ગુજરાત પોલીસ યોજશે ખાસ ઝૂંબેશ, e-FIRમાં મળેલી ફરિયાદોની પુન:તપાસ કરી ગુનો નોંધાશે
ઉલ્લેખનીય છે કે, આ ખાસ ઝુંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા સંબંધિત ન્યાયાલય મારફતે વાહનો અને મોબાઈલ ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત પોલીસ દ્વારા 23મી જુલાઈ, 2022થી વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે e-FIRની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. eFIR સીસ્ટમ અંતર્ગત 8મી ફેબ્રુઆરી, 2023 સુધીમાં કુલ 7953 અરજીઓ મળી હતી. જેમાંથી 1799 અરજીઓ માટે FIR નોંધવામાં આવી છે, જ્યારે બાકીની 6154 અરજીઓને દફતરે કરવામાં આવી છે.
દફતરે કરેલી અરજીઓ અંગે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, ગાંધીનગરને નકારાત્મક પ્રતિભાવો મળતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 થી 25 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ખાસ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ કરી, FIR નોંધવાની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
ખાસ ઝુંબેશ દરમિયાન રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં 23/7/2022 થી 8/2/2023 સુધીના સમયગાળામાં દફતરે કરેલી અરજીઓની યાદી તૈયાર કરાશે, અરજદારો પાસેથી વિગતો મેળવી, સ્થળની મુલાકાત કરાશે અને પ્રથમ દ્રષ્ટિએ તે નોંધનીય ગુનો ફલિત થતા FIR નોંધાવાની કાર્યવાહી કરવામાં આવશે. વાહન ચોરી અંગે દાખલ થયેલા ગુનાઓમાં વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર નેત્રમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આપી ANPR કેમેરાની મદદથી તેની સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત મોબાઈલ ચોરીના ગુનામાં ગુજરાત પોલીસ દ્વારા IMEI નંબરને ઓબ્ઝર્વેશનમાં મૂકી મોબાઈલને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ ખાસ ઝુંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા સંબંધિત ન્યાયાલય મારફતે વાહનો અને મોબાઈલ ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે