોઈ પણ સંજોગોમાં પોતાનો રેકોર્ડ તોડવા માગે છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વર્ષે તમામ લોકસભાની બેઠકો 5 લાખની લીડથી જીતવાનો નિર્ણય લીધો છે. જો આ શક્ય બન્યું તો ગુજરાત ઈતિહાસ રચશે. દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા ટોપ ટેન નેતાઓમાં મોટાભાગના નેતાઓ ગુજરાતીઓ હશે. આમ ભાજપ અને દેશના રાજકારણમાં ગુજરાતના નેતાઓ બાહુબલી બનીને બહાર આવશે. દેશની રાજનીતિમાં પણ આ નવો રેકોર્ડ રચાશે. 

ગુજરાતના ૭૪ લાખ ઘરમાં ભાજપનો એક સભ્ય
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 182માંથી 156 બેઠકો પર જીત મેળવી હતી. આમ છતાં ભાજપ 5,000 થી ઓછા મતોના માર્જિનથી 20 બેઠકો પર ચૂંટણી હારી ગઈ હતી. ભાજપ પાસે 1.13 કરોડ પ્રાથમિક સભ્યો અને 74 લાખ પેજ કમિટી સભ્યોની ફોજ છે. મતલબ ગુજરાતના ૭૪ લાખ ઘરમાં ભાજપનો એક સભ્ય છે. ભાજપનો આ લોકસભામાં સીધો ટાર્ગેટ 2.22 કરોડ મતો ભાજપમાં લાવવાનો છે. ભાજપે નવા અને જૂના જોગીઓનું કોમ્બિનેશન કરી લોકસભાની જવાબદારીઓ સોંપી છે. દરેક પેજ પ્રમુખને પોતાના બુથમાં 90 ટકા મતદાનની જવાબદારી સોંપાઈ છે. જો આ શક્ય બન્યું તો નવો રેકોર્ડ સર્જાશે. 

ગાંધીનગરમાં લોકસભાની તૈયારી હાલથી નહીં અમિતભાઈ શાહ 2019થી કરતા આવ્યા છે. તેઓ આ સીટ પરથી જીત્યા ત્યારથી જ તેમને ફરી ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી હતી. અમિત શાહે પોતાના મત વિસ્તારના નાનામાં નાના કામમાં રસ લઇને પૂરા કર્યા છે. ભલે તેઓ દિલ્હી બેઠા હતા પણ ગાંધીનગર લોકસભાની સમસ્યાનો ઉકેલ હંમેશાં તેમની પ્રાયોરિટી રહી છે. આમ બંને નેતાઓ પોતાના લોકસભાના વિસ્તારમાં અતિ સક્રિય હોવાથી આ લોકસભાની ચૂંટણીમાં દેશમાં કોણ નંબર વન બને છે એ તો આગામી સમય જ બતાવશે પણ એ નક્કી છે કે ગુજરાતમાં લોકસભાની સૌથી વધારે ટક્કર આ બંને સીટ પર રહેશે. જેને પગલે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની આ 2 સીટો પર દેશભરની નજર છે. 

2019ના સૌથી વધુ માર્જિનથી જીતનારા સાંસદ        

  • ભાજપના સી.આર.પાટીલની 6.89 લાખની લીડ
  • ભાજપના સુભાષ બહેરિયાની 6.12 લાખની લીડ
  • ભાજપના અમિત શાહની 5.57 લાખની લીડ
  • ભાજપના નરેન્દ્ર મોદીની 4.79 લાખની લીડ
  • ભાજપના રંજન ભટ્ટની 5.89 લાખની લીડ
  • ભાજપના પરવેશ વર્માની 5.78 લાખની લીડ
  • ભાજપના હંસરાજ હંસની 5.53 લાખની લીડ
  • ભાજપના દર્શના જરદોશની 5.48 લાખની લીડ
  • ભાજપના કિશન કપૂરની 4.77 લાખની લીડ
  • કોંગ્રેસના રાહુલ ગાંધીની 4.31 લાખની લીડ

એક નાનકડી ચિપ ગુજરાતમાં કરશે નોકરીઓની રેલમછેલ! જાણો તેના વિશે અને શેમાં થશે ઉપયોગ

2019માં કયા પક્ષને કેટલો વોટ શેર?    

  • ભાજપ     37.30 ટકા મત
  • કોંગ્રેસ      19.46 ટકા મત
  • DMK    2.34 ટકા મત
  • TMC    4.06 ટકા મત
  • YSRCP    2.53 ટકા મત
  • શિવસેના    2.09 ટકા મત
  • JDU     1.45 ટકા મત
  • BJD    1.66 ટકા મત
  • BSP    3.62 ટકા મત
  • TRS    1.25 ટકા મત

શક્તિસિંહ ગોહિલનો આરોપ; 'ED-CBIની બીક બતાવી ભાજપ પાછલા બારણે ઉઘરાવે છે ચૂંટણી ફંડ'

કેટલાં પક્ષના કેટલાં ઉમેદવાર નક્કી?    
ભાજપ    267 
કોંગ્રેસ      82
TMC       42
SP          27
AAP       19

ભાજપમાંથી કોણ લડી રહ્યું છે ચૂંટણી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ભાજપે 2 યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 10 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.. એટલે કે અત્યાર સુધીમાં 267 મૂરતિયાઓ નક્કી થઈ ગયા છે, જે ચૂંટણીના મેદાને ઉતરશે. આ બીજી યાદીમાં ગુજરાતની 7, દિલ્લીની 2, હરિયાણાની 6 અને હિમાચલપ્રદેશની 2 બેઠકો પર ઉમેદવારો જાહેર થયા છે. તો કર્ણાટકમાં 20, મધ્યપ્રદેશમાં 5, મહારાષ્ટ્રમાં 20 લડવૈયાઓના નામની જાહેરાત થઈ છે.  જ્યારે કે તેલંગાણામાં 6, ઉત્તરાખંડમાં 2, ત્રિપુરામાં 1 અને દાદરાનગર હવેલીની એક બેઠક પર ઉમેદવાર જાહેર થયા છે. 

હવે ભાજપની આ યાદીના VIP ઉમેદવારો પર નજર કરીએ તો, નીતિન ગડકરી ફરી નાગપુરથી ચૂંટણી લડશે.. તો અનુરાગ ઠાકુર હમીરપુર બેઠકથી ચૂંટણી લડશે.. આ તરફ એક દિવસ પહેલા હરિયાણામાં સીએમ પદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટર પણ લોકસભા મેદાને ઉતરશે, જેમનું નામ કરનાલ બેઠક પર ફાઈનલ થયું છે.  આ તરફ બેંગલુરુ દક્ષિણથી તેજસ્વી સૂર્યા, મુંબઈ ઉત્તરથી પિયુષ ગોયલ, બીડ બેઠકથી પંકજા મુંડે મેદાને ઉતરશે. જ્યારે કે હરિદ્વારથી ત્રિવેન્દ્ર રાવત, દાદરાનગર હવેલી પરથી કલાબેન દેલકર ચૂંટણી લડશે.

10 લાખ જીતવાનું શું ગણિત છે?

2019માં અમિત શાહે ગાંધીનગર લોકસભા સીટ પર અત્યાર સુધીના સૌથી વધુ મતોથી જીત મેળવી હતી. લોકસભા મતવિસ્તારમાં આવતી સાત વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે. ભાજપને આશા છે કે જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી તેમના સંસદીય ક્ષેત્રમાં સક્રિય રહ્યા છે અને વિકાસ કાર્યો થયા છે. તેનાથી બીજેપીના વોટ શેરમાં વધુ વધારો થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં અમિત શાહને 8,94,000 વોટ મળ્યા હતા. લોકસભા મતવિસ્તારમાં કુલ 12,85,826 મત પડ્યા હતા. પાર્ટી એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે જો મતદાનની ટકાવારી 66.08 થી વધુ હોય તો 13 લાખથી વધુ મતદાન થાય. આવી સ્થિતિમાં પાર્ટીએ જીત માટે 10 લાખથી વધુ વોટનો લક્ષ્યાંક રાખ્યો છે. કોંગ્રેસે હજુ ગાંધીનગરથી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news