ગૃહમંત્રી અમિત શાહ બને ગુજરાતનાં મહેમાન, 2 દિવસ સુધી કરશે ઉજવણી
Trending Photos
બ્રિજેશ દોશી/ અમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે મોડી રાત્રે ગુજરાત આવશે. 3 દિવસમાં બીજી વાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને આ તેમનો 2 દિવસીય પ્રવાસ હશે. અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે. પોતાના પરિવાર અને કાર્યકરો સાથે અમિત શાહ પતંગ ચગાવીને ઉત્તરાયણ મનાવશે. દર વર્ષે અમિત શાહ પોતાના કાર્યકરો વચ્ચે જઇને ઉત્તરાયણ મનાવતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી ઉત્તરાયણ છે અને આ વખતે પણ તેઓ કાર્યકરોની વચ્ચે ઉત્તરાયણ મનાવશે.
આવતીકાલે બપોર બાદ તેઓ આનંદનગર વિસ્તારમાં કનકકલા ફ્લેટ પર પતંગ ચગાવશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે ધારાસભ્ય કિશોર ચૌહાણ અને પ્રદેશ આગેવાનો પણ હાજર રહેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ 15 જાન્યુઆરીએ રોજગારલક્ષી સ્કીલ યુનિવર્સિટીની જાહેરાત કરશે. મહાત્મા મંદિર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહેશે. સરકારે આ માટે 20 એકર જમીનની ફાળવણી કરી દીધી છે અને આ યુનિવર્સિટી કલોલ તાલુકામાં બનશે.
જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સ્કીલ ટ્રેનીંગ પૂરી પાડવાનો અને રોજગારી ઉપલબ્ધ કરાવવાનો રહેશે. આ યુનિવર્સિટીમાં વિવિધ કોર્ષ ચાલશે. ભાજપ અધ્યક્ષની આ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપની સંરચના પર પણ આખરી મહોર લાગશે. ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા 20 તારીખ સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે ત્યારે આ મુદ્દે પણ અંતિમ નિર્ણય લેવાઇ શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ સતત મંત્રાલયની કામગીરીમાં વ્યસ્ત રહ્યા છે પણ તેમ છતાં પોતાના વિસ્તારના વિકાસ લક્ષી કાર્યક્રમોમાં પણ સતત હાજરી આપી રહ્યા છે.
દર મહિને અમિત શાહ પોતાના મતવિસ્તારના વિકાસ કાર્યો માટે સમય કાઢી રહ્યા છે અને પોતાની સાંસદ તરીકેની કામગીરી પણ જવાબદારીથી પૂરી કરી રહ્યા છે. સાથે જ પોતાના કાર્યકરોની વચ્ચે પણ પહોંચી રહ્યા છે, નારણપુરા ખાતે કાર્યકરોના સ્નેહમિલન કાર્યક્રમમાં તેમણે કાર્યકરોને પણ ટકોર કરી હતી અને આગામી કાર્યક્રમો સફળ બનાવવાનો લક્ષ્યાંક પણ સોંપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે