હવે મકાન બનાવવા માટે ઇંટ-ગારાની જરૂર નહી પડે, રમકડાંની માફક જોઇન્ટ કરવામાં આવશે બ્લોક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ દેશના 6 શહેરોમાં 365 દિવસોમાં 1 હજાર મકાન બનશે. પીએમ મોદીએ કહ્યું કે તેનો અર્થ એ છે કે દરરોજ અઢી થી ત્રણ મકાન બનશે.

Trending Photos

હવે મકાન બનાવવા માટે ઇંટ-ગારાની જરૂર નહી પડે, રમકડાંની માફક જોઇન્ટ કરવામાં આવશે બ્લોક

રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2020 સુધી દેશના તમામ બેઘર પરિવારો પાકા મકાનો પુરા પાડવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આ દિશામાં પીએમ મોદીએ આજે વીડિયો કોંફ્રન્સિંગ દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. નવા વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રથમ કાર્યક્રમ છે. 

આજનો દિવસ નવી ઉર્જા સાથે આગળ વધવાનો, નવા નિર્ધારો પુરવાર કરવાનો દિવસ છે અને આજે દેશ ગરીબો તેમજ મધ્યમવર્ગના લોકો માટે આવાસોનું નિર્માણ કરવા માટે નવી ટેકનોલોજીઓ પ્રાપ્ત કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનિકલ ભાષામાં આ ઘરોને લાઇટ હાઉસ પરિયોજના કહેવામાં આવે છે પરંતુ આ 6 પરિયોજનાઓ ખરેખરમાં દેશને આવાસ ક્ષેત્રમાં નવી દિશા બતાવી રહેલી લાઇટહાઉસ (દીવાદાંડી) સમાન છે.

પ્રધાનમંત્રી કહ્યું હતું કે આ લાઇટ હાઉસ પરિયોજના વર્તમાન સરકારના અભિગમનું ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે કહ્યું હતું કે, એક સમયે આવાસ યોજનાઓ કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં નહોતી રહેતી અને કેન્દ્ર સરકાર આવાસ બાંધકામના સુક્ષ્મ વિશેષતાઓ તેમજ ગુણવત્તામાં પડતી નહોતી. આજે, દેશે પરિયોજનાઓને ઝડપથી પૂરી કરવા માટે અલગ અભિગમ પસંદ કર્યો છે, અલગ માર્ગ અને બહેતર ટેકનોલોજી અપનાવ્યા છે. તેમણે સરકારી મંત્રાલયો ખૂબ જ મોટા અને સુસ્ત માળખા વાળા નહીં પરંતુ સ્ટાર્ટઅપની જેમ ઝડપથી બંધ બેસે તેવા પ્રકારના હોવા જોઇએ તે બાબતે વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે દુનિયાભરમાંથી 50 કરતાં વધારે આવિષ્કારી બાંધકામની કંપનીઓની સક્રિય સહભાગીતા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વૈશ્વિક પડકારે આપણને નવાચાર કરવા માટે અને નવી ટેકનોલોજીઓનો આવિષ્કાર કરવા માટે અવકાશ આપ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ જ પ્રક્રિયાના આગામી તબક્કામાં આજથી અલગ અલગ સ્થળોએ 6 લાઇટ હાઉસ પરિયોજનાઓના નિર્માણના કાર્યનો પ્રારંભ થઇ રહ્યો છે. આ લાઇટ હાઉસ પરિયોજનાઓ અદ્યતન ટેકનોલોજી અને આવિષ્કારી પ્રક્રિયાઓથી પૂરી કરવામાં આવશે અને તેનાથી બાંધકામના સમયમાં ઘટાડો થશે તેમજ તે ગરીબો માટે વધુ ટકાઉક્ષમ, પરવડે તેવા અને આરામદાયક મકાનો ઉપલબ્ધ કરાવશે. તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે, આ લાઇટ હાઉસોમાં બાંધકામ ટેકનોલોજીમાં નવાચાર સામેલ કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ઇન્દોરમાં નિર્માણ પામી રહેલી પરિયોજનામાં ઇંટો અને મોર્ટાર દિવાલો નહીં હોય પરંતુ તેના સ્થાને તેમાં પ્રિફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે. 

રાજકોટમાં તૈયાર થઇ રહેલા લાઇટ હાઉસોનું બાંધકામ ફ્રેન્ચ ટેકનોલોજીથી કરવામાં આવશે અને તેમાં સુરંગનો ઉપયોગ કરીને મોનોલિથિક કોંક્રિટ બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેમજ આ મકાનો આપત્તિ સામે ટકી રહેવા માટે વધુ સક્ષમ હશે. ચેન્નઇમાં US અને ફિનલેન્ડની ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રિકાસ્ટ કોંક્રિટ પ્રણાલીની મદદથી લાઇટ હાઉસોનું નિર્માણ કરવામાં આવશે જેના કારણે મકાનોનુ નિર્માણ ઝડપથી થશે અને તેનો ખર્ચ પણ ઓછો રહેશે. રાંચીમાં મકાનો બાંધવા માટે જર્મનીની 3D બાંધકામ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ઓરડા અલગ બાંધવામાં આવશે અને ત્યારબાદ આખા માળખાને એકબીજા સાથે રમકડાંની લીગો બ્રિક્સની જેમ જોડી દેવામાં આવશે. 
 

— ANI (@ANI) January 1, 2021

તેમણે એમ પણ કહ્યું હતું કે, અગરતલામાં બાંધવામાં આવી રહેલા મકાનો માટે ન્યૂઝીલેન્ડની ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્ટીલ ફ્રેમ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવશે જે આ ઘરોને મોટા ભૂકંપના જોખમો સામે પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવતા હશે. કેનેડાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને લખનઉમાં મકાનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં પ્લાસ્ટર અને રંગ કરવાની કોઇ જરૂર પડશે નહીં અને મકાનોના નિર્માણનું કામ ઝડપથી કરવા માટે અગાઉથી તૈયાર કરવામાં આવેલી આખી દિવાલોનો ઉપયોગ કરવામાં આવશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક સ્થળે આગામી 12 મહિનામાં હજારો ઘરોનું નિર્માણ કરવામાં આવશે જે ઇન્ક્યુબેશન કેન્દ્રો તરીકે કામ કરશે જેના દ્વારા આપણા પ્લાનરો, આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજી શીખી શકશે અને તેનો પ્રયોગ કરી શકશે. તેમણે જાહેરાત કરી હતી કે, આ ઉપરાંત, બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે નવી ટેકનોલોજીઓ સાથે સંકળાયેલા કૌશલ્યો અપગ્રેડ કરવા માટે એક પ્રમાણપત્ર અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવશે જેથી આ લોકો મકાનોના બાંધકામ માટે ઉપલબ્ધ હોય તેવી દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજી અને સામગ્રીઓ મેળવી શકે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, દેશમાં અદ્યતન આવાસ ટેકનોલોજી સંબંધિત સંશોધન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ASHA-ભારત કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. આના દ્વારા, 21મી સદીને અનુકૂળ ઘરોનું બાંધકામ કરવા માટે નવી અને પરવડે તેવી ટેકનોલોજી ભારતમાં જ વિકસાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ અભિયાન હેઠળ પાંચ શ્રેષ્ઠ ટેકનિકોને પસંદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, શહેરોમાં રહેતા ગરીબો અને મધ્યમવર્ગના લોકોનું સૌથી મોટું સપનું તેમનું પોતાનું ઘર લેવાનું હોય છે. પરંતુ જેમ જેમ વર્ષો વીતે તેમ, લોકો પોતાનું ઘર બનાવવાનો વિશ્વાસ ગુમાવતા જાય છે. 

તેમણે જણાવ્યું હતું કે, આ વિશ્વાસ પાછો કેળવાઇ જાય તે પછી પણ ઊંચા ભાવોના કારણે માગ ઘટી ગઇ છે. કોઇપણ સમસ્યા કે પ્રશ્ન ઉભો થાય તેવી સ્થિતિમાં પોતાની પાસે કાયદેસર જોગવાઇઓનો આધાર રહેશે કે નહીં તે અંગે પણ લોકોએ વિશ્વાસ ગુમાવી દીધો છે. બેંકોના ઊંચા વ્યાજદરો અને ધિરાણ મેળવવામાં આવી રહેલી પારવાર મુશ્કેલીઓના કારણે પોતાનું ઘર ખરીદવાના લોકોના રસમાં ઘટાડો થયો છે. છેલ્લા છ વર્ષમાં, સામાન્ય લોકો પણ પોતાના ઘરના માલિક બની શકે છે તેવો તેમનામાં વિશ્વાસ ફરી સ્થાપિત કરવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસો અંગે તેમણે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખૂબ જ ટુંકા સમયગાળામાં શહેરોમાં લાખો મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પીએમ આવાસ યોજના અંતર્ગત બાંધકામમાં સ્થાનિક જરૂરિયાત અને મકાન માલિકની અપેક્ષાઓ બંનેને અનુલક્ષીને તેના પર ધ્યાન આપવામાં આવે છે અને અમલીકરણ કરવામાં આવે છે. આ એક સંપૂર્ણ પેકેજ છે કારણ કે દરેક યુનિટ (ઘર) વીજળી, પાણી અને ગેસના જોડાણથી સજ્જ હોય છે. જીઓ ટેગિંગ અને લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) જેવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને પૂરતી પારદર્શકતા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

મધ્યમવર્ગને થતા લાભો અંગે ચર્ચા કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેમને હોમ લોનના વ્યાજ પર કપાત આપવામાં આવે છે. અધુરી આવાસ પરિયોજનાઓના કામ પૂરાં કરવા માટે રૂપિયા 25 હજાર કરોડનું એક અલગ ભંડોળ તૈયાર કરવામાં આવ્યું છે જે મધ્યમવર્ગને લાભ કરાવશે. મકાન માલિકોનો ભરોસો ફરી સ્થાપિત કરવા માટે RERA જેવા પગલાં લેવામાં આવ્યા છે અને તેમનામાં વિશ્વાસ જગાવવામાં આવ્યો છે કે, તેમના પરસેવાની કમાણીને કોઇપણ છેતરપિંડીથી પડાવી શકશે નહીં. RERA હેઠળ 60 હજાર પ્રોજેક્ટ્સની નોંધણી કરાવવામાં આવી છે અને હજારો ફરિયાદોનું આ કાયદા હેઠળ નિરાકરણ લાવવામાં આવ્યું છે.

ઘરની ચાવી મેળવવી એ માત્ર રહેવા માટેની એક જગ્યાનો કબજો મેળવવો એવું નથી પરંતુ, તેનાથી ગૌરવ, આત્મવિશ્વાસ, સલામત ભવિષ્ય, નવી ઓળખ અને વિસ્તરણ થઇ રહેલી સંભાવનાઓના દ્વાર પણ ખુલે છે. 'સૌના માટે આવાસ'નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા તમામ કાર્યો કરોડો ગરીબો અને મધ્યમ વર્ગીય પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન શરૂ કરવામાં આવેલી નવી યોજના એટલે કે, પરવડે તેવા ભાડાના આવાસ સંકુલ યોજનાનો પણ આ પ્રસંગે ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, જેઓ કામની શોધમાં અલગ અલગ રાજ્યોમાંથી અન્ય અલગ રાજ્યોમાં જાય છે તેવા કામદારોને વાજબી ભાડામાં મકાનો ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકાર ઉદ્યોગો અને અન્ય રોકાણકારો સાથે મળીને કામ કરી રહી છે. તેમની ઘરની સ્થિતિ મોટાભાગે ગંદી અને બિનગૌરવપૂર્ણ હોય છે. એવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે કે, તેમને વાજબી ભાડામાં તેમના કાર્યસ્થળની આસપાસમાં જ રહેવાની જગ્યા મળી રહે. આપણા કામદાર મિત્રો ગૌરવથી રહી શકે તે જવાબદારી આપણી જ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રીઅલ એસ્ટેટ ક્ષેત્રને મદદરૂપ થવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંઓ પણ ગણાવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સસ્તા મકાનો પર કર 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરવો, GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવો, સસ્તા ધિરાણ માટે પાત્રતા મેળવી શકાય તે માટે આ ક્ષેત્રને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જેમ સ્વીકૃતિ આપવી વગેરે પગલાં લેવામાં આવ્યા હોવાથી તેના પરિણામે બાંધકામ માટે મંજૂરીઓ આપવાનું રેન્કિંગ અગાઉ 185 હતું તે 27 થઇ ગયું છે. 2000થી વધારે નગરોમાં બાંધકામની મંજૂરી માટેની પ્રક્રિયા ઑનલાઇન કરવામાં આવી છે.

 2 કરોડથી વધારે રહેણાંક મકાનો ગ્રામીણ ભારત ક્ષેત્રોમાં બાંધવામાં આવ્યા છે. આ વર્ષે ગ્રામીણ આવાસ નિર્માણની ઝડપ હજુ પણ વધારવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news