કોરોના કાળમાં આ વિભાગે પડદા પાછળ કરી મોટી કામગીરી, લોકો આ વિશે જાણતા પણ નથી
Trending Photos
સુરત : નેપથ્યમાં રહી કોરોના ક્રાઈસિસને કંટ્રોલમાં લાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી છે આ વિભાગે. સુરત શહેર, જિલ્લા સહિત નવસારી જિલ્લાની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના ઘડી હતી. સંભવિત ત્રીજી લહેરનું પણ આગોતરૂ આયોજન કરીને સુરતની વસ્તીના આધારે પ્રોજેક્શન મોડેલ તૈયાર કર્યું છે. ૫૦ કર્મચારીઓ આરોગ્ય તંત્ર સાથે પડછાયાની જેમ રહીને સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સમગ્ર દેશ સહિત સુરત શહેરે કોરોનાની પહેલી તથા બીજી લહેરનો મક્કમતાથી સામનો કર્યો છે. અનેક ડોક્ટરો, ઉચ્ચ અધિકારીઓથી લઈને આરોગ્ય વિભાગના યોદ્ધાઓના દિન-રાતના સહિયારા પ્રયાસોના કારણે કોરોનાને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે. કોરોનાની કૂચને અટકાવવાંમાં એવા ઘણાં 'સાયલન્ટ વોરિયર્સ' નિમિત્ત બન્યાં, જેમની નેપથ્યમાં-પડદા પાછળની કામગીરીથી કોરોનાનો કહેર કાબુમાં આવ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે નવી સિવિલ હોસ્પિટલનો પી.એસ.એમ.(પ્રિવેન્ટીવ એન્ડ સોશ્યલ મેડિસિન) વિભાગ.
PSM વિભાગે કોરોનાની પહેલી અને બીજી લહેર સમયે સચોટ ડેટા એનાલિસીસના આધારે આગોતરા પગલાઓ દ્વારા ઈન્ફેકશનને નિયંત્રણમાં લાવવા અને કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે આગવી વ્યૂહરચના અપનાવીને સુરત શહેર, જિલ્લા અને નવસારી જિલ્લાને સંક્રમણમાંથી બહાર લાવવા તેમજ સંક્રમણને આગળ વધતું અટકાવવાંમાં યોગદાન આપ્યું છે, ક્રાઈસીસ મેનેજમેન્ટ માટે સૂચનો, તેમજ સ્થાનિક પરિસ્થિતિનું આકલન કરીને સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, સિવિલ અને સ્મીમેર આરોગ્યતંત્ર સાથે રિઅલટાઈમ ડેટા એનાલિસિસને આધારે સચોટ ફિડબેક આપ્યો હતો. જેનાથી તંત્રને નિર્ણયો લેવામાં મદદ મળતી હતી.
જુદી-જુદી ટાસ્કફોર્સ ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ, હોમ ક્વોરન્ટાઈન અને આઈસોલેશન, માઈક્રો કન્ટેઈન્મેન્ટ, ફિલ્ડ સર્વેલન્સ, વેક્સિનેશન, ઓક્સિજન ઓડિટ, વિવિધ પ્રકારની માર્ગદર્શિકાઓ (SoP), ડેથ ઓડિટ, ટ્રેનિંગ, રિસર્ચ, હેલ્થ કેર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રને વાસ્તવિક અને સચોટ ફિડબેક આપીને ચાવીરૂપ કામગીરી બજાવી હતી. ફરજ દરમિયાન વિભાગીય વડા ડૉ.જયેશ કોસંબિયા તથા તેમના પત્ની કોવિડ પોઝિટીવ થયા હતા. ડૉ.હર્ષદ પટેલ(એસો.પ્રોફેસર), ડૉ.ઈરફાન મોમીન(એસો.પ્રોફેસર, ડૉ.અંજલિ મોદી(આસિ.પ્રોફેસર), ડૉ.જયંત પટેલ (ટ્યુટર) અને ૮ રેસિડેન્ટ ડોક્ટર્સ પોઝિટીવ થયા હતા. ફેકલ્ટી મેમ્બર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સના ૨૦ જેટલા કુટુંબીજનો પણ કોરોનાગ્રસ્ત બન્યાં હતા. જેમાં એક કુટુંબીજનનું અવસાન પણ થયું. આમ છતા સ્વસ્થ થઈને ફરજ પર પાછા ફરી વિપરીત સંજોગોમાં પણ આ વોરિયરોએ રાતદિન કર્મયોગ શરૂ રાખ્યો.
