Gujarati Election 2022: બળદગાડામાં સવાર થઈને સુખરામ રાઠવાએ નોંધાવી ઉમેદવારી, કહ્યું- આ વખતે બનશે કોંગ્રેસની સરકાર
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં તમામ પાર્ટીઓના નેતાઓ ઉમેદવારી નોંધાવી રહ્યાં છે અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ આજે જેતપુર પાવી બેઠક કરથી ઉમેદવારી નોંધાવી છે.
Trending Photos
છોટાઉદેપુરઃ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ઉમેદવારોની જાહેરાત બાદ નેતાઓ ફોર્મ ભરી રહ્યાં છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ દરેક પાર્ટીના ઉમેદવારો પોતાની જીતના દાવાઓ કરી રહ્યાં છે. નોંધનીય છે કે ગુજરાતમાં કુલ બે તબક્કામાં મતદાન થવાનું છે અને 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થશે. બીજા તબક્કાની ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ પહેલાં વિધાનસભામાં નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ આજે ઉમેદવારી નોંધાવી હતી.
બળદગાડામાં બેસી ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા રાઠવા
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુર જિલ્લાની 138 જેતપુરપાવી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ કવાંટ મામલતદાર કચેરી ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. સુખરામ રાઠવાએ પહેલા આદિવાસી ઓળખ સમા બળદગાડામાં સવાર થઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા.
પોતાની જીતનો કર્યો દાવ
ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ આજે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યારબાદ તેઓ બળદગાડામાં સવાર થઈને ક્વાંટ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ ઝી 24 કલાક સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ વખતે ગુજરાતમાં 101 ટકા કોંગ્રેસની સરકાર બનશે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધી 145 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ ત્રણ બેઠકો પર એનસીપી સાથે ગઠબંધન પણ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે