બીજી લહેરમાંથી બોધપાઠ લેનાર રૂપાણી સરકારને ત્રીજી લહેરનો ડર, એક્શનમાં આવી

બીજી લહેરમાંથી બોધપાઠ લેનાર રૂપાણી સરકારને ત્રીજી લહેરનો ડર, એક્શનમાં આવી
  • ગુજરાતમાં વર્તમાન કોરોનાના સંક્રમણ સંદર્ભે અને ત્રીજી લહેરના પ્લાનિંગ માટે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે
  • આજે મીટિંગમાં થનારી ચર્ચાના આધારે સરકાર ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન બનાવશે

હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રીની અધ્યક્ષતાએ આજે કેબિનેટ બેઠક યોજાનાર છે. ગુજરાતમાં વર્તમાન કોરોનાના સંક્રમણ સંદર્ભે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. સાથે જ વેંક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. પરંતુ આ બેઠકનો મુખ્ય મુદ્દો કોરોનાં સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ છે. જે સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે. ગુજરાતના મંત્રીઓને સૉંપયેલ પ્રભારી જિલ્લાઓની કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ રજુ કરવામાં આવશે. 

કોરોનાની બીજી લહેરે ગુજરાતની સ્થિતિ ડામાડોળ કરી મૂકી છે. બીજી લહેરમાં એકાએક કેસ વધ્યા બાદ સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. ઓક્સિજનથી લઈન બેડ, ઈન્જેક્શન સહિતની અનેક મેડિકલ સુવિધાઓની અછત સર્જાઈ હતી. પરંતુ ત્રીજી લહેરમાં આ પ્રકારની ખુંવારી ન થાય તે માટે આગોતરુ આયોજન જરૂરી છે. બીજી લહેરમાંથી બોધપાઠ લેતા ગુજરાત સરકારે સંભવત ત્રીજી લહેર માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો આ પ્રકારનું આયોજન નહિ કરવામાં આવે તો ગુજરાત તહેસનહેસ થઈ જશે. જેથી ગુજરાત સરકાર પણ હવે સંભવિત ત્રીજી લહેર માટે એક્શનમાં આવી છે. 

તાજેતરમાં જ એક કાર્યક્રમમા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતું કે, ગુજરાતમાં બીજી લહેર પર વિજય મેળવી શકીશું. બીજી લહેરમાં વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસ કરીશું. ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે પ્લાનિંગ શરૂ કર્યું છે. એક્સપર્ટસ તબીબોની ટીમ, રિસર્ચની ટીમ, વૈજ્ઞાનિકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સપર્ટસની મીટિંગ કરીશું. ત્રીજી લહેર માટે જરૂરી તૈયારી રાજ્ય સરકાર ગંભીરતાથી કરી રહી છે. બીજી લહેર ખાળવી છે, અને ત્રીજી લહેરની તૈયારી. 12 દિવસથી કેસ ઓછા છે. 

આજે મીટિંગમાં થનારી ચર્ચાના આધારે સરકાર ત્રીજી લહેર અંગેનો એક્શન પ્લાન બનાવશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બેડ, ઈમરજન્સી સુવિધાઓ, ઓક્સિજન ઈન્જેક્શન, દવાઓ બધા મુદ્દે ત્રીજી લહેરમાં પહોંચી શકાય તેવા આયોજન કરવામાં આવશે. વેન્ટિલેટર્સથી માંડીને અન્ય મશીનરી તથા ઇન્જેક્શન અને દવાઓનો જથ્થો જરૂરીયાતના સમયે ઉપલબ્ધ બની રહે તે માટે સરકાર એક નવી યોજના બનાવશે અને તે માટે અધિકારીઓ ઉપરાંત સપ્લાય ચેનના નિષ્ણાતોની સેવા લેવાશે. જેથી કોઇ સ્થળે આ પૈકીનું કાંઇ ખૂટે અથવા તેની તંગી વર્તાય તેવાં સંજોગો ઊભાં ન થાય અને યોગ્ય સમયે તેનો પૂરવઠો મળી રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news