PSM વિભાગના વડા અને પ્રોફેસર ડો.જયેશ કોસંબિયાએ જણાવ્યું કે, કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે કોરોનાના આંકડાઓનું પૃથ્થકરણ, સ્થળ નિરીક્ષણ અને સ્થિતિનું મોનિટરીંગ કરીને આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણની ભાવિ પરિસ્થિતિનો ઊંડાણથી અભ્યાસ કરી બેડ, વેન્ટીલેટરની જરૂરિયાત, કોરોનાની ગતિ, નિવારણના પગલાં વગેરેનું જુદા-જુદા તારણો સાથે મનપાની પ્રતિદિન મળતી કોર કમિટીની મિટિંગમાં પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું. જેના આધારે ઉચ્ચઅધિકારીઓ શહેરમાં કોરોના નિયંત્રણના અટકાયતી પગલાઓનું આયોજન કરતાં હતાં. સુરત અને નવસારી જિલ્લા માટે અટકાયતી પગલાં લેવાની જવાબદારી નિભાવીને તંત્ર સાથે પડછાયાની જેમ સંકલનમાં રહી કામ કર્યું છે. વિભાગમાં ૧૯ ફેકલ્ટી, બે સિનીયર રેસિ., ૨૦ રેસિડેન્ટ ડોક્ટર અને સપોર્ટીવ સ્ટાફ સહિત ૫૦ કર્મચારીઓએ કોરોનાકાળ દરમિયાન દિનરાત ફરજ બજાવી છે. નવી સિવિલની ટાસ્કફોર્સ ટીમની રોજ સવાર-સાંજ બેઠક મળતી, જેમાં હોસ્પિટલના ઓપીડી-આઈપીડી, ડિસ્ચાર્જ, ડેથ અને બેડ ઉપલબ્ધતા, ઓક્સિજન ઓડિટનું પ્રેઝન્ટેશન કરવામાં આવતું હતું, જેથી જરૂરિયાત પ્રમાણે યોગ્ય વ્યવસ્થા કરી શકાય. “Ask A MASK Campaign” નો કોન્સેપ્ટ અને સ્ટોરીલાઈન બનાવી હતી, જેમાં જે વ્યક્તિએ માસ્ક ના પહેર્યું હોય, યોગ્ય રીતે માસ્ક ના પહેર્યું હોય તેને માસ્ક પહેરવા માટે કોઈ વ્યક્તિ ટોકી શકે છે. સુરત મહાનગરપાલિકાએ આ વિષે જુદા-જુદા પાંચ વિડીયો બનાવીને આમ જનતા માટે ખૂબ પ્રભાવી કેમ્પેઈન ઉભું કર્યું હતું.
ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા કોર કમિટી અને ટાસ્કફોર્સ કમિટી દ્વારા એક્શન પ્લાનનું આગોતરૂ આયોજન ઉપયોગી નીવડ્યું.
બીજી લહેરની વાત કરતા ડો.કોસંબીયા કહે છે કે, ફેબ્રુઆરી,૨૦૨૧ દરમિયાન એક એક્શન પ્લાન બનાવીને બેડની જરૂરિયાતને ધ્યાનમાં લઈને આગામી અઠવાડિયામાં બેડ, ઓક્સિજન, વેન્ટીલેટર, દવાની જરૂરિયાતનું તારણ આપવામાં આવ્યું હતું, તે જ રીતે ઉચ્ચ અધિકારીની બનેલી કોર કમિટીમાં તંત્રની સુસજ્જતા અને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે તેને પહોંચી વળવા ટાસ્કફોર્સ અને એક્શન પોઈન્ટનું પણ આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. જે બીજી લહેરમાં ઉપયોગી નીવડ્યું.સંભવિત ત્રીજી લહેરનું પણ આગોતરૂ આયોજનઃ બાળકોમાં સંક્રમણને અટકાવવાંનો પ્લાન
આગામી સંભવિત ત્રીજી લહેર વિશેના આગોતરા આયોજન અંગેનો અંદાજ આપતા તેઓ કહે છે કે, સુરત શહેરમાં સંભવિત ત્રીજો વેવ આવે તો અંદાજિત ૨૦,૦૦૦ બાળકોને ચેપ લાગવાની સંભાવના છે. ૨૦૦૦ બાળકોને હોસ્પિટલમાં એડમિશન તેમજ ૨૦૦ બાળકોને ICU બેડની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જેથી શહેરની ૭૦ લાખ વસ્તીને ધ્યાનમાં રાખીને ૧૫ વર્ષથી નાના, ૫ વર્ષથી નાના અને એક વર્ષથી નાના બાળકોની ૨૦૧૧ના સેન્સસના આંકડા પ્રમાણે એક પ્રોજેક્શન મોડેલ બનાવવામાં આવ્યું છે. અને આ રીતે બાળકોમાં સંક્રમણને અટકાવવાંનો પ્લાન છે.
ટ્રાવેલર્સ સ્ક્રીનિંગ અને નિયંત્રણના પગલા માટે સ્ટ્રેટેજી
હાલ સુરતમાં કોવિડ કેસો ઘટી રહ્યા છે. પોઝિટિવિટીનો દર ઓછો જણાય છે તેવા સંજોગોમાં શહેરમાં કોવિડનો ચેપ(સોર્સ) હાજર હોવાથી અટકાયતના પગલાં લઈ શકાય, પરંતુ સુરત શહેરમાં ટ્રાવેલર્સનું યોગ્ય પ્રમાણમાં ટેસ્ટીંગ થાય તો બહારથી આવતા લોકોમાંથી ઇન્ફેક્શન રોકી શકાય. બહારથી આવતા લોકો એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ હોય તો તેમના દ્વારા અહીં શહેરમાં ફેલાવો થઈ શકે છે, જેથી ટ્રાવેલર્સ સ્ક્રીનિંગ અને નિયંત્રણના પગલાં માટે સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે.
બીજી લહેરમાં સુરતના ૧૯૧ હેલ્થકેર વર્કર્સ કોરોનાગ્રસ્ત થયા. અત્યાર સુધી બીજી લહેરમાં સુરતના ૧૯૧ હેલ્થકેર વર્કર્સ કોવિડ પોઝિટીવ થયા છે, અને તેઓ હોમ કે હોટેલ આઈસોલેશનમાં રહી સ્વસ્થ થઈ ગયા છે. ૧૯૧માંથી ૧૨૦ લોકોએ (૬૩ટકા)રસી લીધી છે. રસીના કારણે હેલ્થકેર વર્કરને કોઈ ગંભીર અસર જણાઈ ન હતી, અને કોરોનાગ્રસ્ત થયાં હોય તો પણ ઓક્સિજનની જરૂરિયાત પડી ન હતી અને તમામ સાજા થઈ ગયા છે એમ ડો.કોસંબીયા જણાવે છે.
વેક્સિનેશનની કામગીરીને વેગ મળ્યો
વેક્સિનેશનની કામગીરીને વેગવંતી કરવા ફેબ્રુઆરી માસમાં PSM વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે વેક્સિનેશન સેન્ટરની કામગીરી શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલના કુલ ૪,૩૩૭ હેલ્થકેર વર્કરોએ પ્રથમ ડોઝ અને ૨૭૪૯ એ રસીનો બીજો ડોઝ લીધો છે. તેમજ નવી સિવિલ ખાતે કુલ ૧૦,૭૭૨ લોકોએ પ્રથમ અને ૪,૮૧૯ લોકોએ બીજો ડોઝ લીધો છે. સ્થાનિક જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારની માર્ગદર્શિકા (એસ.ઓ.પી.) બનાવી
તેઓ વધુમાં કહે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત માર્ગદર્શિકા બહાર પડતી હતી, જેને PSM વિભાગે સ્થાનિક જરૂરિયાત અનુસાર ફેરફાર કરીને ડાયમંડ, ટેક્ષટાઈલ, હોટેલ-રેસ્ટોરન્ટ માટે એસ.ઓ.પી.બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. બાગબગીચા, પુસ્તકાલયો, શાળા, કોચિંગક્લાસ, જીમ-યોગ સેન્ટર જેવા વધુ અવરજવરવાળા જાહેરસ્થળોને ફરીથી ખોલવાની એસ.ઓ.પી. પણ તૈયાર અને પ્રસારિત કરવામાં આવી હતી.
'રેપિડ રિસ્પોન્સ ટીમ' દ્વારા રોજેરોજ મનપાને ફિડબેક અપાતો
સુરત મહાનગરપાલિકાએ અમારા વિભાગના ફેકલ્ટીને 'રેપિડ રિસ્પોન્સ ટીમ'માં સામેલ કરી શહેરના ચાર ઝોન:- સેન્ટ્રલ, અઠવા, ઉધના અને લિંબાયત ફાળવ્યા હતા. જેમાં દરરોજ એક-એક ટીમ ચાર ઝોનની મુલાકાત લઈને ક્લસ્ટરીંગ ઓફ કેસિસ, હોમ આઈસોલેશન, કન્ટેઈન્મેન્ટ એરિયા, ધન્વંતરિ રથ તથા સંજીવની રથની મુલાકાત લઈને રોજેરોજ મનપાને ફિડબેક અપાતો હતો, જેનાથી નવા કેસના સ્ત્રોત, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અટકાયતની કામગીરી હાથ ધરવામાં આવતી. જરૂર જણાય ત્યાં જે-તે સ્થળે સંક્રમણના ઓછાવત્તા પ્રમાણને ધ્યાને રાખી વ્યૂહરચના ઘડી કામગીરીમાં સુધારા કરવામાં આવતાં. આ જ રીતે સુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં આવી કામગીરી અન્ય બે ટીમ દ્વારા કરી હોવાની તેઓ જણાવે છે. સંક્રમણની રોકથામ માટે ૧૧૪૫ આરોગ્યકર્મીઓને તાલીમબદ્ધ કર્યા.
કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઈસોલેશન અને ક્વોરન્ટાઈનને લગતા મુદ્દાઓ પર પ્રાથમિક આરોગ્ય કર્મચારીઓ, એએનએમ, આશા, લેબ ટેકનિશિયન, પ્રાથમિક શાળાના શિક્ષકો, સેનેટરી નિરીક્ષકો અને કરારના કર્મચારીઓ સહિત ૯૮૦ આરોગ્યકર્મીઓને અલગ-અલગ બેચમાં તાલીમ આપી હતી. તેમજ ૪ દિવસના સમયગાળામાં ૧૧૪૫ આરોગ્યકર્મીઓને અમારા ફેકલ્ટી દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ, માઈક્રોકન્ટેઈન્મેન્ટ, એઆરઆઈ સર્વેલન્સ અને સ્વસુરક્ષા માટે પુન: તાલીમ આપવામાં આવી હતી. સવારે ફિલ્ડવર્ક અને વિઝીટ માટે રવાના થતી ટીમને ૧૦ મિનિટ માટે ઝોન લેવલે બ્રિફિંગ આપવામાં આવતું હોવાનું પણ ડો.કોસંબીયા જણાવે છે.
મ્યુકરમાયકોસિસના પડકાર સામે સજ્જતા કેળવી
અમદાવાદ અને રાજકોટમાં મ્યુકરમાયકોસિસ(બ્લેક ફંગસ)ની બિમારી વધતાં મનપા ખાતે આંખ તેમજ કાન, નાક, ગળા વિભાગના ડોક્ટર્સ સાથે IMAની મીટિંગ રાખવામા આવી, જેમાં મ્યુકર માટે સિચ્યુએશનલ એનાલિસિસ કરાયું હતું, અને નવી સિવિલમાં દાખલ દર્દીઓને મ્યુકર થવાના કારણોની માહિતી એકઠી કરવી, તેના લક્ષણો અને સારવારની માહિતી એકઠી કરવી, તેનું દરરોજ એનાલિસિસ કરી મનપા અને આરોગ્યના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી, જેમાં ૨૬% અનકંટ્રોલ ડાયાબિટીસ, ૧૮% ડાયાબિટીસ સાથે સ્ટીરોઈડ અને ઓક્સિજનના વપરાશવાળા લોકો જણાયા છે.
આરોગ્ય તંત્રમાં PSM વિભાગની શું ભૂમિકા હોય છે?
છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રિવેન્ટિવ અને સોશિયલ મેડિસિનનો વ્યાપ વધ્યો છે. PSM એ જાહેર આરોગ્યના આંકડા, સામાજિક આરોગ્ય, મનોવિજ્ઞાન, ક્લિનિકલ અને બાયોલોજીકલ સાયન્સને જોડીને કોઈ એક વ્યક્તિ નહિ, પણ સમગ્ર માનવસમુદાય માટે રોગ નિવારાત્મક કામગીરી કરે છે. આરોગ્યની સમસ્યાને નિવારવી, રોગને આગળ વધતો અટકાવવાં અને સ્થિતિનું વિશ્લેષણ કરી એક્શન પ્લાન બનાવવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓ-અભિયાનોને લાગુ કરવા, જનજાગૃત્તિ કાર્યક્રમો ઘડવા, આરોગ્યકર્મીઓને તાલીમ આપવી અને કોઈ પણ રોગચાળો ફાટી નીકળે ત્યારે ટીમો બનાવી સ્થાનિકતંત્ર સાથે સર્વે, ફિલ્ડવર્ક, તાલીમ જેવી અનેકવિધ કામગીરી કરી રોગચાળાને ફેલાતો અટકાવવાંમાં મહત્વનું પ્રદાન હોય છે. આ વિભાગનું મુખ્ય કામ MBBS, MD વિદ્યાર્થીઓ અને ઈન્ટર્ન ડોક્ટર્સના શૈક્ષણિક તાલીમનું છે, જે આ વિભાગ પૂરી નિષ્ઠાથી બજાવતું આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પ્લેગ, ફ્લડ, બર્ડફ્લૂ અને દર ચોમાસામાં થતાં લેપ્ટોસ્પાયરોસિસ જેવા વિવિધ એપિડેમીકની અટકાયતમાં સિવિલનો PSM વિભાગ બહોળો અનુભવ ધરાવે છે, તથા દર વર્ષે જોવા મળતાં જુદા-જુદા પ્રકારના રોગચાળાઓ જેમ કે, ઓરી, ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોના નિયંત્રણ અને અટકાયતમાં મહત્વનો ભાગ ભજવે છે. સિવિલના PSM વિભાગે અમેરિકાની ૩આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ, યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા-ટેમ્પા, સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી-મેમ્ફિસ, સાન ડિએગો સ્ટેટ યુનિવર્સિટી સાથે એમઓયુ કર્યા છે. જેની સાથે જુદા-જુદા રિસર્ચ કરવામાં આવ્યા છે. આ વિભાગની ઉપરોક્ત વિવિધ કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.
આમ, PSM વિભાગ કોરોના ક્રાઈસીસને કંટ્રોલ કરવામાં કેન્દ્રબિંદુ બન્યું છે. કોરોનાની આગેકૂચને અટકાવવાંમાં 'સાયલન્ટ વોરિયર' બની ઉભરેલા PSM વિભાગના કર્મયોગીઓએ કોઈ પણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા આગવી વ્યૂહરચના વિકસાવી અને કાબિલેતારીફ કામગીરી થકી ક્રાઈસીસ મેનેજમેન્ટમાં સહભાગી થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે